Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

બૈરી સાથે બખેડો કરતો ગની મોદન પોલીસને જોઇ વધુ ગુસ્સે થયોઃ પોલીસમેનને કહ્યું-તારું નામ બોલ એટલે પટ્ટો-ટોપી ઉતરાવી નાંખુ!

ઘનશ્યામનગરમાં એક શખ્સ તેની પત્નિ સાથે માથાકુટ કરતો હોવાના કોલને આધારે સ્થળ પર ગયેલા ભકિતનગરના પોલીસમેન સામે સીનસપાટા થયાઃ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયદો સમજાવ્યો

રાજકોટ તા. ૩: સિંદુરીયા ખાણ પાસે રહેતી મુસ્લિમ મહિલાએ પોતાનો પતિ માથાકુટ કરતો હોઇ પોલીસની ગાડી બોલાવતાં ત્યાં ગયેલા ભકિતનગરના પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધવા માટે મહિલાને પોલીસ સ્ટેશને લઇ જવા કાર્યવાહી કરતાં અને તેના પતિને પણ સાથે આવવાનું કહેતાં તેણે સાથે નથી આવવું, તારું નામ બોલ એટલે પટ્ટો ટોપી ઉતરાવી નાંખુ...તેમ કહી પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી સીનસપાટા કરતાં તેની સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.

આ બનાવમાં ભકિતનગર પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાતાં કોન્સ. પુષ્પરાજસિંહ એસ. ગોહિલની ફરિયાદ પરથી સિંદુરીયા ખાણ પાસે ઘનશ્યામનગરમાં રહેતાં ગતી અબ્દુલભાઇ મોદન વિરૂધ્ધ આઇપીસી ૧૮૬ મુજબ ગુનો નોંધાયો છે.

પુષ્પરાજસિંહ ગઇકાલે પીસીઆર-૯માં ઇન્ચાર્જ તરીકે નોકરી પર હતાં. સાથે ડ્રાઇવર કોન્સ. મયુરરાજસિંહ પણ હતાં. સાંજે કન્ટ્રોલ રૂમ તરફથી એક કોલ મળ્યો હતો કે ઘનશ્યામનગરમાં મુશ્કાનબેન ગનીભાઇ મોદન સાથે તનો પતિ ગની માથાકુટ કરે છે.  આ કોલને આધારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મુશ્કાનબેન સાથે તનો પતિ માથાકુટ કરતો હોઇ પોલીસ ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશને આવવાનું કહેવાતાં અને તેણીના પતિ ગની મોદનને પણ ગાડીમાં બેસવાનું કહેવાતા તેણે ગાડીમાં બેસવાની ના પાડી હતી અને માથાકુટ કરી હતી. તેમજ પોલીસ કર્મચારી પુષ્પરાજસિંહને 'તારું નામ કે એટલે પટ્ટો ટોપી ઉતરાવી નાંખુ' તેમ કહી ફરજમાં રૂકાવટ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચાએ ગુનો દાખલ કર્યો હતો. એએસઆઇ સુભાષભાઇ ડાંગરે ગનીને સકંજામાં લીધો હતો. પોલીસે આ શખ્સને કાયદો સમજાવ્યો હતો.

(12:52 pm IST)