Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2019

મોરબી રોડ ઉપર ૪ર કરોડની જમીનનો લે-આઉટ પ્લાન રદ કરવાના કેસમાં દાવો રદ કરવાની અરજી રદ

રાજકોટ તા. ૩: મોરબી રોડની ૪ર-કરોડની જમીનનો લે-આઉટ પ્લાન રદ કરવાના દાવામાં દાવો રીજેકટ કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

આ કેસની વિગત એવી છે કે હાલના વાદી પાંચાભાઇ થોભણભાઇ લીંબાસીયાના કુલમુખત્યાર ઠાકરશીભાઇ પાંચાભાઇ લીંબાસીયા રહેઃ ગાયત્રી સોસાયટી, શેરી નં. ૩, મોરબી રોડ, રાજકોટ. જેઓ મોરબી રોડ ઉપર આવેલ રાજકોટના રે. સર્વે નં. પ૩/ર ની જમીન ઉપર રપ વર્ષ પહેલા બનેલી ન્યુશકિત કો.ઓ.હા.સો.ના સભ્ય અને પ્લોટ હોલ્ડર છે.

આ કામના પ્રતિવાદીઓ રૂપાબેન સંજયભાઇ ટોળીયા વિગેરેએ સર્વે નં. પ૩/ર ઉપર સુચિત સોસાયટી ઉભી હોવા છતાં મુળ માલીકો પાસેથી ખેતીની જમીનનો દસ્તાવેજ કરી રાજકોટ મહાનગરપાલીકામાં લે-આઉટ પ્લાન મંજુર કરાવેલો. આમ આ જમીન ઉપર ન્યુશકિત કો.ઓ.હા.સો. ઉભી હોવા છતાં મહાનગર પાલીકાએ લે-આઉટ પ્લાન મંજુર કરી આપેલ. આમ આ જમીન ઉપર બાંધકામ હોવા છતાં તથા અન્ય લોકો વર્ષોથી રહેતા હોવા છતાં ખુલ્લી જગ્યા દર્શાવેલ હોવાથી ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ તથા બી.પી.એમ.સી. એકટની જોગવાઇઓ વિરૂધ્ધ પ્લાન મંજુર થયેલ હોય આ કામના વાદીએ લે-આઉટ પ્લાન રદ કરવા રાજકોટ મહાનગરપાલીકા તથા રૂપાબેન સંજયભાઇ ટોળીયા વિગેરે સામે રાજકોટના સીવીલ જજ કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો.

આ દાવામાં પ્રતિવાદીઓ રૂપાબેન સંજયભાઇ ટોળીયા વિગેરેએ વકીલ મારફત સીવીલ પ્રોસીજર કોડ-૧૯૦૮ ઓર્ડર-૭ રૂલ-૧૧ હેઠળ દાવો રીજેકટ કરવાની અરજી કરેલ. જે અરજી સંદર્ભે બંન્ને પક્ષકારોની દલીલો સાંભળી રાજકોટના સીવીલ જજ શ્રી એસ. એમ. ક્રિસ્ટી એ પ્રતિવાદીઓની અરજી નામંજુર કરેલ છે. તથા લે-આઉટ પ્લાનની ગેરરીતી અંગે પુરાવો લેવો જરૂરી હોય વાદીનો દાવો ચાલવા પાત્ર હોય ગ્રાહ્ય રાખેલ છે. આ કામમાં વાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલ છે.

(4:42 pm IST)