Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ખાટી છાસની ગંધ અને ગાળો હત્યાનું કારણઃ 'આજે તો પતાવી જ દેવા છે' કાવત્રું ઘડી આરીફ ચાવડાને બે જણએ પકડ્યો અને બે જણાએ છરીના ઘા ઝીંકયા

દૂધ સાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રવિવારે રાતે લઘુમતિ આગેવાનની હત્યાથી ટોળેટોળાઃ થોડીવાર તંગદિલી સર્જાઇઃ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા : નાના ભાઇ મુસ્તાકની નજર સામે જ હત્યાઃ આરીફને પડોશી અબ્દુલ તથા ઇકબાલ ખેબરે પકડી રાખ્યો અને આ બંનેના પુત્રો વસીમ ઉર્ફ ચકો તથા રમીઝ ઉર્ફ બાબોએ છરીના ઘા ઝીંકી દીધાઃ ઝનૂનથી ઢસડી ઢીકાપાટા પણ માર્યાઃ વળતા હુમલામાં આરોપી વસીમ ઉર્ફ ચકો અને તેના પિતા અબ્દુલ ખેબરને પણ ઇજાઃ ત્રણ આરોપી હાથવેંતમાં: એક પોલીસ પહેરા હેઠળ સારવારમાં: તેણે પણ હત્યાનો ભોગ બનનાર આરીફ સહિત પાંચ વિરૂધ્ધ હુમલાની ફરિયાદ કરીઃ આરીફ અને તેનો ભાઇ મુસ્તાક એક વખત ગાળો નહિ બોલવાનું કહી સમજાવી ઘરમાં જતાં રહ્યાઃ છતાં ગાળો ચાલુ રહેતાં બીજીવાર બહાર આવ્યા ને ઘા થઇ ગયો

લઘુમતિ આગેવાન આરીફ ગુલામહુશેનભાઇ ચાવડાનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને નીચેની તસ્વીરમાં તેના સ્વજનો શોકમય જણાય છે. ઉપરની વચ્ચેની તસ્વીરમાં આસ્તાના સ્કૂલના ટ્રસ્ટી તરીકે એક વિદ્યાર્થીનું સન્માન કરતાં આરીફ ચાવડા જોઇ શકાય છે. પોસ્ટ મોર્ટમ રૂમ અને આરીફના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લઘુમતિ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં મિત્રો ઉમટી પડ્યા હતાં.

વસીમ ઉર્ફ ચકાએ ફરિયાદમાં કહ્યું-બે વર્ષથી છાસની દૂકાન બાબતે વાંધો ચાલતો હતોઃ અમારું મકાન એ લોકોને પડાવી લેવું હોઇ ટોળકી રચી અમારા પર હુમલો કર્યો

રાજકોટ તા. ૩: દૂધ સાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં ખાટી છાસની દૂર્ગંધ અને તેના કારણે થતી ગંદકીને લીધે સોસાયટીના રહેવાસીઓ સાથે મળી વાંધો ઉઠાવતાં લઘુમતિ આગેવાન આરીફ ગુલામહુશેન ચાવડા (ઉ.વ.૩૮) નામના ઘાંચી યુવાનની તેના જ પડોશમાં રહેતાં છાસનો ધંધો કરતાં વસીમ ઉર્ફ ચકો ખેબર, ડેરીમાં નોકરી કરતાં વસીમના પિતા, પિત્રાઇભાઇ, મોટાબાપુ મળી ચાર જણાએ પડખા-વાંસામાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. બઘડાટીમાં હત્યા કરનાર પક્ષના પિતા-પુત્ર પણ ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેણે પણ હત્યાનો ભોગ બનનાર આરીફ તથા તના ભાઇઓ સહિત પાંચ વિરૂધ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. ગાળો બોલવાની ના પાડી આરીફ અને તેનો નાનો ભાઇ એક વખત વસીમ સહિત ચારેયને સમજાવી ઘરમાં જતાં રહ્યા હતાં. આમ છતાં ચારેયે ગાળો બોલવાનું ચાલુ રાખતાં ફરીથી બંને ભાઇઓ સમજાવવા જતાં 'આજે તો તમને પુરા કરી નાંખવા છે' કહી બે જણાએ આરીફને પકડી લીધો હતો અને બે જણાએ છરીના ઘા ઝીંકી દીધા હતાં. એ પછી ઝનૂન પુર્વક ઢસડી ઢીકા-પાટુ પણ માર્યા હતાં. જેના કારણે આરીફનું મોત થયું  હતું.

