Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જિલ્લા સહકારી બેંકમાં રાદડિયા જુથના લગભગ તમામ ઉમેદવારો યથાવતઃ રાજકોટ બેઠકમાં ખેંચતાણઃ શીંગાળા નહિ તો ડી.કે.

વાઘજીભાઈના બદલે તેમના સુપુત્ર ખેતીમાંથી ચૂંટણી લડે તેવી શકયતાઃ સોમવાર આસપાસ નામોની જાહેરાત

રાજકોટ, તા. ૩ :. જિલ્લા સહકારી બેન્કની ચૂંટણી તા. ૨૬મીએ યોજવા માટે કાર્યક્રમ જાહેર થતા સહકારી ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. બેન્કમાં ધારાસભ્ય સહિતના આગેવાનોના આંટાફેરા વધ્યા છે. બેન્કમાં ૨૨ વર્ષથી રાદડિયા જુથનુ વર્ચસ્વ છે. આજે બેન્કના બોર્ડ ઓફ ડીરેકટર્સની અનઔપચારીક બેઠક મળેલ. જેમાં નિકળેલા તારણ મુજબ જયેશ રાદડિયા જુથના લગભગ તમામ વર્તમાન ડીરેકટરોને ફરીથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે. રાજકોટ તાલુકા જેવી એક-બે બેઠકોમાં અત્યારની સ્થિતિએ ખેંચતાણ દેખાશે. રાજકોટ તાલુકામાં હાલના ડીરેકટર નથુભાઈ શિંગાળાને ચૂંટણી ન લડાવાઈ તો તેના બદલે ડી.કે. સખિયાને ઉમેદવાર બનાવવામાં આવે તેવી શકયતા છે. આ સંભાવનાના પગલે ભાજપનું આંતરિક વિરોધી જુથ સક્રિય થઈ ગયુ છે. શરાફી મંડળી વિભાગની બે બેઠકો છે. તેમા ચૂંટણી થવાની શકયતા છે. બીનહરીફ થવાની શકયતા ઓછી છે. બાકીની લગભગ બધી બેઠકો બીનહરીફ થઈ શકે તેમ છે.

રાજકોટ તાલુકામાં નથુભાઈ શિંગાળાને નહિ તો ડી.કે.ને ચૂંટણી લડાવાશે. બન્નેની ખેંચતાણમાં ત્રીજુ કોઈપણ આવી શકે છે. વર્તમાન ચેરમેન જયેશ રાદડિયા ઈતર વિભાગમાંથી અથવા કંડોરણા બેઠકમાંથી લડશે. જો તે ખેતી સિવાયના વિભાગમાંથી ઉમેદવારી કરે તો કંડોરણામાં લલિત રાદડિયાને ચૂંટણી લડાવાય તેવી શકયતા છે. અન્ય મોટા ભાગના વર્તમાન ડીરેકટરો ઉમેદવાર તરીકે યથાવત રહેશે. જેમાં મોરબીમાં મગનભાઈ વડાવીયા, પડધરીમાં ડાયાભાઈ પીપળીયા, જસદણમાં અરવિંદભાઈ તાગડિયા, ગોંડલમાં પ્રવીણ રૈયાણી, જેતપુરમાં ગોરધનભાઈ ધામેલિયા, ધોરાજીમાં વિનુભાઈ વૈષ્ણવ, ઉપલેટામાં હરીભાઈ ઠુંમર, માળીયામાં અમૃતભાઈ વિડજા, વાંકાનેરમાં જાવેદ પીરઝાદાનો સમાવેશ થાય છે.

ટંકારા બેઠકમાં વાઘજીભાઈ બોડાના બદલે તેના સુપુત્ર દલસુખભાઈ લડે તેવી શકયતા છે. લોધીકા બેઠકમાં વર્તમાન ડીરેકટર વિરભદ્રસિંહ જાડેજા અથવા વિકલ્પે વર્તમાન એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરિયાને લડાવવામાં આવે તેવી શકયતા રાદડિયા જુથના વર્તુળો દર્શાવી રહ્યા છે. શહેર શરાફી વિભાગમાં રાદડિયા જુથના ઉમેદવાર તરીકે ફરી અરવિંદ તાળા આવી શકે છે. તા. ૭ થી ૧૦ ફોર્મ ભરવાનો સમય છે. રાદડિયા જુથ તા. ૯મીએ ફોર્મ ભરવાની ગણતરી રાખે છે.

(4:07 pm IST)