Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

બીચ પર સામાજીક અંતરની સ્થિતી શું છે તે જાણ કરતી એપ બનાવાઇ

યુ.કે. સરકાર દ્વારા અનાવરણ : ગુજરાતી કંપની એકસપર્ટનેસ્ટે તૈયાર કરી : ચિંતન પનારા, અરણ કર, પ્રદીપ બુટાણીની મહેનત સફળ

રાજકોટ તા. ૩ : બોર્નેમાઉથ, ક્રિસ્ટચર્ચ અને પૂલ ટૂરિઝમ (યુનાઇટેડ કિંગડમ) દ્વારા એક નવી એપ્લિકેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે જે મુલાકાતીઓને તેના કયા દરિયાકાંઠામાં સૌથી ઓછી ભીડ છે તે તપાસવા અને સલામત રહેવાની સલાહ આપે છે. આ એપ્લિકેશનને ગુજરાતી કંપની એકસપર્ટનેસ્ટ દ્વારા બનાવવામાં આવી છે.

એકસપર્ટનેસ્ટ યુકે, યુરોપ અને ભારત આધારિત મલ્ટિનેશનલ ડિજિટલ ઇનોવેશન કંપની છે, જેની સ્થાપના ભારતીય મૂળના ઉદ્યોગ સાહસિક ચિંતન પનારા, અરુણ કર (ભૂતપૂર્વ - ભારતીય સેના) અને પ્રદીપ બુટાણી દ્વારા કરવામાં આવી છે. એકસપર્ટનેસ્ટ ફોર્બ્સ બિઝનેસ કાઉન્સિલના સતાવાર સભ્ય છે. આ એપ્લિકેશના કારણે ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાત તથા ભારતના ગૌરવમાં વધારો થયો છે.

જૂન-૨૦૨૦ માં તાપમાન વધી જતાં બે લાખથી વધારે લોકો બોર્નેમાઉથના દરિયાકિનારા પર ઉતરી આવ્યા પછી તેને રાષ્ટ્રીય કક્ષાની મોટી દુર્ઘટના જાહેર કરવામાં આવી હતી. આ સામાજિક અંતરની એપ્લિકેશન તેના જવાબમાં છે. જેથી ભવિષ્યમાં આવા અસ્તવ્યસ્ત તથા જોખમી દ્રશ્યો ટાળી શકાય.

'બીસીપી બીચ ચેક' એપ્લિકેશનમાં મુલાકાતીઓ અને રહેવાસીઓને વ્યસ્ત હોટ સ્પોટ્સને ટાળવા માટે નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને લાઇવ ટ્રાફિક લાઇટ જેવી સિસ્ટમ બનાવામાં આવી છે. ઉપયોગમાં સરળ એપ્લિકેશન ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર પરથી હવે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

ટુંકમાં કોરોના કાળમાં સામાજીક અંતર જાળવવાની સમસ્યાના ઉકેલમાં આ એપ ઉપયોગી બની શકે છે.

ફીડબેક સિસ્ટમ મુલાકાતીઓને અતિરિકત ઇનપુટ પ્રદાન કરવાની મંજૂરી આપે છે. દરેક બીચનો વિસ્તાર કેટલો વ્યસ્ત છે તે બતાવવા ઉપરાંત, એપ્લિકેશન બીચ લાઇફ ગાર્ડની સ્થિતિ, શૌચાલયો ખુલ્લા છે કે કેમ અને સહેલગાહમાં સાયકલ ચલાવવા અને તમારા કૂતરાને કસરત કરવા માટેના બાયલોઝ વિષેની માહિતિ પ્રદાન કરે છે.

કાઉન્સિલના નેતા વિક્કી સ્લેડે જણાવ્યું હતું કે આ એપને કારણે દરિયાકાંઠાના ૧૫ માઇલની સાથે, લોકો અને પ્રવાસીઓ ને ફરવા માટે પુરતી જગ્યા મળી શકે છે. આ એપ સામાજિક અંતર જાળવવા અને રોગચાળાના ન્યુનતમ પ્રસારને સુનિશ્યિત કરવા માટે ઘણી મહત્વની સાબિત થશે.

કંપની ફાઉન્ડર ચિંતન પનારાએ જણાવ્યું હતું કે ટેકનોલોજી કરતા વધારે મહત્વનું એ છે કે અમે લોકોના જીવન પર પોઝીટીવ ઈમ્પેકટ કેવી રીતે લાવી શકીએ. તથા ફાઉન્ડર અરૂણ કરએ જણાવ્યું હતું કે ઇનોવેશન ટેકનોલોજી નથી - ઇનોવેશન એ યુટિલિટી છે.

કંપનીની આ સિધ્ધિ બદલ દેશ વિદેશ ના ગુજરાતી અગ્રણીઓ અભિનંદન પાઠવી રહ્યા છે.

(2:57 pm IST)