Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કોરોના યુગમાં તંત્રની આવકનો નવો સ્ત્રોત 'માસ્ક': ૩ાા મહીનામાં મ્યુ. કોર્પોરેશનને ૪ર લાખની આવક

એપ્રીલથી મ.ન.પા.એ રૂ. ૧૦૦૦ લેખે માસ્ક નહી પહેરનારાને દંડ ફટકારવાનું શરૂ કરેલઃ સરકારે રૂ. ર૦૦ લેવાનું કહ્યા બાદ તે મુજબ દંડની વસુલાત અને હવે રૂ. પ૦૦ લેવાય છે

રાજકોટ તા. ૩ :.. કોરોનાનાં સંક્રમણથી બચવામાં 'માસ્ક'નો ૬૦ થી ૮૦ ટકા ફાળો હોય છે. તેવુ તબીબી જગતે જાહેર કર્યા બાદ સરકારે જાહેરમાં ફરનાર તમામ વ્યકિતઓ માટે 'માસ્ક' પહેરવાનું ફરજીયાત કરી દીધુ છે અને માસ્ક નહી પહેરનારને દંડ પણ ફટકારવાનું શરૂ કરી દીધુ છે. જેનાં કારણે તંત્રનો આવકનો એક નવો સ્ત્રોત ઉભો થઇ ગયો છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશન આ પ્રકારે છેલ્લા ૩ાા મહિનામાં ૪ર લાખની આવક કર્યાનું નોંધાયુ છે.

મ.ન.પા.નાં ચોપડે સત્તાવાર નોંધ મુજબ રાજકોટમાં માર્ચ મહીનામાં સૌ પ્રથમ કોરોનાં કેસ નોંધાયેલ પછી માત્ર એકજ જંગલેશ્વર વિસ્તારમાં સંક્રમણ વધવા લાગ્યુ અને ૧૪ એપ્રીલ આસપાસ રાજકોટ મ્યુ.કમિશનર શ્રીએ ખાસ જાહેરનામુ બહાર પાડી અને જાહેર માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવ્યુ અને માસ્ક પહેર્યા વગર જાહેરમાં નિકળનાર પાસેથી રૂ. ૧૦૦૦ નો દંડ વસુલવાનું ફરમાન  જાહેર કર્યુ.  અને તંત્રને લોકડાઉનમાં પણ માસ્કનાં દંડની રોજની પ૦ હજારથી વધુની આવક થવા લાગી.

ત્યારબાદ સરકારે અનલોક-૧ જાહેર કર્યુ અને તેની સાથે જ સમગ્ર રાજયમાં માસ્ક નહી પહેરનાર પાસે એક સરખો રૂ. ર૦૦ નો દંડ વસુલવા જાહેર કર્યુ અને જૂલાસ સુધી રૂ. ર૦૦ લેખે માસ્કનો દંડ વસુલવાનું શરૂ થયુ અને હવે ૧ લી ઓગસ્ટથી રાજય સરકારે માસ્કનો દંડ વધારીને રૂ. પ૦૦ કરી નાખ્યો એટલે તે મુજબ દંડ વસુલવામાં આવતાં હવે રોજની ૬પ થી ૭૦ હજારની દંડ આવક થવા લાગી છે.

મ.ન.પા.ના ચોપડે જૂલાઇ સુધીમાં ૧૦ હજારથી વધુ નાગરીકો પાસે કુલ ૪ર લાખ જેટલો 'માસ્ક' નહી પહેરવાનો દંડ વસુલાયો છે.

હાલમાં મ.ન.પા.નો તમામ સ્ટાફ મ્યુ. કમિશનરથી લઇ કોમ્પ્યુટર ઓપરેટર  સુધીના કર્મચારીઓ રાઉન્ડ-ધી-કલોક માસ્કનું ચેકીંગ કરી દંડ વસુલી રહ્યા છે. ત્યારે આ વર્ષે આ માસ્કનાં દંડની નવી આવકનો આંકડો કરોડોએ પહોંચે તો નવાઇ નહીં. (પ-૧૬)

ટાર્ગેટ પુરો કરવા 'માસ્ક' પહેરેલાઓને  પણ દંડઃ નાક કેમ દેખાય છે?

રાજકોટ : માસ્કનાં દંડની વસુલાત માટે અધિકારીઓ - કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવે છે. જેનાં કારણે કેટલાક એવા નિર્દોષ લોકો  દંડાય છે. જેને 'માસ્ક' પહેર્યુ હોવા છતાં દંડ ભરવો પડે છે. અને આવા કિસ્સામાં એવુ કહેવાય છે કે 'તમે માસ્ક નાક દેખાય તે રીતે પહેર્યુ ?' આવા કિસ્સામાં રોજ-બરોજ માથાકુટનાં દ્રશ્યો સર્જાય છે. ત્યારે 'માસ્ક'નાં દંડ અંગે ખાસ માર્ગદર્શીકા બહાર પાડીને તેનાં માપદંડ જાહેર કરવા પણ લોક માંગ ઉઠી છે.

(3:19 pm IST)