Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

૧૯૨ વર્ષ પ્રાચીન તીર્થ

માંડવી ચોક દેરાસરે શ્રીમાણીભદ્ર દાદાને પ્રથમવાર હીરાની આંગી રચાશેઃ ધનતેરસથી દર્શન

જાગનાથ- મણીઆર અને પટ્ટણી દેરાસરમાં રોશનીનો ઝગમગાટઃ આંગી દર્શનઃ દાદાવાડીમાં ચોપડા પૂજન યોજાશે

રાજકોટ,તા.૩: શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત શ્રી સુપાર્શ્વનાથ જિનાલય (માંડવી ચોક), શ્રી મહાવીર સ્વામી જિનાલય (જાગનાથ), શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય (મણિયાર), શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (પટ્ટણી)માં દીવાળી પર્વના પાંચ દિવસોમાં જિનાલયને રોશનીનો ઝગમગાટ કરવામાં આવશે. દરેક જિનાલયોમાં પાંચેય દિવસ વીર પ્રભુને ભવ્યાતિભવ્ય ડાયમંડ- સાચા હીરાની અદ્દભુત આંગી રચના કરવામાં આવશે.

ધનતેરસના શુભ દિવસે શુભ મુર્હતે શ્રી સુપાર્શ્વનાથ જિનાલય, માંડવી ચોકમાં બિરાજમાન હાજરાહજુર શાસનરક્ષક શ્રી મણિભદ્દવીરને પ્રથમવાર જ ડાયમંડની અદ્દભૂત આંગી શ્રેષ્ઠીવર્યો તેમજ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં અર્પણ કરી ચડાવવામાં આવશે. શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા માતબર રકમ રૂ.૯ લાખના ખર્ચે આ અદ્દભુત મનમોહક આંગી બનાવવામાં આવેલ છે. જેના દર્શન ધનતેરસથી થશે.

દીવાળીના દિવસે જૈન શાસન પેઢી (સંઘ)નું શાસ્ત્રોકત જૈન વિધિ પરંપરા મુજબ ચોપડા પૂજન રાત્રિના ૯ વાગે કરવામાં આવશે. જે શ્રાવકોને પોતાની પેઢીનું ચોપડાપુજન કરવાનું તેઓ ૮:૪૫ વાગે રાત્રિના માંડવી ચોક જિનાલયે પધારે તેવી પ્રમુખશ્રીની યાદી જણાવે છે.

દિવાળીના રાત્રે શ્રી સુપાર્શ્વનાથ જિનાલયે ૯:૪૫ થી ૧૧ વાગ્યા સુધી બેન્ડની સુરાવલીથી વાતાવરણ ભકિતમય થશે. વીર પ્રભુને ભવ્યાતિભવ્ય અંગ રચના કરવામાં આવશે.

બેસતા વર્ષના દિવસે ભારતીય પરંપરા મુજબ પ્રભુજીને બુંદીનો લાડુ શુભ ચોઘડીયે ધરવામાં આવશે. દીવાળી પર્વ દરમિયાન દર્શનનો લાભ લેવા શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઈ ચા વાળા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે અનુરોધ કર્યો છે.(૩૦.૪)

 

(3:52 pm IST)