Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

રૈયાધારના રાધેની રૈયા રોડ પર દાદાગીરીઃ હું ડોન છું, મારે પૈસા જ ન દેવાના હોય!

વેપારીઓ પાસેથી ચા-પાન-ફાકી-નાસ્‍તા લઇ જઇ પૈસા ન ચુકવી માથે જતાં દાદાગીરી કરતાં, ધમકી આપતાં શખ્‍સ વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસે બે ગુના નોંધ્‍યા

રાજકોટ તા. ૩: રૈયા રોડ બાપા સિતારામ ચોક વિસ્‍તારમાં રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતો ધર્મેશ ઉર્ફ રાધે રાઠોડ નામનો શખ્‍સ દાદાગીરી કરી વેપારીઓ પાસેથી ચીજવસ્‍તુઓ લઇ જઇ પૈસા દીધા વગર ભાગી જતો હોય તેમજ કોઇ પૈસા માંગે તો ‘હું રૈયા રોડનો ડોન છું, તમે કેમ જીવો છો હું જોઇ લઇશ, બે મહિનામાં પુરું કરી નાંખીશ...મચ્‍છાના દિવસો ભરાઇ ગયા છે'...એવું કહી વેપારીઓ, ધંધાર્થીઓ સાથે દાદાગીરી કરતો હોઇ યુનિવર્સિટી પોલીસે બે ગુના દાખલ કરી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે ગાંધીગ્રામ ઉદય હોલ પાસે રહેતાં અને રૈયા રોડ નાયરા પેટ્રોલ પંપ સામે ખોડિયાર ટી સ્‍ટોલ જે મછાભાઇ ભરવાડ ચલાવે છે તેની સાથે પોતાનો પાનનો ગલ્લો ચલાવતાં ભીખાભાઇ માલદેભાઇ બેરા (આહિર)ની ફરિયાદ નોંધી છે. ભીખાભાઇએ જણાવ્‍યુ હતું કે ધર્મેશ ઉર્ફ રાધે મારી દૂકાને ફાકી ખાઇ ચાલતો થઇ ગયો હતો. આથી મેં ફાકીના પૈસા અને આગલા બાકી હતાં તે ૧૨ હજાર માંગતા તેણે ગાળો દીધી હતી અને આજના કે આગલા એકેય પૈસા આપવા નથી તેમ કહી જતો રહ્યો હતો અને અધડી કલાક પછી ફરી રાધેએ ફોન કરી કહેલું કે આ મચ્‍છાના દિવસો ભરાઇ ગયા છે તેમ કહી ગાળ દીધી હતી. રાધે ઉર્ફ ધર્મેશ અમારી દૂકાને તેમજ આજુબાજુની જોકર ગાઠીયા, મધુરમ પાન, ડિલક્‍સ પાન, પટેલ પાન સહિતની દૂકાને આવી મફતમાં પાન-ફાકી-ચા-નાસ્‍તો કરી ભાગી જાય છે. તેમ વધુમાં ભીખાભાઇએ જણાવ્‍યું હતું.

જ્‍યારે બીજી ફરિયાદ રૈયા રોડ સરસ્‍વતિ પાર્કમાં રહેતાં અને રૈયા રોડ પર ખોડિયાર ટી-સ્‍ટોલ નામે ધંધો કરતાં રમેશભાઇ ઉર્ફ મછાભાઇ કરસનભાઇ બાંભવા (ઉ.૩૫)એ નોંધાવી છે. રમેશભાઇએ જણાવ્‍યું હતું કે રાધેએ મારી હોટલે આવી કહેલું કે તને બહુ હવા છે, તારી હોટલે નાસ્‍તો કરવા આવીએ તો તું ધ્‍યાન આપતો નથી, હવે હું જોવ છું તું કેમ જીવે છે, હું રૈયા રોડનો ડોન છું. બે મહિનામાં તારુ પુરુ કરી નાખીશ. આવી ધમકી દઇ ગાળો દેતાં હું પેટ્રોલપંપની ઓફિસમાં ગયો હતો ત્‍યાં કિરીટભાઇ પટેલને વાત કરી હતી. એ પછી ફરિયાદ નોંધાવી હતી.

એએસઆઇ ડી. વી. બાલાસરા અને હેડકોન્‍સ. આર. ટી. મોરવાડીયાએ બંને ગુના દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(4:43 pm IST)