Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

માધાપર ચોકડી સહિત રાજયમાં ૬ નવા બસ સ્ટેશન બનાવવા ૧૦૦ કરોડ ખર્ચાશેઃ પ૦૦ વોલ્વો PPP ધોરણે

ગાંધીનગરમાં મેડીએશન અને આબીટ્રેશન સેન્ટર સ્થપાશે : સરકાર નવી ૮૦૦ ડીલક્ષ અને ૨૦૦ સ્લીપર કોચ બસો સેવામાં મૂકશે

ગાંધીનગર, તા.૩: જાહેર જનતાને જરૂરી સુવિધાઓ ઝડપી અને પારદર્શક રીતે મળતી રહે તે માટે અમારી સરકાર હમેંશા કાર્યરત છે. મોટર વ્હીકલ કાયદાની અનેકવિધ સુવિધાઓ હવે નાગરિકોને ઓનલાઇન ઉપલબ્ધ કરી આપવામાં આવેલ છે. જેમાં, આરટીઓ કચેરીની મુલાકાત લીધા સિવાય નવા વાહનોની નોંધણી, એન.ઓ.સી., પસંદગીના નંબર, ટેમ્પરરી પર્મિટ, સ્પેશીયલ પર્મિટ, રીન્યુઅલ ડ્રાઇવીંગ લાયસન્સ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, લાયસન્સ સંબંધિત માહિતી, ડ્રાઇવીંગ લાયસન્સનું રીપ્લેશમેન્ટ, વાહનનું બોજા મુકિત પ્રમાણપત્ર, ડુપલીકેટ આર.સી.બુક વગેરે સેવાઓ ઓનલાઇન આપવામાં આવે છે. તેમ શ્રી નીતિન પટેલે ગૃહમાં જણાવ્યુ હતુ.

 જનતાની સેવા માટે ૮૦૦ ડીલક્ષ પ્રકારની અને ૨૦૦ સ્લીપર કોચ મળી ૧૦૦૦ નવી બસો કાર્યરત કરવામાં આવશે. લાંબા અંતરની મુસાફરી માટે આરામદાયક ૫૦૦ વોલ્વો બસ પીપીપી ધોરણે શરૂ કરવામાં આવશે. જે માટે રૂ.૨૭૦ કરોડની જોગવાઇ.

 મને જણાવતા આનંદ થાય છે કે, અમારી સરકાર પ્રજાની સુખાકારી સાથે પર્યાવરણનો પણ એટલો જ ખ્યાલ રાખે છે. વાયુ પ્રદુષણ ઘટાડવા માટે અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે એસ.ટી. દ્વારા પ્રથમ વખત ૫૦ ઇલેકટ્રીક બસો સંચાલનમાં મૂકવાનુ આયોજન છે. તદઉપરાંત, ઇકો ફ્રેન્ડલી ૫૦ સી.એન.જી. વાહનો પણ સંચાલનમાં મૂકવામાં આવશે. જેના માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ.

 રાજકોટ શહેરમાં માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું બસ સ્ટેશન તથા રાજયમાં અન્ય ૬ નવા બસ સ્ટેશનનું બાંધકામ અને હયાત જૂના ૯ બસ સ્ટેશનોનું રીનોવેશન કરવામાં આવશે. જે માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ.

 દેશના નાના બંદરો દ્વારા થતા માલવહનનો ૭૦ ટકા હિસ્સો ગુજરાતના નાના બંદરો ધરાવે છે. ગુજરાત રાજયના દરિયાઇ વેપારને વધુ બંદરોની સુવિધાઓ ઉપલબ્ધ કરવાના હેતુથી પીપીપી ધોરણે આશરે રૂ.૪૮૦૦ કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરોનો વિકાસ કરવામાં આવશે.

 દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવવાનું આયોજન કરેલ છે.

 નવલખી બંદર ખાતે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી રૂ.૧૯૨ કરોડના ખર્ચે નવી જેટી બનાવવાનું આયોજન.

 સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે શીપ બ્રેકિંગ પ્રવૃતિ પુનઃ ચાલુ કરવા માટે આશરે રૂ.૨૫ કરોડના ખર્ચે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે.

 ગુજરાતમાં મેરીટાઇમ ટ્રાફિકમાં અનેકગણો વધારો થયેલ છે. મેરીટાઇમ ક્ષેત્રે હવે આંતરરાષ્ટ્રીય સેવાઓ જેમ કે મેડીએશન અને આબીટ્રેશન, શીપ લીઝીંગ અને લીગલ સર્વિસીસ વિકસાવવા જરૂરીયાત છે. જે માટે ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા ગિફટ સિટી ખાતે ઇન્ટરનેશનલ મેડીએશન અને આબીટ્રેશન સ્થાપના કરવામાં આવશે.

(4:05 pm IST)