હત્યાની આ ઘટનામાં થોરાળા પોલીસે હત્યાનો ભોગ બનનાર આરીફ ચાવડાના નાના ભાઇ મુસ્તાક ગુલામહુશેનભાઇ ચાવડા (ઘાંચી) (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી વસીમ ઉર્ફ ચકો અબ્દુલભાઇ ખેબર, તેના પિતા રાજકોટ સહકારી ડેરીમાં નોકરી કરતાં અબ્દુલભાઇ ઓસમાણભાઇ ખેબર તથા વસીમના પિત્રાઇ ભાઇ રમીઝ ઉર્ફ બાબો ઇકબાલભાઇ ખેબર તથા ઇકબાઇભાઇ ઓસમાણભાઇ ખેબર સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦-બી, ૧૩૫ (૧) મુજબ કાવત્રુ ઘડી હત્યા નિપજાવવાનો ગુનો નોંધ્યો છે.

મુસ્તાકે પોલીસ ફરિયાદમાં જણાવયું છે કે હું પરિવાર સાથે દૂધ સાગર રોડ પર ફારૂકી મસ્જીદ પાસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી મેઇન રોડ નં. ૨ ખાતે રહુ છું. મારે ભાવનગર રોડ પર આસ્તાના એન્ટરપ્રાઇઝ નામે પ્લાસ્ટીકનું કારખાનુ છે. અમે ચાર ભાઇઓ છીએ. ચારેય બાજુ-બાજુમાં પોતપોતાના કુટુંબ સાથે રહીએ છીએ. મોટા ભાઇનું નામ ઇરફાનભાઇ, બીજા નંબરે આરિફભાઇ હતાં. ત્રીજા નંબરે આબીદભાઇ અને હું સોૈથી નાનો છું. મારા માતાનું નામ રોશનબેન અને પિતાનું નામ હાજી ગુલામહુશેનભાઇ ઇસ્માઇલભાઇ ચાવડા છે. માતા-પિતા મારી સાથે રહે છે. મારા ભાઇ આરિફભાઇ તેના કુટુંબમાં પત્નિ અસ્માબેન તથા પુત્ર હનાનહુશેન (ઉ.વ.૧૮) અને પુત્રી ઝવરૂનનીશા (ઉ.વ.૧૪) સાથે રહે છે. મારા ભાઇ આરીફભાઇ અમારી સાથે જ ધંધો કરતાં હતાં.

રવિવારે રાત્રે સાડા નવેક વાગ્યે અમારા ઘર બહાર મોટા અવાજે ગાળાગાળી થતી હોઇ હું તથા મારા ભાઇ આરીફભાઇ બહાર નીકળ્યા હતાં. શેરીમાં જોતાં અમારી સામેના ભાગે રહેતાં વસીમ ઉર્ફ ચકો અબ્દુલભાઇ ખેબર, તેનો પિત્રાઇ રમીઝ ઉર્ફ બાબો ઇકબાલભાઇ ખેબર અને અબ્દુલભાઇ ઓસમાણભાઇ ખેબર તેમજ ઇકબાલભાઇ ઓસમાણભાઇ ખેબર જોર જોરથી ગાળો બોલતા હોઇ અમે બંને ભાઇઓ આ ચારેય ગાળો બોલતા હોઇ ત્યાં ગયા હતાં અને કહ્યું હતું કે આટલી જોરથી ગાળો ન બોલો, આજુબાજુમાં અને અમારા ઘર સુધી તમારો અવાજ આવે છે. આટલુ કહી અમે બંને ભાઇઓ અમારા ઘરમાં જતાં રહ્યા હતાં.

એ પછી પણ વસીમ ઉર્ફ ચકો, રમીઝ ઉર્ફ બાબો, અબ્દુલભાઇ અને ઇકબાલભાઇએ ગાળો બોલવાનું ચાલુ જ રાખ્યું હતું. આથી ફરીથી હું તથા ભાઇ આરીફભાઇ ઘર બહાર આવ્યા હતાં અને આ ચારેયની પાસે ગયા હતાં. તેમજ તમને ના પાડી તો પણ હજુ કેમ ગાળો બોલો છો? તેમ કહેતાં ચારેયએ અમને બંને ભાઇઓને કહેલું કે અમે અમારા ઘર પાસે ગાળો બોલીએ છીએ, તમો શું અમને ઘડીયે-ઘડીયે કહેવા આવો છો? તેમ કહી અમને બંને ભાઇઓને પણ ગાળો દીધી હતી અને 'હવે તમને પુરા કરી નાંખવા છે' તેમ કહી અબ્દુલભાઇ અને ઇકબાલભાઇએ મારા ભાઇ આરીફભાઇને પકડી લીધો હતો  અને વસીમ ઉર્ફ ચકાએ છરીનો એક ઘા મારા ભાઇને પડખામાં મારી દીધો હતો.

