Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પટેલ પરિણીતાને આપઘાતની ફરજ પાડવા અંગે પતિની જામીન અરજી મંજુર

માત્ર ચાર માસનાં ટુંકા લગ્નગાળા દરમ્યાન

રાજકોટ તા.૩: ચાર મહિનાના ટુંકા લગ્નજીવનનમાં પત્નીએ ગળેફાંસો ખાતા થયેલ ફરિયાદમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ ગુજરનારના પતિ ચેતન બાબુભાઇ ભાવનગરીયાએ કરેલ રેગ્યુલર જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે મંજુર કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી ધનશ્યામભાઇ ચતુભાઇર સાબવા રહે. સમઢીયાળા-તા. બોટાદ વાળાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી કે તેમની મોટી દીકરી સંગીતાના લગ્ન આજથી આશરે ચાર મહિના પહેલા રાજકોટ મુકામે રહેતા ચેતનભાઇ બાબુભાઇ ભાવનગરીયા સાથે થયેલા જે લગ્ન બાદ લાઠીદડ ગામે સાસરે હતી અને ત્યાંથી એકાદ મહિના બાદ તેના પતિ સાથે રાજકોટ મુકામે રહેવા આવેલ હતી અને સંગતાના સાસુ શારદાબેન, સસરા બાબુભાઇ, નણંદ હર્ષાબેન-નણદોયા જયેશ વેગડ તથા નાની નણંદ દક્ષાબેન તેણીને દહેજ બાબતે મેણા ટોણા મારતા અને કરીયાવર ઓછો લાવી છો તેમ કહી રાજકોટમાં મકાન લઇ દેવા માટે મારકુટ કરતા અને અસહય ત્રાસ આપતા આરોપીઓના ત્રાસથી સંગીતાએ તા. ૧૪-૫-૨૦૧૮ના રોજ રાજકોટ કોઠારીયા સોલવન્ટ ઓમકાર સ્કૂલની સામે આસોપાલવ સોસાયટી ખાતે આવેલ તેના મકાનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરેલ હતો. જેથી તમામ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ -૪૯૮એ, ૩૦૬, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ ૩અને ૭ મુજબ ફરિયાદ દાખલ કરેેલ હતી.

ઉપરોકત ફરિયાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ દ્વારા આરોપી પતિ ચેતન ભાવનગરીયાની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવતા આરોપીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં પોતાને જેલમાંથી જામીન પર મુકત કરવા રેગ્યુલર જામીન અરજી કરેલ હતી જે અરજી સેશન્સ કોર્ટે ગ્રાહય ન રાખતા આરોપીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જેને હાઇકોર્ટે મંજુર કરી હતી.

તમામ પક્ષકારોની દલીલો ધ્યાને લીધા બાદ  હાઇકોર્ટ દ્વારા આરોપીને ગુજરાત બહાર ન જવાની અને કેસમાં દરેક મુદ્દતે હાજર રહેવાની શરતે જામીન મંજુર કરેલ હતા.

આ કામમાં આરોપી (પતિ) ચેતન ભાવનગરીયા વતી ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગોૈરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ, કૃષ્ણ ગોર, જીજ્ઞેશ યાદવ રોકાયેલ હતાં. (૧.૧૭)

(3:52 pm IST)