Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જગદંબાને આપણા જીવનના કેન્દ્રમાં સ્થાપતો ઉત્સવ : નવરાત્રી

 નવરાત્રિના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આ નવ દિવસો એટલે શકિત-પૂજનના પવિત્ર દિવસો ! સર્વશકિતમાન જગદંબાની ઉપાસના કરવાના અને તેની પાસે માનસિક, બૌદ્ઘિક, આત્મિક શકિતઓ માંગવાના પવિત્ર દિવસો ! પરંતુ, આજે દુર્ભાગ્યવશ, નવરાત્રિ એટલે માત્ર ગરબા, દાંડિયા, વરણાગી વસ્ત્રો પહેરીને નાચવું- ગાવું, આટલો જ સીમિત અર્થ થઈ ગયો છે.

હકીકતમાં ગરબો એટલે જેની ભીતરમાં જયોતિ પ્રજવલિત છે એવો માટીનો ધડો ! તેનું પ્રતીકાત્મક રૂપ એટલે નવરાત્રિમાં ગરબીની સ્થાપના. જયોતિરૂપ ઈશ્વરી શકિતને કેન્દ્રસ્થાને રાખવી અને નવ દિવસ સુધી આપણે પરિદ્ય પર રહેવું તેનું નામ નવરાત્રિ. તે માતૃશકિત જગદંબા મારા પ્રત્યેક વિચાર અને કૃતિના કેન્દ્રસ્થાને હોય, આ પ્રયત્ન આ નવ દિવસમાં કરવાનો. તેથી જ, મા જગદંબાની ફરતે ગોળાકારે ગરબા રમવાની પ્રથા આવી, જેથી કરીને માણસના મનમાં આ વિચાર મજબૂત થાય કે 'હુ પરિઘ પર છું અને મારા જીવનમાં કેન્દ્રસ્થાને જગદંબા છે. પરંતુ કાળની ગર્તામાં નવરાત્રિ પાછળનો આ પવિત્ર વિચાર સેંકડો જોજન પાછળ રહી ગયો. અને આજે આપણે નવરાત્રિને માત્ર વિવિધ પ્રકારના નૃત્યગીતો પૂરતો ઉત્સવ જ બનાવી દીધો.

અલબત્ત્।, ઉત્સવનો અર્થ એ છે જ કે વિવિધ પરંપરાગત ગરબા, ગીતો આ બધું આવશે જ. અને આ રીતે ઉત્સવ ઉજવવા માટે કોઈની મનાઈ પણ નથી. પરંતુ બન્યું છે એવું કે નવરાત્રિ પાછળનો મૂળ વિચાર ટકે એ ઉદ્દેશ્યથી શરૂ થયેલું ગીતો, ગરબાનું તંત્ર હવે અલગ જ બન્યું છે, અને પરિણામે, 'આપણા દરેક વિચાર અને કૃતિના કેન્દ્રમાં જગદંબા હોવી જોઈએ' એ માનવને વિકાસ સુધી લઈ જનારો મૂળ વિચાર પૂર્ણપણે વિસરાઈ ગયો છે. આવું ફકત 'નવરાત્રિ' ઉત્સવનું જ થયું છે તેવું નથી. જન્માષ્ટમીની મટકીફોડ, ગણપતિ, કે પછી દિવાળી અને આવા બીજા બધા જ તહેવારોમાં ઓછાવત્ત્।ા અંશે ચિત્ર આવું જ સર્જાયું છે.

જયાં સુધી આપણા વિચારો અને કૃતિના કેન્દ્રમાં ફકત હું, મારો સ્વાર્થ, મારી મોટાઈ, મારી મોજમજા આટલું જ હોય, ત્યાં સુધી નવરાત્ર કે દુર્ગાપૂજાનો અર્થ જ સમજાતો નથી ! પછી ભલેને આપણે કેટલીયે આરતી ગાઈએ અને કેટલાયે ઉપવાસ કરીએ, એનાથી શું વળે? ખરેખર તો નવરાત્રિનો જે મૂળ વિચાર છે તેને આજે ચાલતાં રહેલા ગરબા કે દાંડિયા સાથે કોઈ લેવા-દેવા નથી. આ તો કળિયુગના હોશિયાર માનવે પોતાની મોજમજાને માટે ઊભા કરેલા આડંબરો છે. જરા કહો; આજના ગરબા, દાંડિયા, મોજમજામાં બુદ્ઘિ, ભાવ, સમજણ, હેતુનો કેટલો અંશ છે ? આ ખરેખર તો ચિંતનનો વિષય છે, પરંતુ આ વિશે વિચારવાનો સમય આજે કોની પાસે છે?

આજે આપણને નવરાત્રિની ધાર્મિક વિધિઓનો વિચાર આવે છે. ફૂલો કયા લેવા, અષ્ટમીની પૂજા કેવી રીતે કરવી, પોથી કઈ વાંચવી- આ વિચાર આવે છે. (જો કે આ પણ હજી એક-બે પેઢી જ, કારણકે જો આપણે બુદ્ઘિગમ્ય કારણો નહીં આપીએ તો આવનારી પેઢી આ કર્મકાંડ પણ ઉપાડશે નહીં.) પણ આપણે આ ઉત્સવના મર્મનો, તેની પાછળ રહેલી દૈવી સંકલ્પનાનો વિચાર કયારેક તો કરવો જોઈએ ને?

પોતાની બુદ્ઘિનું અભિમાન રાખનારા સુશિક્ષિત બૌદ્ઘિક વર્ગે પોતાની નજર સામે જ સાંસ્કૃતિક વારસાનું આવું દુર્દવી અધઃપતન થઈ રહ્યું છે તેનોયે વિચાર કરવો જોઈશે ને? નહિંતર, થોડા દાયકાઓમાં નવરાત્રિ એટલે ગરબા, નૃત્ય, બેફામ દાંડિયા, ડીજે, આટલો જ અર્થ રહેશે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં ખરા અર્થમાં શકિતપૂજન કરવાની પ્રેરણા આપણને સાંપડે અને આપણા વિચારો, કાર્યો અને જીવનના કેન્દ્રમાં જગદંબા રહે એ જ અભ્યર્થના!

 શારદીય નવરાત્રિની હાર્દિક શુભેચ્છા 

આલેખન

આમોદ દાતાર

 પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી

(પૂજનીય દાદાજી)ના સાહિત્યના  આધારે

(11:23 am IST)