ત્યારબાદ અબ્દુલભાઇ અને ઇકબાલભાઇએ રમીઝ ઉર્ફ બાબાને કહેલું કે આને પુરો કરી નાંખવાનો છે...તે સાથે જ રમીઝ ઉર્ફ બાબાએ પણ છરીનો એક ઘા મારા ભાઇ આરીફભાઇને વાંસામાં મારી દીધો હતો. મેં મારા ભાઇને બચાવવાની પુરી કોશિષ કરી હતી. પરંતુ મને આ બધાએ પાટા મારી પાડી દીધો હતો. આ વખતે અમારા ઘરના સભ્યો આબીદભાઇ, તેના પત્નિ હીનાકોૈશરબેન, આરીફભાઇના પત્નિ અસ્માબેન, આરીફભાઇના ડ્રાઇવર ફૈઝલભાઇ, સોહિલભાઇ નુરમહમદ, શરીફભાઇ, રમીઝભાઇ મોદન સહિતના લોકો આવી ગયા હતાં.

ચારેય જણા મારો ભાઇ પડી ગયો હતો  તો પણ તેને આડેધડ ઢીકાપાટુનો માર મારતા હતાં. એ પછી મારા ભાઇને ક્રુરતા પુર્વક ઝનૂનની ઢસડ્યો હતો. અમે બધાએ ભેગા મળી આરીફભાઇને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે પણ વસીમ ઉર્ફ ચકો સહિત ચારેયએ છરી બતાવી ઝનૂનપુર્વક ધમકી આપી હતી કે-અમે જે દૂકાન ચલાવીએ છીએ તે બાબતે આડો પગ કરશો કે વાંધો લેશો તો તમને જાનથી મારી નાંખશું. ગાળો દઇ અને ધમકી દઇ ચારેય જતાં રહ્યા હતાં. આરીફભાઇને પડખા અને વાંસામાં ઇજા થઇ હોઇ હોસ્પિટલે લઇ ગયા હતાં. પરંતુ તેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

આ હત્યાનું કારણ એ છે કે હત્યા કરનારા પોતાના ઘર પાસે ડેરીમાં છાસ તથા બગડેલા પનીરનું ઉત્પાદન કરી વેંચાણ કરતાં હોઇ તેની દૂર્ગંધ આવતી હોઇ તેની સામે આરીફભાઇએ તથા સોસાયટીના સભ્યોએ વાંધો ઉપાડ્યો હતો. તેનું મનદુઃખ ચાલતું હોવાથી ચારેયએ જોરજોરથી ભુંડી ગાળો બોલતાં હું તથા મારો ભાઇ આરીફભાઇ તેને ગાળો નહિ બોલવાનું સમજાવવા જતાં હવે તો તમને પુરા જ કરી નાંખવા છે કહી મારા ભાઇને છરીના ઘા ઝીંકી ઢસડીને માર મારી હત્યા કરી હતી.

વળતી ફરિયાદ

આરીફની હત્યામાં આરોપી પૈકીના વસીમ ઉર્ફ ચકો અબ્દુલભાઇ ખેબર (ઉ.૩૧) તથા તેના પિતા અબ્દુલભાઇ ઉસ્માનભાઇ ખેબર (ઉ.વ.૫૮) પણ પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે વસીમ ઉર્ફ ચકાની ફરિયાદ પરથી આરીફ ગુલામહુશેન ચાવડા, આબીદ ગુલામહુશેન ચાવડા, ઇરફાન ગુલામહુશેન ચાવડા, મુસ્તાક ગુલામહુશેન ચાવડા તથા ગુલામહુશેનભાઇ ચાવડાની સામે આઇપીસી ૩૨૪, ૩૨૫, ૩૨૩, ૪૫૨, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

વસીમ ઉર્ફ ચકાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી-૧માં રહુ છું અને ઘર પાસે જ કિસ્મત મિલ્ક નામથી છાસ વેંચવાનો ધંધો કરુ છું. મારી સાથે પત્નિ, બાળકો અને બા-બાપુજી રહે છે. મારા મોટાબાપુનું નામ ઇકબાલભાઇ ઓસમાણભાઇ ખેબર છે. તે તેના કુટુંબ સાથે રહે છે.

