Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રાજકોટ સહિત ચાર શહેરોની સીટીબસ સેવા 'વેન્ટિલેટર' ઉપર

કોરોના કાળમાં લોકોએ બસ સેવાનો નહિવત ઉપયોગ કરતા આવકમાં જબરૂ ગાબડુ : લોકો હવે પર્સનલ ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યા : કાર - સાયકલ - ટુ વ્હીલરના વેચાણમાં વધારો

નવી દિલ્હી તા. ૩ : કોઈ પણ શહેર માટે તેની પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ તેના માટે લાઈફલાઈન હોય છે. તે પછી સિટી બસ હોય, BRT બસ હોય કે પછી ઓટો અને ટેકસી. કોવિડ-૧૯ની અનિશ્ચિતતા અને ભીડમાં મુસાફરી કરવાથી ચેપ લાગી જશે તેવા ડરથી ગુજરાતના મુખ્ય ચાર શહેરોના ૮૯ ટકા પેસેન્જરો પબ્લિક બસોથી મુસાફરી કરવાનું ટાળતા જબરદસ્ત ફટકો પડ્યો છે.

૨૩ માર્ચે લોકડાઉન લાગુ કરાયુ તે પહેલા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની બસોમાં દૈનિક સરરેરાશ ૧૧.૫૨ લાખ લોકો મુસાફરી કરતા હતા અને તેની સરખામણીમાં કોરોના સમયમાં સરેરાશ ૧.૩૧ લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

ગુજરાતના મુખ્ય બે શહેરો ગણાતા અમદાવાદની સિટી બસે ૯૦ ટકા અને સુરતે ૯૪ ટકા પેસેન્જરો ગુમાવ્યા છે. જયારે રાજકોટ અને વડોદરાની વાત કરીએ તો ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનો ઉપયોગ કરતાં લોકોની સંખ્યા અનુક્રમે ૭૬ અને ૭૩ ટકા ઓછી થઈ છે.

ગુજરાતમાં કોરોના મહામારીની વચ્ચે ગુજરાતની મહાનગરપાલિકાઓ તેમના પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું ફરીથી નવીનીકરણ કરી રહી છે. અમદાવાદ પાસે એસીવાળી બીઆરટી બસો ૨૧૭ છે. આ સિવાય મેટ્રો રેલવે સિસ્ટમ પણ એર-કંડિશનવાળી છે.

નિષ્ણાતો હવે સારા વેન્ટિલેશન માટે એર-કંડિશનિંગ સિસ્ટમ પર ફરીથી કામ કરી રહ્યા છે. 'એર-કંડિશનિગ સિસ્ટમથી ઈન્ફેકશન ફેલાવાનો ખતરો વધી જાય છે તે વાતને નકારી શકાય નહીં', તેમ AMCના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું. 'સીટીંગની વ્યવસ્થાને પણ ફરીથી ડિઝાઈન કરવામાં આવશે'.

સુરત, રાજકોટ અને વડોદરાએ ઓપરેશનલ ખર્ચમાં ભારે ઘટાડો થયો હોવાનો સંકેત બસ ઓપરેટરોને મોકલ્યો છે. આ શહેરો પર્સનલ ટ્રાન્સપોર્ટમાં વૃદ્ઘિની અપેક્ષાને ધ્યાનમાં રાખીને ફૂટપાથ સિસ્ટમને સુધારવા અને વધુ સારી પાર્કિંગ સુવિધા સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા છે.

રસપ્રદ ટ્રેન્ડ એ જોવા મળી રહ્યો છે કે, પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં અનુક્રમે ૭૦ ટકા અને ૭૫ ટકાનો વધારો થયો છે. આ જ સમયે દરેક પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ૭૩ ટકાથી ૯૨ ટકા સુધીનો ધરખમ ઘટાડો થયો છે.

ઘણા નાગરિકોએ પર્સનલ ટ્રાન્સપોર્ટને પસંદ કર્યું છે. જયારે વિદ્યાર્થીઓ, વૃદ્ઘો અને મહિલાઓએ ઘરે રહેવાનું પસંદ કર્યું છે. કોરોના મહામારીના કારણે સિટી અને ઈન્ટરસિટી બસ બિઝનેસ દર મહિને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે, જેના કારણે ઓપરેટર્સ માટે સ્ટાફનો ખર્ચો કાઢવાનું પણ મુશ્કેલ બન્યું છે.

