Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

એસઓજીએ ૫૭ કિલો ગાંજો પકડ્યોઃ કનેકશન સુરત, દૂધની ડેરી અને જંગલેશ્વર તરફ ખુલ્યું

પહેલા રેસકોર્ષમાં ચકરડીનો ધંધો કરતો, લોકડાઉનમાં બેકાર થતાં 'માલદાર' થવા ગાંજાના ફેરા ચાલુ કર્યાઃ રાણી ટાવર પાછળ કવાર્ટરમાં રહેતો તોૈસિફ સમા સુરતના સરફરાઝ પાસેથી જથ્થો લાવ્યાનું રટણઃ તાલુકા પોલીસે કબ્જો સંભાળ્યોઃ કોરોના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી છે. એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ જાડેજા અને પ્રદિપસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૩છે. શહેર એસઓજીએ વધુ એક વખત ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે. કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળ આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૪/૧૧૮૧માં ચોથા માળે રહેતો તોૈસિફ અહેમદભાઇ સમા (ઉ.વ.૩૧) નામનો શખ્સ સફેદ રંગની સ્વીફટ કાર જીજે૦૩કેએચ-૦૮૪૭માં ગાંજાનો જથ્થો લઇને મોકાજી સર્કલથી કાલાવડ રોડ તરફ પ્રદ્યુમન ગ્રીન સીટી સામે ચાર રસ્તા પરથી નીકળવાનો છે તેવી ચોક્કસ બાતમી એસઓજીના કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલને મળતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પીઆઇ આર.વાય. રાવલની રાહબરી તથા સુચના મુજબ પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, વિજેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, પેરોલ ફરલોના અઝહરૂદ્દીન બુખારી, કૃષ્ણદેવસિંહ, પ્રદિપસિંહ, અજયભાઇ શુકલા, મહિલા કોન્સ. સોનાબેન મુળીયા સહિતે વોચ રાખી બાતમી મુજબની કાર પકડી લેતાં કારની પાછળની સીટમાંથી મોટો કોથળો મળ્યો હતો. એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવાતાં તે ગાંજો હોવાનું ખુલતાં રૂ. ૩,૪૩,૨૦૦નો ૫૭.૨૦૦ કિ.ગ્રા. ગાંજો કબ્જે કરી એનડીપીએસ એકટ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. આગળની તપાસ તાલુકા પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, હર્ષદસિંહ ચુડાસમા તથા ડી. સ્ટાફની ટીમે હાથ ધરી છે.

ઝડપાયેલા તોૈસિફે પ્રાથમિક તબક્કે એવું રટણ કર્યુ હતું કે પોતે અગાઉ રેસકોર્ષમાં ચકરડી અને જમ્પીંગ રાઇડ્સ રાખી ધંધો કરતો હતો. લોકડાઉનમાં આ ધંધો ઠપ્પ થતાં ગાંજાના ફેરા ચાલુ કર્યા હતાં. સુરતના સરફરાજ પાસેથી ગાંજો લાવ્યાનું અને અગાઉ પણ ફેરો કરી આવ્યાનું તે રટણ કરે છે. આ વખતે આ ગાંજો દૂધની ડેરી વિસ્તારમાં તથા જંગલેશ્વર વિસ્તારમાં સપ્લાય કરવાનો હોવાનું પણ તેણે રટણ કર્યુ છે. જો કે તે કેટલુ સાચુ બોલે છે? તે સહિતના મુદ્દાની તપાસ તેનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ થશે. તસ્વીરમાં પીઆઇ રાવલ, પીએસઆઇ અંસારી, જેને બાતમી મળી તે ત્રણેય કર્મચારીઓ અને ટીમના બીજા સભ્યો જોઇ શકાય છે.

(12:53 pm IST)