Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

બેડીપરા શ્રમજીવીમાં થયેલા ફાયરીંગમાં બૈરા સામે જોવાનો ડખ્ખોઃ હત્યાની કોશિષનો ગુનો

હોળીની રાત્રે દેશી બંદૂકથી પાંચ ભડાકા કરનાર પ્રેમજી ડાભી, તેના પુત્ર, ભાઇ, ભત્રીજાની શોધખોળઃ નવાગામના કમલેશ કોળી, શ્રમજીવીમાં રહેતાં તેના ફઇના દિકરા પ્રતિક, પ્રતિકની પત્નિ નિલમ અને બનેવી કનેસરાના ચંદુ મકવાણાને ઇજા

રાજકોટ તા. ૩: શહેરમાં હોળીની રાત્રે ભાવનગર રોડ રાજમોતી મીલ સામે બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં બે કોળી ભાઇઓ અને આ બંનેના બે પુત્રોએ મળી પડોશી કોળી યુવાનને 'તું કેમ અમારા બૈરા સામે જોવે છે?' તેવો આરોપ મુકી ગાળાગાળી કર્યા બાદ લાકડીઅધોકાથી હુમલો કરતાં તેમજ બાર બોરની બંદૂકથી પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતાં નાસભાગ મચી ગઇ હતી. હથીયરોથી થયેલા હુમલામાં અને ફાયરીંગને કારણે છરા લાગવાથી કોળી યુવાન, ફઇના દિકરા અને ફઇના દિકરાની પત્નિ અને ફઇના દિકરાના બનેવી ઇજા થઇ હતી. થોરાળા પોલીસે હત્યાની કોશિષ, આર્મ્સ એકટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

ભડાકા થતાં ઘવાયેલા નવાગામ શકિત સોસાયટી-૧૨માં રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં કમલેશ ગોરધનભાઇ મકવાણા (કોળી) (ઉ.૩૨), બેડીપરા શ્રમજીવી-૩માં રહેતાં ફઇના દિકરા પ્રતિક ભરતભાઇ સખીયા (ઉ.૨૩), તેની પત્નિ નિલમ પ્રતિક સખીયા (ઉ.૨૨) તથા જસદણના કનેસરાથી હોળીનો તહેવાર કરવા આવેલા પ્રતિકના બનેવી ચંદુ સુખાભાઇ મકવાણા (ઉ.૩૨)ને ઇજા થતાં પ્રતિક અને નિલમને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે કમલેશ અને ચંદુને દાખલ કરવામાં આવ્યા હતાં.

બનાવ અંગે થોરાળાના પી.આઇ. એન. એન. ચુડાસમા, રાઇટર અજીતભાઇ ડાભી તેમજ ડી. સ્ટાફના ફિરોઝભાઇ શેખ, જાહીરખાન ખફીફ, વિજય મેતા, રોહિત કછોટ સહિતનો કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પણ પહોંચ્યા હતાં. પોલીસે કમલેશ મકવાણાની ફરિયાદ પરથી તેના પડોશમાં જ શ્રમજીવી-૩માં રહેતાં પ્રેમજી ટપુભાઇ ડાભી (કોળી), તેના પુત્ર મયુર પ્રેમજી ડાભી, ભાઇ મનસુખ ટપુભાઇ ડાભી, તેના પુત્ર ચિરાગ મનસુખભાઇ ડાભી સામે આઇપીસી ૩૦૭, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧), આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

કમલેશે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે નવાગામ હતો ત્યારે ફઈના દિકરા પ્રતિકને પ્રેમજી ડાભી સાથે માથાકુટ થયાની ખબર પડતાં પોતે નવાગામથી શ્રમજીવીમાં ફઇના દિકરા પ્રતિકના ઘરે આવ્યો હતો. રાત્રે સાડા દસેક વાગ્યે પોતે તથા પ્રતિક, તેની પત્નિ, તેના બનેવી તથા બીજા પરિવારજનો ઘર પાસે હતાં ત્યારે આ શેરીમાં જ રહેતાં પ્રેમજી ડાભી સહિતનાએ પ્રતિક સામે જોઇ 'તું કેમ અમારા ઘરના બૈરાઓ સામે જોવે છે?' તેમ કી ગાળાગાળી કરી હતી અને જતાં રહ્યા હતાં. થોડીવાર પછી ચારેય લાકડી, તલવાર, ધોકા લઇને આવ્યા હતાં હુમલો કર્યો હતો. તેમજ પ્રેમજીએ ઘરની અગાસી પર ચઢી ત્યાંથી બાર બોરની બંદૂકમાંથી પાંચ રાઉન્ડ ભડાકા કર્યા હતાં. પોલીસે ભાગી છૂટેલા ચારેની શોધખોળ હાથ ધરી છે. આજ સવાર સુધી આરોપી હાથમાં આવ્યા નથી. (૧૪.૫)

(4:36 pm IST)