ગુજરાતના ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ અસોસિએશનના રિજનલ ડિરેકટર પ્રણવ શાહે કહ્યું કે, 'લોકો તરફથી વાહનોની ૮૫ ટકાથી વધુ પૂછપરછ આવી રહી છે, જેઓ પહેલા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતાં હતા', શાહે વધુમાં ઉમેર્યું કે, 'મહામારીના કારણે ટુ-વ્હીલરની માગમાં વધારો થયો છે. જો કે, ટુ-વ્હીલર ખરીદનારા મોટાભાગના લોકો તેવા છે જેમની આવકને લોકડાઉનના કારણે ફટકો પડ્યો છે'. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ઉમેરે છે.

અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કાર, સાયકલ અને ટુ-વ્હીલરના વેચાણમાં વધારો થયો છે. રાજકોટમાં કાર ડીલરશિપના સીઈઓ હરિશ ચંદ્રાએ જણાવ્યું કે, 'જુલાઇ મહિનામાં અમે મધ્ય અને લકઝરી સેગમેન્ટમાં પ્રી-કોવિડનું લેવલ પ્રાપ્ત કર્યું છે. જયારે એન્ટ્રી લેવલના કારના વેચાણમાં ૫ ટકાનો વધારો થયો છે. રાજકોટમાં ટુ-વ્હીલર ડીલર શ્યામ રાયચુરાએ કહ્યું કે, 'જુલાઇ ટુ-વ્હીલરની માગ જાન્યુઆરી અને ફેબ્રુઆરી કરતાં ૨૫ ટકા વધી હતી'.

વડોદરામાં ટુ-વ્હીલર શો-રૂમ ધરાવતા તપન પરિખે કહ્યું કે, 'અમે છેલ્લા ત્રણ મહિનામાં ૨૦૦થી વધુ વાહનો વેચ્યા છે. જેમાંથી અડધા ગ્રાહકોએ લોન પર ખરીદી કરી છે'.

સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, સાઈકલનું વેચાણ પણ વધ્યું છે. વડોદરામાં સાઈકલની દુકાન ધરાવતા કુંતલ પરિખે કહ્યું કે, 'માંગમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે'. MyBykના ફાઉન્ડર અરિજીત સોનીએ કહ્યું કે, અમદાવાદમાં સાઈકલ શેરિંગ મોડેલમાં જુલાઈ મહિના દરમિયાન ભાડામાં ૨ હજારથી લઈને ૮ હજાર સુધીનો વધારો જોવા મળ્યો છે'.

શહેરોની એકંદર મોબિલિટી ઓછી થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટ એકસપર્ટોએ જણાવ્યું હતું કે, અમદાવાદની મોબિલિટીમાં ૬૦ ટકા અને સુરતમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.

અમદાવાદની ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એકશન કમિટીના સભ્ય અશોક પંજાબીએ કહ્યું કે, 'એક ઓટોમાં બે જ વ્યકિત મુસાફરી કરી શકે તેવા નિયમથી શહેરમાં ઓટો-રિક્ષા કલ્ચરને ઘણુ નુકસાન થયું છે. અમારી રોજની સરેરાશ આવક પહેલા ૬૦૦થી ૭૦૦ રૂપિયા હતી જે હવે ઘટીને ૨૦૦ થઈ ગઈ છે'.

AMTSના ચેરમેન અતુલ ભાવસારે કહ્યું કે, 'બસ દીઠ મુસાફરોની સંખ્યા ૧૮ સુધી મર્યાદિત કરવામાં આવી છે. અમે સામાન્ય રીતે ઓપરેટર્સને પ્રતિ કિમીના ૪૦ રૂપિયા ચૂકવીએ છીએ પરંતુ હવે આ રકમનો ૩૦ ટકા ભાગ માત્ર નિષ્ક્રિય બસો માટે આપીએ છીએ.'

(11:47 am IST)