Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

વૃધ્‍ધ માતાને અગાશીની છત ઉપરથી નીચે ફેંકી દઇને હત્‍યા કરવા અંગે પુત્રની જામીન અરજી રદ

આરોપી વિરૂધ્‍ધ સમાજને કલંકરૂપ ઘટના છેઃ જામીન આપી શકાય નહિં: કોર્ટ

રાજકોટ તા. ૩: અહીંના ૧પ૦ ફુટના રીંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે આવેલ દર્શન એવન્‍યુ એપાર્ટમેન્‍ટની અગાશી ઉપરથી વૃધ્‍ધ બિમાર માતાનો નીચે ઘા કરીને હત્‍યા કરવાના ગુનામાં પકડાયેલ પ્રોફેસર પુત્રી સંદિપ વિનોદભાઇ નથવાણી એ ‘‘ચાર્જશીટ'' બાદ જામીન પર છુટવા કરેલ અરજીને અધિક સેસન્‍સ જજ શ્રી પી. પી. પુરોહિતે ફગાવી દીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે ઉપરોકત સ્‍થળે રહેતી વૃધ્‍ધ માતા જયશ્રીબેન બિમારી હોય અને તે આરોપી પુત્રની પત્‍નિ સાથે વારંવાર રકઝક કરતી હોય માતાની બિમારી અને સ્‍વભાવથી કંટાળી ગયેલા આરોપી પ્રોફેસર પુત્રી સંદિપ નથવાણીએ માતાને એપાર્ટમેન્‍ટની છત ઉપર લઇ જઇને માતાનો નીચે ઘા કરીને હત્‍યા કરી હતી.

આ ગુનામાં પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને જેલહવાલે કરતાં આરોપીએ ચાર્જશીટ બાદ જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજુઆત કરેલ કે, પુત્રએ માતાની હત્‍યા કરી છે. ગંભીર ગુનો છે. સમાજમાં કલંકિત ઘટના છે. આરોપી વિરૂધ્‍ધ સી.સી.ટી.વી. કુટુજનો પુરાવો છે. આરોપી વિરૂધ્‍ધ પ્રથમ દર્શનીય કેસ હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્‍યાને લઇને અધિક સેસન્‍સ જજ શ્રી પી. પી. પુરોહિતે આરોપી પ્રોફેસર પુત્રની જામીન અરજી રદ કરી હતી. આ કામનાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી બિનલબેન રવેશીયા રોકાયા હતાં.

(4:59 pm IST)