Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

તા. ૧૪થી ધો. ૧૦-૧૨ની પરીક્ષા : રાજકોટ જિલ્લામાં ૮૩૬૫૦ પરીક્ષાર્થીઓ

શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે એકશન પ્‍લાન જાહેર : ન્‍યાયીક માહોલ પરીક્ષાર્થીઓ મુક્‍ત મને પરીક્ષા આપી શકે તેવી વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૩ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૧૪થી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનું આયોજન થયું છે. ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં સરળ સંચાલન માટે શિક્ષણ બોર્ડ દ્વારા એકશન પ્‍લાન બનાવવામાં આવ્‍યો છે. આજે જિલ્લા કક્ષાએથી કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને રાજકોટ જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે.

રાજકોટ જિલ્‍લા પરીક્ષા સમિતિમાં અધ્‍યક્ષ તરીકે કલેકટર શ્રી સભ્‍ય તરીકે, પોલીસ કમિશનરશ્રી રાજકોટ શહેર, જિલ્લા પોલીસ અધિકારીશ્રી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ રાજ્‍ય અને રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકો, આચાર્યો તેમજ માન્‍ય શૈક્ષણિક સંઘના પ્રમુખો - મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

એકશન પ્‍લાન અંતર્ગત રાજકોટ શહેર - જિલ્લામાં ધો. ૧૦ માટે ચાર ઝોનલ કચેરી અને ધો. ૧૨ માટે ત્રણ ઝોનલ કચેરી ખાતે કામની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ધો. ૧૦ - ૧૨ની પરીક્ષામાં વિવિધ સ્‍તરે પરીક્ષા સંબંધે તૈયારી, વિદ્યાર્થીઓની સંખ્‍યા, કેન્‍દ્રોની સંખ્‍યા, બ્‍લોક વ્‍યવસ્‍થા, તમામ પરીક્ષા કેન્‍દ્રો પર સીસીટીવી કેમેરા, જિલ્લા કક્ષાએથી કંટ્રોલરૂમની વ્‍યવસ્‍થા, ડીઇઓ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા પરીક્ષા સમયે વીજ પુરવઠો ચાલુ રહે તે માટે વ્‍યવસ્‍થા કરશે. પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પરીક્ષા બિલ્‍ડીંગ, રૂટ પોલીસ ગાર્ડ, સ્‍ટ્રોંગરૂમ, ઝોનલ કચેરી ખાતે બંદોબસ્‍ત જાળવશે.  પરીક્ષા ન્‍યાયીક માહોલમાં યોજાવા ઉપરાંત તનાવમુક્‍ત વિદ્યાર્થીઓ મુક્‍ત મને પરીક્ષા આપે તેવી વ્‍યવસ્‍થા ઉપર ભાર મુકવામાં આવ્‍યો છે. ગેરરીતિ વગર પરીક્ષા આપી શકે તે માટે વર્ગ-૧ અને વર્ગ-૨ના જિલ્લાના અધિકારીઓને પરીક્ષા દરમિયાન ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

ધો. ૧૦ની પરીક્ષામાં કુલ ૧૭૫ બિલ્‍ડીંગોના ૧૫૮૭ બ્‍લોકમાં ૪૭૬૧૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્‍યારે ધો. ૧૨ સાયન્‍સમાં ૩૬ બિલ્‍ડીંગો ઉપર ૩૮૩ બ્‍લોકમાં ૭૬૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૧૦૮ બિલ્‍ડીંગ ઉપર ૯૪૬ બ્‍લોકમાં ૨૮૩૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં રાજકોટ શહેર - જિલ્લા માટે તા. ૧૩ માર્ચથી ૨૯ માર્ચ સુધી રાજકોટ શહેરની શ્રી કરણસિંહજી હાઇસ્‍કુલ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ થશે.

(4:10 pm IST)