Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જીસકા માલ ઉસકા હમાલ : રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ટ્રકોના થપ્પા

ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓએ માલની ચડાઇ - ઉતરાઇ - વારાઇ - મુન્શીયાપણુ - ચા - પાણીના પૈસા મજૂરોને દેવાના બંધ કરી દિધા... : હાલ વેપારીઓ સંમત થતા ન હોય 'ખટારા' મોકલવાનું બંધ : યાર્ડમાં બટેટાના મજૂરોની વીજળીક હડતાલ : ચેમ્બર્સ અને યાર્ડને જાણ કરી દેતા હસુભાઇ ભગદે : મોરબી - થાન - વાંકાનેરમાં ૮ દિ'થી ટ્રાન્સપોર્ટરોની હડતાલ : માલનો ભરાવો : જો લાંબુ ચાલ્યું તો પ્રોડકશન બંધ કરી દેવાશે

રાજકોટના ટ્રાન્સપોર્ટ જગતે મજૂરોને તમામ પ્રકારની મજૂરી બંધ કરી દેતા અને વેપારીઓએ હાલ ખટારા મંગાવવાનું બંધ કરી દેતા રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ટ્રકોના થપ્પા લાગી ગયા છે, અને માલનો અનેક સ્થળે ભરાવો થયાનું નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩ : ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ૧લી ઓગસ્ટથી દેશભરમાં 'જીસકા માલ ઉસકા હમાલ'નો નિયમ લાગુ કરી ખટારામાં માલના લોડીંગ - અનલોડીંગની મજૂરી જે તે વેપારીઓ ઉપર નાંખી દેતા અને રાજકોટ - અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ આ નિયમ ૧લી ઓગસ્ટથી રાજકોટમાં પણ શરૂ કરી દેતા ભારે દેકારો બોલી ગયો છે અને રૂડા ટ્રાન્સપોર્ટનગર - વિજય પ્લોટ સહિતના ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ખટારાના થપ્પા લાગી ગયા છે, કારણ કે વેપારીઓ હાલ ટ્રક મંગાવતા નથી, માલ મોકલતા નથી પરીણામે ટ્રાન્સપોર્ટરોએ પોતાના ટ્રક મોકલવાનું જ બંધ કરી દીધું છે.

ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓએ માલની લડાઇ, ઉતરાઇ, વારાઇ, મુન્શીયાપણુ, ચા-પાણી સહિતના ખર્ચા મજૂરોને બંધ કરી દીધા છે.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના શ્રી હસુભાઇ ભગદેએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, અમારી હડતાલ નથી પરંતુ અમે વેપારીઓને ત્યાં ટ્રક મોકલવાના બંધ કરી દીધા છે, કારણ કે મજૂરોને વેપારીઓ તો પૈસા આપતા જ હતા પરંતુ અમે પણ ૫૦ થી ૧૦૦ રૂ. આપતા હતા, આ વર્ષો જુનું દૂષણ બંધ કરાયું છે, જેથી અવેધ ખર્ચામાંથી મુકિત અપાવી શકાય.

શ્રી હસુભાઇએ જણાવેલ કે, વેપારીઓ ભલે કહે અમે આ બાબતે જાણતા નથી, ચેમ્બરે જાણ નથી કરી, પરંતુ અમે ચેમ્બરના પ્રમુખ શ્રી વી.પી.વૈષ્ણવ, યાર્ડના અધિકારી શ્રી મકવાણાને મજૂરી નહિ અપાય તે જાણ કરી દિધી છે. અમે તે લોકો દ્વારા વેપારીઓને મેઇલ પણ કરાયા છે, યાર્ડમાં બટેટાની ગુણી દીઠ મજૂરોને ૮ રૂપિયા ૪૦ પૈસા મળે છે, અમે મજૂરી બંધ કરતા આજે બપોરે બટેટાના મજૂરોએ યાર્ડમાં વિજળીક હડતાલ પાડતા દેકારો મચી ગયો હતો, બટેટાનું આવન-જાવન અટકી ગયું છે.

દરમિયાન આ મજૂરી નહિ દેવાના સમર્થનમાં મોરબી - થાન - વાંકાનેરમાં તો ૮ દિ'થી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે, કરોડો રૂપિયાના માલનો ભરાવો થયો છે, પરિણામે કારખાનેદારોએ જણાવેલ કે, જો હડતાલ ૧ થી ૨ દિ'માં સમાપ્ત નહિ થાય તો અમારે ન છૂટકે પ્રોડકશન બંધ કરવું પડશે.

(3:00 pm IST)