Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

હવે કોરોના દર્દીના ઘરે જ કોવિડ હોસ્પિટલ : આયુષ્યમાન રથ યોજના

કેન્દ્ર સરકારનો આરોગ્ય લક્ષી મહત્વાકાંક્ષી પ્રોજેકટ : ગુજરાતમાં માત્ર અમદાવાદ અને સુરતમાં જ 'આયુષ્યમાન રથ'ની સુવિધા : ખાસ એપ્લીકેશન રજીસ્ટ્રેશન કરતા જ દર્દી સુધી મોબાઇલ હોસ્પિટલ પહોંચી જશે : દેશના ર૦ શહેરોમાં ર૦ હજાર મેડીકલવાનનો પાયલોટ પ્રોજેકટ હાથ ધરાશે

રાજકોટ, તા. ૩ : હવે કોરોના બેફામ બન્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હોસ્પિટલ જ દર્દીના ઘરે આવે તે માટે 'આયુષ્યમાન રથ' નો પ્રોજેકટ હાથ ધર્યો છે. આ પ્રોજેકટ અમદાવાદ, સુરત સહિતના ર૦ શહેરોમાં શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત મારૂતિ મુજબ ગુજરાત રાજયમાં કોરોનાને ધ્યાને લઇને ધન્વંતરી રથ અને સંજીવની રથ શરૂ કરાયા છે. આ રથ કન્ટેઇનમેન્ટ ઝોનમાં જઇને લોકોની તપાસ કરે છે. આ જ મોડેલ પર કેન્દ્ર સરકારે 'આયુષ્યમાન રથ' નો પ્રોજેકટ હાથ ધર્યો છે. જેમાં આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધા વાનમાં મળશે અને કોરોના સિવાયના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાશે. વાનમાં ૧ તબીબ, ૧ ફાર્માસિસ્ટ તેમજ ર આરોગ્ય કર્મચારી હશે. આ રથમાં તબીબ કોરોના સિવાયના રોગોમાં પ્રાથમિક તપાસ કરશે અને સારવાર પણ આપશે. ફાર્માસિસ્ટ જેની દવાઓ આપશે. સરકારી આરોગ્ય કેન્દ્ર હોય તેવી શકય તેટલી સુવિધાઓ મળશે. એક વખત રજીસ્ટ્રેશન કરાવતા જ વાન દર્દી પાસે જવા નીકળશે અને તે કયાંથી આવે છે તેનું લાઇવ લોકેશન પણ દર્દી જાણી શકશે.

દર્દી સુધી પહોંચશે

આશા વર્કર કે સંસ્થા દર્દીઓને શોધીને મોબાઇલમાં રજીસ્ટ્રેશન કરાવશે. મોબાઇલ વાન કર્યાથી આવે છે તે આયુષ્યમાન રથની એપ્લીકેશનમાં જોવા મળશે. દર્દી સુધી પહોંચતા જ દર્દીને ઓટીપી આપશે જેથી દર્દીનુ વેરિફિકેશન થશે. દર્દીને ચકાસી, સારવાર કરી જન ઔષધિઓની દવાઓ અપાશે.

ર૦ શહેરોમાં  શરૂ થશે પ્રોજેકટ

આ આયુષ્યમાન રથનો પાયલોટ પ્રોજેકટ આલ અમદાવાદ, દિલ્હી, જયપુર, ભોપાલ, ઇન્દોર, સુરત, મુંબઇ, પુણે, નાગપુર, બેંગલુરૂ, કોમિકોડે, અર્નાફુલમ  ચેન્નાઇ , હૈદ્રાબાદ, કોલકત્તા, કાનપુર, પટના તથા લખનૌ સહીતના ર૦ શહેરોમાં શરૂ થશે.

(11:45 am IST)