Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

પટેલ ઉદ્યોગપતિના ખાતામાંથી ૫૪ લાખ ઉપાડી લેવાના ગુનામાં એસઓજીની પુના ખાતે તપાસ

એક આરોપીનું ઘર મળ્યું: જો કે ત્યાં તે પાંચેક દિવસથી આવ્યો નથીઃ સ્થાનિક પોલીસને જાણ કરાઇ : બે દિવસ પહેલા કાર્યકર મુકેશ ખોયાણીએ પોલીસ કમિશ્નરને રજૂઆત પણ કરી'તી

રાજકોટ તા. ૩:  શહેરના ભકિતનગર સર્કલ પાસે ધર્મજીવન સોસાયટીમાં રહેતાં અને ૮૦ ફુટ રોડ પર ઓઇલ એન્જીનના કાસ્ટીંગ પાર્ટસની ફેકટરી ધરાવતાં કમલેશભાઇ રાણાભાઇ ઠુમ્મર (ઉ.૪૭) નામના પટેલ ઉદ્યોગપતિનું બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી તેના આધારે સુરતના વોડાફોન સ્ટોરમાંથી સીમ કાર્ડ મેળવી તેનો ઉપયોગ કરી નેટ બેંકીંગ મારફત કોલકત્તા, મધ્યપ્રદેશ અને પુનાના પાંચ શખ્સોએ રૂ. ૫૪ લાખ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરી ઉપાડી લેતાં ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક ટીમ પુના ખાતે તપાસાર્થે પહોંચી હતી. ત્યાં એક આરોપીનું ઘર શોધી કાઢવામાં આવ્યું છે. જો કે તે ત્યાં પાંચેક દિવસથી આવ્યો ન હોઇ પુના પોલીસને વોચ રાખવા જણાવાયું છે.

મલેશભાઇની ફરિયાદ પરથી કોલકત્તાની બેંક ઓફ બરોડાની ડમડમ બ્રાંચના ખાતા ધારક તરૂન હોપ, એમ.પી.ના ગ્વાલિયરમાં ઇન્ડસઇન્ડ બેંકની રાપરૂ બ્રાંચમાં ખાતુ ધરાવતાં રાજેશ, કોલકત્તાની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની ભાવનીપુર બ્રાંચમાં ખાતુ ધરાવતાં અભિષેક પોલ, આ જ બ્રાંચના અન્ય ખાતા ધારક ગોૈરવ બાગ તથા પુનાની એકસીસ બેંક શાખાના બંધ ગાર્ડન બ્રાંચમાં ખાતુ ધરાવતાં મંજરહશન કુરેશી તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૬-સી, ૬૬-ડી મુજબ ગુનો દાખલ થયો હતો.

ગઠીયાઓએ કમલેશભાઇનું મોબાઇલ સિમ કાર્ડ બંધ કરી, નકલી લાયસન્સને આધારે બીજુ સીમ કાર્ડ કઢાવી તેના આધારે ઇ-બેંકીંગ કરી કમલેશભાઇના ખાતામાંથી ૫૪ લાખ જેવી માતબર રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતની રાહબરી હેઠળ એસઓજી પી.આઇ. એસ. એન. ગડુના માર્ગદર્શમાં પી.એસ.આઇ. ઓ.પી. સિસોદીયા, ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ સહિતની ટીમ પુના તપાસાર્થે પહોંચી હતી. ત્યાં એક આરોપીનું ઘર શોધવામાં સફળતા મળી છે. જો કે એ ત્યાં હાજર ન હોઇ ત્યાંની પોલીસને આ શખ્સની માહિતી આપવા જણાવાયું છે.  આ કેસમાં ઉંડી તપાસ કરવા બે દિવસ પહેલા કાર્યકર મુકેશ સવજીભાઇ ખોયાણીએ પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી.

(1:03 pm IST)