Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજકોટ-જેતપુર રોડ સિકસ લેન બનશે

કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક મોટી ભેટ બદલ આભાર માનતા મોહનભાઇ કુંડારિયાઃ ૬૫ કિ.મી. જેટલું અંતર કાપવામાં સમય બચશે અને સલામતી વધશેઃ ગોંડલ રોડ ચોકડીના બ્રિજનું ટુંક સમયમાં ખાતમુહુર્ત

રાજકોટ તા.૪: કેન્દ્ર સરકારે રાજકોટથી જેતપુર સુધીના હાલના ફોર લેનને સિકસ લેન રસ્તો બનાવવાની મંજુરી આપી દીધી છે. ટુંક સમયમાં તેનું કામ શરૂ થશે.

સંસદ સભ્ય શ્રી મોહનભાઇ કુંડારિયાએ જણાવેલ કે કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રને એક પછી એક મોટી ભેટ મળી રહી છે. રાજકોટમાં એઇમ્સ બનાવવા ગઇકાલે જ જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તબીબી ક્ષેત્રે અત્યાધુનિક સેવા- સારવારના દ્વારા ખૂલ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનીએ છીએ ઉપરાંત અમદાવાદથી રાજકોટ વચ્ચેનો રસ્તો ૬ માર્ગીય બની રહયો છે. તેને રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડીથી જેતપુર સુધી લંબાવવા માટે કેન્દ્રીય ભૂમિ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મનસુખ માંડવિયાએ મંજુરી આપી દીધી છે. રાજકોટ-જેતપુર વચ્ચેનો આશરે ૬૫ કિ.મી.નો માર્ગ ૬ માર્ગીય બન્યા બાદ બન્ને તરફ એક સાથે ત્રણ-ત્રણ મોટા વાહનો ચાલી શકશે. સલામતી વધશે અને મુસાફરીનો સમય ઘટશે.

મોહનભાઇએ જણાવેલ કે ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક નજીકની ચોકડી પાસે પુલ બનાવવાનંુ કામ અગાઉ મંજુર થઇ ગયું છે. તેનું ખાતમૂહુર્ત ટુંક સમયમાં કરવામાં આવશે. સિકસલેન અને ગોંડલ રોડ ચોકડીના બ્રિજના પ્રોજેકટનો સંયુકત ખર્ચ ૨૦૦ કરોડ થવાનો અંદાજ છે. ઉપરાંત રાજકોટથી દિલ્હી વચ્ચે રાાત્રીના સમયે વધારાની ફલાઇટ સેવા શરૂ કરવાની મારી રજુઆતને કેન્દ્ર સરકારે ઉત્સાહવર્ધક પ્રતિભાવ આપ્યો છે. આ નવી સેવા ટુંક સમયમાં શરૂ થવાના સંકેત છે. અમદાવાદ- દિલ્હી વચ્ચે દોડતી રાજધાની એક્ષપ્રેસ ટ્રેન રાજકોટ સુધી લંબાવવાના પ્રયાસો ચાલુ છે.(૧.૧૨)

(11:47 am IST)