Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

એન્‍જોય બોર્ડ એકઝામઃ રવિવારે ફ્રી સેમિનાર

ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે કોચીંગ કલાસ ઓનર્સ એસો.નું આયોજનઃઓછા સમયમાં સ્‍માર્ટવર્ક કેવી રીતે કરવુ સહિતના વિષયો ઉપર મોટીવેશનલ સ્‍પીકર સુહાગ પંચાલ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે

રાજકોટઃ આગામી તા.૫ના રવિવારના રોજ કોચિંગ કલાસ ઓનર્સ એસોસિએશન-રાજકોટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ એન્‍જોય બોર્ડ એકઝામ ફ્રી સેમિનારનું આયોજન તા.૫ના રવિવારે બપોરે રથી ૪ અને સાંજે ૪.૩૦થી ૬.૩૦ એમ બે સેશનમાં પ્રમુખસ્‍વામી ઓડિટોરીયમ ખાતે કરાયુ છે. 

બોર્ડ એકઝામ નજીક છે ત્‍યારે વિદ્યાર્થીઓ માટે સ્‍ટ્રેસ ફ્રી એન્‍વાયરમેન્‍ટ ઊભું થાય અને વિદ્યાર્થીઓ એકઝામને ડર નહી, પરંતુ ઉત્‍સવરૂપે ઉજવી સફળતા પ્રાપ્ત કરે તે આ સેમિનારનો ઉદ્દેશ્‍ય છે. બોર્ડની એકઝામની સાથોસાથ જીવનરૂપી પરીક્ષામાં પણ વિદ્યાર્થી દરેક વિકટ પરિસ્‍થિતિ કે પડકારોનો સામનો ઉત્‍સાહ તથા આત્‍મવિશ્વાસભેર કરી શકે તે માટે પણ આ ફ્રી સેમિનારની ટિપ્‍સ અત્‍યંત ઉપયોગી બની શકે તેમ હોવાનું શિક્ષકોએ જણાવેલ

પરીક્ષા પે ચર્ચા અભિયાન દ્વારા શ્રીમોદી પણ ભારતનું ભવિષ્‍ય એવા  વિદ્યાર્થીઓ માટે બોર્ડ એકઝામ પહેલા સરળ વાતાવરણ સર્જવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આ વિચારધારાને આગળ ધપાવવા માટે રાજકોટ કોચિંગ કલાસ ઓનર્સ એસોસિએશન પણ આ કાર્યમાં સહભાગી બનવા જઇ રહયુ છે. આ ફ્રી સેમિનારમાં જાણીતા મોટીવેશનલ સ્‍પીકર અને કોચ શ્રી સુહાગ પંચાલ દ્વારા  વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ એકઝામ કઇ રીતે આપવી? એકઝામ પહેલા શું તૈયારીઓ કરવી? તૈયારી માટે કઇ મેથડ અપનાવવી? ઓછા સમયમાં સ્‍માર્ટવર્ક દ્વારા કઇ રીતે સફળતા પ્રાપ્ત કરવી? વગેરે જેવા અનેક મુદ્દાઓ પર તલસ્‍પર્શી માર્ગદર્શન આ ફ્રી સેમિનારમાં આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ આ સેમિનારનો લાભ લે તેવી અપીલ રાજકોટ કોચિંગ કલાસ ઓનર્સ એસોસિએશન દ્વારા અપિલ કરાઇ છે સેમિનારના સફળ આયોજન માટે રાજકોટ કોચિંગ કલાસ ઓનર્સ એસોસિએશન, આઇટીએમ યુનિવર્સિટી-વડોદરા અને ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ડિઝાઇનિંગ-રાજકોટ જહેમત ઉઠાવી રહયા છે.

આ અંગે વધુ માહિતી માટે સ્‍ટાર હાઉસ, ધારેશ્વર ડેરી પાસે, કોટેચા ચોક, કાલાવડ રોડ મો.૯૦૩૩૦ ૭૭૭૨૬ ખાતે સંપર્ક કરી શકાય છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:25 pm IST)