Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મકાન માલિક અને ભાડૂઆતના ડખ્ખામાં સમાધાનઃ હાઇકોર્ટએ ફરિયાદ રદ કરી

રામકૃષ્ણનગરમાં આવેલા મકાનના ભાડૂઆત ભાવનાબેન પરમાર સહિત પાંચે હુમલો કરી ગાળો આપી મકાન માલિક હિતેષ પારેખને ૫૦ લાખ મહેશ રાજપૂતને મોકલો પછી જ મકાન ખાલી કરીશું...તેવી ફરિયાદ નોંધાઇ હતીઃ ફરિયાદીએ જ ફરિયાદ પાછી ખેંચી

રાજકોટ તા.૩: શહેરના પોશ વિસ્તાર ગણાતા રામકૃષ્ણનગરમાં આવેલા મકાનના માલિક અને ભાડૂઆત વચ્ચે એપ્રિલ-૨૦૧૬માં થયેલી માથાકુટ બાદ નોંધાયેલા ગુનાની ફરિયાદ સંદર્ભે સંભવતઃ સમાધાન થઇ જતાં ફરિયાદીએ ખુદે હાઇકોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચી લેવા અરજી કરી હતી. જે હાઇકોર્ટએ ગ્રાહ્ય રાખી ફરિયાદ રદ કરવા હુકમ કર્યો છે.

આ બનાવ વિશે મળતી માહિતી મુજબ એપ્રિલ-૨૦૧૬માં રામકૃષ્ણનગરમાં આવેલા મકાનના માલિક હિતેષભાઇ પારેખે પોતાના મકાનમાં ભાડૂઆત તરીકે રહેતાં ભાવનાબેન સુખાભાઇ પરમારને મકાન ખાલી કરવાનું કહેતાં તેમણે ભયલુ ચોૈહાણ સહિત પાંચ શખ્સો સાથે મળી ફરિયાદી પાછળ મારવા દોડી ગાળો દઇ ધમકી આપી હતી. તેમજ મહેશ રાજપૂતને ૫૦ લાખ મોકલી આપો પછી જ મકાન ખાલી કરીશું...તેવું કહ્યું હતું.  આ બારામાં એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હિતેષભાઇ પારેખે ફરિયાદ નોંધાવતાં આઇપીસી ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો.

આ ફરિયાદ સંદર્ભે હાઇકોર્ટમાંથી તપાસ સામે સ્ટે લેવાયો હતો. બાદમાં તાજેતરમાં ફરિયાદીએ જ જસ્ટીસ ઉમેશ એ. ત્રિવેદી સમક્ષ ફરિયાદ પાછી ખેંચવા અરજી કરી હતી. જે આજે ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આ મામલે સમાધાન થયાનું સમજાઇ રહ્યું છે.

(3:40 pm IST)