Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનપદ માટે ભાજપના બે જુથો વચ્ચે ખરાખરીનો ખેલ : મોડી રાત્રે બઘડાટી બોલી

૧ર વાગ્યે બળાબળના પારખા : એક તરફ ચેતન પાણનું નામ, બીજી તરફ મંજુલાબેન જળુની દાવેદારી : ખોરાણા કેન્દ્રમાં હરદેવસિંહ જુથના સભ્યો રાખેલા ત્યાં બીજુ જુથ ધસી ગયું : લોહીયાળ ઘટના સ્હેજમાં અટકયાની ચર્ચા

રાજકોટ, તા. ૩ :  રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનની ચૂંટણી આજે બપોરે ૧ર વાગ્યે યોજાયેલ છે તે પૂર્વે ભાજપના જ બે જુથો વચ્ચે ખરાખરીની લડાઇ જામી છે એક જુથ ચેતન પાણને કારોબારી ચેરમેન બનાવવા માંગે છે બીજી તરફ બીજા જુથે મંજુલાબેન જળુનું નામ મુકયુ છે. બન્ને તરફ સભ્યોની ભારે ખેંચતાણ છે.

હરદેવસિંહ જાડેજા જુથના સભ્યોને ગઇકાલે રાત્રે પ્રવાસમાંથી લાવી કુંવાડવા પાસેના ખોરાણા ગામમાં રાખવામાં આવેલ ત્યાં ચેતન પાણ તરફી જુથ ધસી ગયું હતું. સભ્યોની ખેંચતાણમાં બન્ને જુથ સામસામે આવી જતા વાતાવરણ એકદમ ઉગ્ર થઇ ગયેલ પરંતુ આખરે મામલો થાળે પડતા સૌ વિખેરાયા હતા.

જિલ્લા ભાજપના આશીર્વાદવાળા જુથનું કહેવુ છે કે પક્ષનો મેન્ડેટ મંજુલાબેન જળુની તરફે છે તે અમે ચૂંટણી સમયે વિધિવત પ્રસ્તુત કરશુ ગઇકાલે આ જુથના બહુમતી પાંચ સભ્યોને ખોરાણા રાખવામાં આવેલ ત્યાં સામેના જુથના કાર્યકરો ધારાસભ્ય અને કોર્પોરેટર કક્ષાના આગેવાનોને લઇને ધસી આવેલ અને એક સભ્યને લઇ જવા હુમલાનો પ્રયાસ કર્યો હતો. વાત ઝપાઝપી સુધી પહોંચ્યા બાદ અટકી હતી. પાંચેય સભ્યો આજેય અકબંધ છે.

બીજી તરફ ચેતન પાણ તરફી જૂથનું કહેવુ છે કે અમારી પાસે પ સભ્યોની બહુમતી (કુલ ૯ સભ્યો) હતી છતાં સામેવાળાએ અમારા જૂથના એક સભ્ય પર સામાજિક સબંધોના દાવે દબાણ કરાવી ખેડવેલ. અમારા કેટલાક કાર્યકરો ખોરાણા સમજાવવા ગયેલ. તે વખતે ઉગ્ર બોલાચાલી થઇ હતી પરંતુ હૂમલાના પ્રયાસની વાતમાં તથ્ય નથી.

ભારે ઉતેજનાભર્યા વાતાવરણ વચ્ચે આજે બપોરે ૧ર વાગ્યે ભાજપના જ બે જૂથો વચ્ચે બળાબળના પારખા થઇ રહ્યા છે.  ચૂંટણી ટાણે નવાજૂનીની શકયતા નકારાતી નથી. (૯.૪)

(12:11 pm IST)