Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સાધુવાસવાણી રોડ ઉપર આવેલ મિલ્કતના કરાર પાલન અંગે થયેલ દાવો નામંજુર

રાજકોટ, તા. ૩ : રાજકોટ શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલ પારિજાત સોસાયટીના બ્લોક નં. ૧૦૮ સબંધે કરાર પાલનનો થયેલ દાવો અદાલતે રદ્દ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, શીવરાજસિંહ ગીરીવરસિંહ રાઠોડ રહે. ભોમેશ્વર પ્લોટ, શેરી નં. ૯, રાજકોટ વાળાએ રાજકોટની સીવીલ કોર્ટમાં એવા પ્રકારનો દાવો દાખલ કરેલ કે, રાજકોટ શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલ પારિજાત સોસાયટીના બ્લોક નં. ૧૦૮ કે જેમાં ત્રણ બેડ, હોલ, કીચન, સંડાસ બાથરૂમ સહિતનું મકાન આવેલ છે તે મકાન તેમણે યશવંતભાઇ રતીલાલ ભટ્ટ પાસેથી ખરીદ કરેલ છે અને વેચાણ પેટે મોટી રકમ ચૂકવેલ છે તથા એક ચેક રૂ. પ૦,૦૦૦/નો આપેલ છે અને વેચાણ કિંમત પેટે હવે રૂ. ૪૦,૦૦,૦૦૦/- ચૂકવવાના છે જે ચુકવવા અને દસ્તાવજ કરાવી લેવા તેઓ તૈયાર છે, પરંતુ મિલ્કત વેચનાર પ્રતિવાદી યશવંતભાઇ ભટ્ટ આ મિલ્કતનો દસ્તાવેજ કરી આપતા નથી જેથી કરારનું પાલન કરી વાદી શીવરાજસિંહ રાઠોડ જોગ દસ્તાવેજ કરી આપે તેવો હુકમ મેળવવા કરાર પાલનનો દાવો કરેલો.

આ દાવામાં બચાવ કરતા યશવંત  રતિલાલ ભટ્ટે અદાલતને જવાબ રજૂ કરી જણાવેલ કે, તેમણે પારિજાત સોસાયટીના આ બ્લોક નં. ૧૦૮ શીવરાજસિંહ રાઠોડને વેચાણ આપેલ નથી. આ મકાનની માલીકી પણ તેમની નથી, પરંતુ આ શીવરાજસિંહ રાઠોડએ ફ્રોડ આચરી ૧૧ માસ માટે લીવ એન્ડ લાયસન્સીના કરારથી વાપરવા રાખવાના બહાને એડવાન્સ રકમ ચૂકવવા પેટે આવો ચેક આપી બાદ આવો ખોટો દાવો મિલ્કતને વિવાદમાં નાખવાના હેતુથી કરેલો છે. આ વાદી શીવરાજસિંહ રાઠોડની વર્તણૂંક પ્રત્યે ધ્યાન દોરતા અદાલતને જણાવવામાં આવેલ કે, આ શીવરાજસિંહ રાઠોડ ફોર્જરીના ગુના કરવાનો ટેવ વાળો છે તે બોગસ સાટાખતો બનાવી ગેરકાનૂની નાણા પડાવે છે અને તે સંબંધે તેની સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલ છે.

આ દાવો લાવનાર શીવરાજસિંહ રાઠોડે ઇરાદાપૂર્વક દાવામાં પોતાનું સરનામુ પણ લખેલુ નથી. કઈ તારીખે કેટલી રકમમાં કોની હાજરીમાં અને કઇ જગ્યાએ સોદો થયો તેવી કોઇપણ હકીકત દાવામાં લખેલી નથી આવી વ્યકિતઓ સામે પોલીસમાં ફરીયાદ થાય ત્યારે સીવીલ દાવો ચાલે છે તેવો ખોટો બચાવ ઉભો કરવા માટે થઇને હાલનો આ ખોટો દાવો કરેલ છે, આ દાવો દાખલ થયા બાદ વાદી કે તેના વકીલ કયારેય પણ અદાલતમાં હાજર રહેલા નહીં અદાલતે મનાઇ હુકમની અરજી પણ તા. ૯-૧૧-ર૦૧૭ના રોજ ચુકાદો આપી રદ કરેલી, મનાઇ હુકમની અરજી બાદ પણ કયારેય વાદી કે તેના વકીલ હાજર રહેલા નહીં જેથી અંતે અદાલતે આ દાવો તા. ૧૪-૯-ર૦૧૮ના રોજ તેમની ગેરહાજરી સબબ રદ કરેલ છે.

આ કામમાં પ્રતિવાદી યશવંતભાઇ ભટ્ટ વતી રાજકોટના એડવોકેટ શ્રી અર્જુન પટેલ, શ્રી મુકેશ ગોંડલીયા, શ્રી સત્યજીત ભટ્ટી, શ્રી જવલંત પરસાણા અને શ્રી જીગર નશીત તથા જસ્મીન ગોંડલીયા રોકાયેલા હતાં. (૮.૧૯)

(4:20 pm IST)