Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

વિજયભાઈના જન્મદિને બાલાજી મંદિરે મારૂતિ યજ્ઞ

ગુજરાત કોરોના મહામારીમાંથી મુકત થાય અને રાજયમાં વધુ વિકાસ અને પ્રજા કલ્યાણના કાર્યો થાય તે માટે પ્રાર્થનાઃ અભયભાઈ, ધનસુખભાઈ, રાજુભાઈ સહિતના આગેવાનોની હાજરી

રાજકોટ તા.૨: રાજકોટના પનોતા પુત્ર લોકલાડીલા ધારાસભ્ય અને રાજયના પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના  જન્મદિન પ્રસંગે અત્રે ભુપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર હસ્તકના કરણસિંહજી હાઈસ્કૂલ સ્થિત શ્રી બાલાજી હનુમાન મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શાસ્ત્રી યજ્ઞાચાર્ય શ્રી વિવેકસ્વામી દ્વારા જિલ્લા ભાજપ અગ્રણી શ્રી ચેતનભાઈ રામાણીના યજમાન પદે મારુતિ યજ્ઞનું અનેરૃં આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની નિશ્રામાં આ યજ્ઞ યોજાયો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિત્તે યોજવામાં આવેલ આ મારુતિ યજ્ઞ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય તેમજ તેમના યશસ્વી નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના અને પ્રજા કલ્યાણના કામો તેઓ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવા માટે તેમજ તેમના દુરંદેશી ભર્યા નેતૃત્વમાં કોરોનાં મહામારી ના સંક્રમણમાંથી રાજયની પ્રજા મુકત થાય તેવી પ્રાર્થના કરવા માટે કરવામાં આવ્યો હતો. આ મારૂતિ યજ્ઞના યજ્ઞાચાય સંત શ્રી વિવેકસ્વામી અને ઉપસ્થિત સંતો દ્વારા આપણો દેશ અને સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણમાંથી મુકત થાય તેવી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટને એમ્સ હોસ્પિટલ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી અનેકવિધ ભેટ આપેલ છે.તેમની ભેટ સમાન નવુ બસ પોર્ટ કાર્યરત પણ થઇ ગયેલ છે. શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સર્વાંગી વિકાસની સીડી ચડીને શિખરે પહોંચે તેવી સંતોએ શુભેચ્છા પાઠવી હતી.

આ મારૂતિ યજ્ઞ પ્રસંગે રાજયસભાના સાંસદશ્રી અભયભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા તથા યજ્ઞના યજમાન અને જિલ્લા ભાજપ અગ્રણી શ્રી ચેતનભાઈ રામાણી, શ્રી કિશોરભાઈ પાંભર અને ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષ રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ મારૂતિ યજ્ઞમાં સંતોમાં સ્વામીશ્રી રાધારમણ દાસજી, સ્વામી વિવેકસાગર દાસજી, સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી, શ્રીભકિત પ્રકાશદાસજી, શ્રીમુનિ વત્સલ દાસજી, શ્રીભકત વત્સલ દાસજી, શ્રીનારાયણ ચરણદાસજી અને અન્ય સંતોની નિશ્રામાં આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના જન્મદિન પ્રસંગે રાજયના છ જેટલા સ્વામિનારાયણ મંદિરોમાં યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયેલ હતું.(

(3:52 pm IST)