Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રાજકોટના ૯૦ વર્ષના જેઠાભાઇએ કોરોનાને હરાવ્યોઃ સંપૂર્ણ સ્વસ્થ

ગોકુલ સંચાલિત ઉદય કોવિડ હોસ્પિટલની સારવાર કારગત

રાજકોટ તા. ૩: સમગ્ર વિશ્વ અને ભારત દેશ અત્યારે કોરોનાથી હેરાન પરેશાન છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોના કેસ વધતા જાય છે. કોરોના કોઇપણ ઉંમરની વ્યકિતને થઇ શકે છે. રાજકોટમાં ઉદય કોવિડ હોસ્પિટલ (ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત) માં ૯૦ વર્ષની ઉંમરની એક વ્યકિતએ કોરોનાને હરાવીને સાબીત કર્યું છે કે કોરોનાને હરાવવામાં ઉંમર બાધ બાધારૂપ નથી. રાજકોટમાં સૌથી વધારે વયની વ્યકિતએ કોરોનાને માત આપી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

રાજકોટ સ્થિત જેઠાભાઇ (ઉંમર નેવું વર્ષ છે) તેમને ૧૬મી જુલાઇએ કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. નેવું વરસની ઉંમરે કોરોના જાહેર થતા કુટુંબમાં ચિંતાની લાગણી પ્રવર્તી હતી કે જેઠાભાઇ પરત ઘરે આવશે કે કેમ? તેમને તાત્કાલિક રાષ્ટ્રીય શાળા મેઇન રોડ ઉપર આવેલ ઉદય કોવિડ હોસ્પિટલ (ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત) માં ૧૬ જુલાઇના રોજ દાખલ કર્યા. જયારે જેઠાભાઇ દાખલ થયા ત્યારે તેમની પરિસ્થિતિ ગંભીર હતી અને તેમને ફેફસામાં ઇન્ફેકશન હતું. જેને કોરોનાની સીવીયર કેટેગરીમાં ગણવામાં આવે છે. શરૂઆતમાં તેમને બાઇપેપ ઉપર રાખવામાં આવ્યા અને ત્યારબાદ હાઇફલો ઓકિસજન ઉપર તેર દિવસ આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા.

ધીમેધીમે તેમની તબિયત સુધારા ઉપર આવતા ૩૦મી તારીખે તેમને રૂમમાં શિફટ કરવામાં આવ્યા હતા. ૧લી ઓગસ્ટના શ્રી જેઠાભાઇને ખૂબ જ સારી તબિયત સાથે ઉદય કોવીડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. ઉદય કોવીડ હોસ્પિટલના તેમના રોકાણ દરમિયાન તમામ ડોકટરો, નર્સિંગ સ્ટાફ, હાઉસકીપિંગ સ્ટાફ તમામે તેમનું એક કુટુંબના વડીલની જેમ ધ્યાન રાખેલ હોવાની લાગણી જેઠાભાઇ અને તેમના પરિવારજનોએ વ્યકત કરી છે.

(2:51 pm IST)