Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

તિથવામાં મા માતંગી (મોઢેશ્વરી) માતાજીના મંદિરનું નિર્માણઃ ગુરૂ-શુક્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વાંકાનેરથી જડેશ્વર જતા માર્ગ ઉપર વિશાળ જગ્યામાં મંદિરનું નિર્માણઃ ભોજનાલય, આવાસ, યજ્ઞશાળા સહિતની સુવિધા ઉભી કરાશેઃ સમસ્ત મોઢ જ્ઞાતિજનોને આંમત્રણ

રાજકોટ,તા.૩: શ્રી માતંગી (મોઢેશ્વરી) માતૃ સંસ્થાનના પ્રમુખ ગીરધરભાઈ જોષી, સમસ્ત ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહામંડળના પ્રમુખ પંકજભાઈ દવેની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે તા.૫ અને ૬ ડીસેમ્બર ગુરૂવાર તેમજ શુક્રવારે વાંકાનેરથી જડેશ્વર જતા રસ્તામાં તીથવા (ભંગેશ્વર) મુકામે એટલે કે પાંચાલ ભુમિ તરીકે ઓળખાતી ભુમિ પર સમસ્ત મોઢ સમાજના કુળદેવી મોઢેશ્વરી ઉર્ફે માતંગી માતાજીના ''મા નુ ધામ''નામના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે.

ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે વિખ્યાત હાલના મહેસાણા જિલ્લાના ચાણસમા અને બહુચરાજી નજીક મોઢેરા ગામના સમસ્ત મોઢ સમાજ કે જેમાં મોઢ બ્રાહ્મણ, મોઢ વાણીયા, મોઢ ઘાંચી, મોઢ મોચી, મોઢ પટેલ સહિત મોઢ સમાજની જ્ઞાતિના કુળદેવી મોઢેશ્વરી ઉર્ફે માતંગી માતાજીના છ એકરથી પણ વધુ વિશાળ જગ્યામાં મંદિર આવેલ છે. આ મંદિર ઉતર ગુજરાતમાં હોવાથી સૌરાષ્ટ્ર- કચ્છના મોઢ સમાજને આ મંદિરે માતાજી દર્શન કરવા માટે લાંબુ અંતર કાપવુ પડતુ હતું. જેને લઈને મોરબી, રાજકોટ સહીત ખાસ કરીને મોઢ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ ઘાંચી, મોઢ સઈસુતાર, મોઢ દરજી, મોઢ પટેલ દરેક મોઢ સમાજ સૌરાષ્ટ્રમાં વસતા હોય વાંકાનેર ખાતે આ મંદિરના નિર્માણથી દરેકને લાંબા અંતર કાપવાની સમસ્યામાંથી રાહત મળશે.

આગામી તા.૫ અને ૬ ડિસેમ્બરના રોજ મોઢેશ્વરી માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુરૂવારે સવારથી જ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થશે. તા.૬ના શુક્રવારે મોઢેશ્વરી ઉર્ફે માતંગી માતાજી, ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોકત અને વેદોકત વિધિવિધાન સાથ સંપન્ન થશે. બંને દિવસ બપોરે ૧૧:૩૦ થી ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મસભાના સંયોજક સ્વામી પરમાત્માનંદજી, જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલજી મહારાજ, ભંગેશ્વર મહાદેવ મંદિરના હિરદાસ મહારાજ અને વાંકાનેર ગાયત્રી મંદિરના અનિલભાઈ રાવલ તેમજ સૌરાષ્ટ્ર- કચ્છના દરેક ગામ અને શહેરના જ્ઞાતિમંડળો તેમજ તેમના કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે. દરેક ગામમાંથી દરેક મંડળોએ આવવા- જવા માટે બસની વ્યવસ્થા કરેલ છે. આ માટે બોડીંગનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ સમગ્રને સફળ મહોત્સવને બનાવવા આ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ સહયોગીઓ પ્રમુખ ગીરધરભાઈ જોષી (મો.૯૮૨૫૩ ૧૪૧૨૧), ઉપપ્રમુખ અંબરીશભાઈ એસ. ભટ્ટ, સુરેશભાઈ એન.પંડયા (મોમ્બાસાવાળા), મહામંત્રી શશિકાંતભાઈ કે.દવે (મો.૯૮૨૫૩ ૪૪૧૩૪), સહમંત્રી રમેશભાઈ એલ.જોષી, ખજાનચી પ્રવિણભાઈ એન.પંડયા, શાસ્ત્રીશ્રી હિંમતલાલ વી.જોષી તેમજ મહામંડળના પ્રમુખ પંકજભાઈ કે.દવે, વિજયભાઈ ડી. દવે, ઉમેશભાઈ એન.દવે, અમુભાઈ જી.જોષી, ભગવતીપ્રસાદભાઈ જાની, રમેશભાઈ જે.પંડયા, સુભાષભાઈ દવે, મુકુંદભાઈ જી.પંડયા, પ્રવિણભાઈ પંડયા (રાજપર) તેમજ દરેક મંડળના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:14 pm IST)