Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સ્વાઇન ફલૂએ ૧૦મો ભોગ લીધોઃ સુત્રાપાડા પંથકના મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત

શહેરમાં કુલ ૩૭ દર્દી સારવાર હેઠળઃ જેમાંથી ૪ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળઃ બે દર્દી સાજા થયા

રાજકોટ તા. ૩ : સ્વાઇન ફલૂએ ભરડો લેવાનું ચાલુ જ રાખ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે સુત્રાપાડા પંથકના ૩૫ વર્ષિય મહિલાએ દમ તોડી દેતાં કુલ મૃત્યુઆંક ૧૦ થયો છે. શહેરની સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં આજે ૩૭ દર્દી સારવાર હેઠળ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ચાર દર્દી દાખલ છે. ગઇકાલે ખાનગી હોસ્પિટલમાં બે દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં ગીર સુત્રાપાડા પંથકના ગામના ૩૫ વર્ષિય મહિલાને સ્વાઇન ફલૂની શંકાએ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતાં. ૨૭મીએ રિપોર્ટ પોઝિટીવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાનત આ મહિલાએ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. તે સાથે કુલ મૃત્યુઆંક ૧૦ થઇ ગયો છે. શહેરમાં આજે ખાનગી તથા સિવિલમાં મળી કુલ ૩૭ દર્દી દાખલ છે. જેમાં ચાર દર્દી સિવિલમાં છે. ગઇકાલે બે દર્દી ખાનગી હોસ્પિટલમાં સાજા થઇ જતાં રજા આપવામાં આવી હતી.

જે દર્દીઓ દાખલ છે તેમાં રાજકોટ, ગોંડલ, જેતપુર, કોટડા, ઉપલેટા, જામનગર, ધોરાજી, જસદણ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, જુનાગઢ, સુરેન્દ્રનગરના દર્દીઓ સામેલ છે. ગઇકાલે જેને રજા અપાઇ હતી તેમાં જેતપુર અને સુરેન્દ્રનગરના દર્દીનો સમાવેશ થાય છે. (૧૪.૫)

(11:50 am IST)