Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

દર્દીના મોતના મામલે અનીડા વાછડાના ડો.શૈલેષ રૈયાણી સામે ગુન્હો નોંધાયો

બીએએમએસ ડોકટર ઇન્જેકશન ન આપી શકે તેમ છતા માખાકરોડ ગામના દિપકને તાવની બીમારીમાં ઇન્જેકશન આપતા પગમાં સોજો આવતા મોત થયું'તું

રાજકોટ, તા., ૪: ૧પ દિ' પુર્વે કાલાવડ તાલુકાના માખાકરોડ ગામના દર્દીના મોતને મામલે અનીડા વાછડા ગામના ડોકટર સામે  પોલીસમાં ફરીયાદ થયેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડના માખાકરોડ ગામે રહેતા અને ખેતી કામ કરતા રવજીભાઇ ગોબરભાઇ બથવારએ લોધીકા પોલીસ મથકમાં ડો.શૈલેષ રૈયાણી, રહે. અનીડા વાછડા, તા. કોટડા સાંગાણી સામે ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના  પુત્ર દિપક (ઉ.વ.ર૦)ને તાવ આવતા તેને કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછડા ગામે કલીનીક ધરાવતા ડો. શૈલેષ રૈયાણીને ત્યાં લઇ જવાયો હતો. જયાં ડોકટરે દિપકના ડાબા પગે ઇન્જેકશન આપ્યું હતું. ત્યાર બાદ દિપકને આ ઇન્જેકશનના કારણે પગમાં સોજો આવી જતા ફરીયાદી ફરીવાર આ ડોકટર પાસે લઇ ગયા હતા અને ત્યાં દુઃખાવો ન થાય તેની ગોળીઓ આપી હતી. ત્યાર બાદ પણ દિપકને સારૂ ન થતા ગોંડલ માથુકીયા સાહેબની હોસ્પીટલમાં સારવાર લઇ બાદમાં રાજકોટ સરકારી હોસ્પીટલે ખસેડાયેલ હતો. જયાં સારવાર દરમિયાન   ડાબા પગે જીવલેણ સોજો આવતા દિપકનું મોત થયું હતું.

બીએએમએસ ડો. શૈલેષ રૈયાણી પોતે ઇન્જેકશન નહિ આપી શકે તેવુ જાણવા છતા  દિપકને ઇન્જેકશન આપી સારવારમાં ગંભીર બેદરકારી દાખવતા દિપકનું મોત નિપજયું હતું.

આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે ડો.રૈયાણી સામે આઇપીસી ૩૦૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (૪.પ)

(11:46 am IST)