રવિવારે રાતે હું ઘરે હતો ત્યારે સાડા નવેક વાગ્યે પડોશી આરીફ ચાવડા ધારીયુ લઇને આવ્યો હતો અને તેના ભાઇ આબીદના હાથમાં પાઇપ હતો. તેમજ નેફામાં છરી બહાર દેખાય તેમ રાખી હતી. ઇરફાન પાસે ધારીયુ તથા મુસ્તાકના હાથમાં લાકડી હતી. આ બધા ઘરની અંદર આવ્યા હતાં અને કહેવા માંડ્યા હતાં કે-તુ તારું મકાન છડીને બીજે જતો રહેજે તારું મકાન અમને આપી દે તેમ કહી પડાવવા માટે ધમકી આપી હતી. તેમજ ગાળો બોલવા માંડ્યા હતાં. આ વખતે મારા બાપુજી અને બા તથા પત્નિએ આ લોકોને કહેલું કે અમારે મકાન વેંચવું નથી. તમને કાંઇ પૈસાય આપવા નથી. તેમ કહેતાં ચારેય ઉશ્કેરાઇ ગયા હતાં, ચારેયના પિતા ગુલામહુશેનભાઇ પણ ધારીયુ લઇને આવ્યા હતાં. એ પછી આ બધાએ મને ઢસડીને ફળીયામાંથી શેરીમાં ખેંચી લીધો હતો અને ઝપાઝપીમાં મારા બાપુજી વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો.

માણસો પણ ભેગા થઇ ગયા હતાં. આ હુમલામાં મને બંને હાથમાં તથા પગમાં ઇજા થઇ હતી અને હું ઘર પાસે પડી ગયો હતો. એ પછી મને રિક્ષામાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. મારા પિતાજીને પણ પાછળથી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં.

હુમલાનું કારણ એ છે કે બે વર્ષ પ્હેલા અમારા ઘર આગળ મારે છાસ વેંચવાની ડેરી હતી. જેથી આ ચારેય ભાઇઓને ગમતું ન હોઇ વિરોધ કરતાં હતાં. જેથી મેં આ ઘર પાસેની ડેરી બંધ કરી હતી. તેનું મનદુઃખ ચાલુત જ હતું. અમે જો કે અગાઉ કોઇ ફરિયાદ કરી નહોતી. જુના મનદુઃખને લીધે જ મારા પર અને મારા બાપુજી પર હુમલો કરાયો હતો.  ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જી.એમ. હડીયા, પીએસઆઇ જાદવ, એએસઆઇ અજીતભાઇ ડાભી, કેલ્વીનભાઇ સાગર, કિશોરભાઇ, પીએસઆઇ એચ. બી. વડાવીયા સહિતે બંને ફરિયાદો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. આરોપીઓ હાથવેંતમાં છે. એક આરોપી વસીમ ઉર્ફ ચકો સારવાર હેઠળ હોઇ તેના પર પોલીસ પહેરો મુકાયો છે. ઘટના સ્થળે અને હોસ્પિટલે પણ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.

મજાનો માણસ આરીફ ચાવડાઃ બહોળુ મિત્રવર્તુળઃ માથાકુટમાં કદી નામ ન હોય

. હત્યાનો ભોગ બનનાર આરીફ ચાવડા વિસ્તારમાં ખુબ મજાના માણસની છાપ ધરાવતો હતો. પ્રારંભે મર્હુમ કોર્પોરેટર શકિલભાઇ રફાઇના ખાસ મિત્ર તરીકે ઓળખાતા આરીફ ચાવડાએ શકિલભાઇ વફાત થયા પછી વિસ્તારમાં સારા કામોમાં ભાગ લેવાનું શરૂ કર્યુ હતું. ભાજપ આગેવાન સાથે પણ તે વિસ્તારના પ્રશ્નો માટે સક્રિય રહી કામ કરતો હતો. માથાકુટોમાં કોઇ દિવસ તેનું નામ આવતું જ નહિ. હસમુખો, મળતાવડો સ્વભાવ હોવાથી તેનું મિત્રવર્તુળ પણ ખુબ મોટુ હતું. તેની હત્યાની ખબર પડતાં દરેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

(11:49 am IST)