Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ઈર્ષાની આગમાં કોંગ્રેસના કોર્પોરેટર અતુલભાઈ રાજાણી ગાંધી મ્યુઝિયમની વિઝીટર્સ બુક ગુમ થયાની વાહિયાત વાત ફેલાવે છે

ડે.મેયર અશ્વિન મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણીનો વળતો પ્રહાર

રાજકોટ, તા.૩: મહાનગરપાલિકાએ કેન્દ્ર અને રાજય સરકારશ્રીની મદદથી રાજકોટ શહેરને વેશ્વિક સ્તરે ગૌરવ અને ઐતિહાસિક ઓળખ મળે તે પ્રકારનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ નિર્માણ કરેલ છે. જેનું બે દિવસ પહેલા જ માન.પ્રધાનમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું, ઉપરાંત સમગ્ર મ્યુઝિયમ ઝીણવટપૂર્વક નિહાળ્યું હતું. ત્યારબાદ તેમણે ગાંધી મ્યુઝિયમની વિઝીટર્સ બુકમાં પોતાના વિચારો લેખિત સ્વરૂપે વ્યકત કર્યા હતા. સ્વાભાવિક રીતે આ ડોકયુમેન્ટ ખુબ જ મૂલ્યવાન ગણાય. તેમ કોંગ્રેસના કોર્પોરેટર અતુલભાઈ રાજાણીએ આ વિઝીટર્સ બુક ગુમ થઇ ગયાનો આક્ષેપ કરતો પત્ર કમિશનરને પાઠવેલ હોવાનો અહેવાલ બાબતે શ્રી  રાજાણીને વળતો જવાબ આપતા ડે.મેયર  અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણીએ એમ કહ્યું હતું આ મ્યુઝિયમના લોકાર્પણથી આ અવસર ખુબ જ દીપી ઉઠ્યો છે અને વૈશ્વિક સ્તરે શહેરની નામના નીકળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકોની આ કામગીરીથી જયારે પેટમાં તેલ રેડાયું હોય તે રીતે શ્રી અતુલભાઈ રાજાણી ઈર્ષાની આગમાં સળગી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસે છે. તેમણે કરેલા આક્ષેપ વાહિયાત છે. પ્રધાનમંત્રીશ્રીએ જે વિઝીટર્સ બુકમાં પોતાના વિચારો રજુ કર્યા છે તે વિશે મીડિયામાં પણ અહેવાલો પ્રસિધ્ધ થયા છે. છતાં પણ પોતાની જાતને મહાન માનતા હોય તેમ આ બુક જોવાની વાહિયાત માંગણી કરી પોતાની છીછરી માનસિકતા રજુ કરી છે. આ વિઝીટર્સ બુક સમગ્ર રાજકોટ માટે ખુબ જ મૂલ્યવાન દસ્તાવેજ છે ત્યારે મહાનગરપાલિકાએ તેને સંભાળપૂર્વક સાચવેલ છે. આ બુક ગુમ થયાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આવું મહાત્મા ગાંધીના જીવન પર નિર્માણ થયેલ આ મ્યુઝીયમમાં ગાંધીજીના આદર્શ, સત્યના વિચારો અપનાવવાને બદલે અસત્ય રજુઆત કરીને શ્રી રાજાણીએ આવી રજુઆત કરીને આવા મહાન વિભૂતિની આમન્યા જાળવવાનો પણ લગીરે વિચાર કરેલ નથી જે ખુબ જ દુઃખદ ઘટના છે. ગાંધી મ્યુઝીયમ નિર્માણ જેવા સતકાર્યમાં સહકાર ન આપો તો કઈ નહી કમસેકમ આવી વાહિયાત વાતો કરીને હવનમાં હાડકા નાખવાની પ્રવૃત્ત્િ। બંધ કરવા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા શ્રી દલસુખભાઈ જાગાણીએ અંતમાં જણાવેલ છે.

(4:03 pm IST)