Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સમય ટ્રેડીંગના કૌભાંડની તપાસ કેન્‍દ્રીય તપાસ એજન્‍સીઓને સોંપો : રોકાણકારોની મૌન રેલી

નાના રોકાણકારો સાથે કરોડોની છેતરપીંડીનો મામલો

સમય ટ્રેડીંગમાં પોતાના નાણાનું રોકાણ કરી છેતરાયેલા નાના રોકાણકારોને આજ દિવસ સુધી પોતાના પૈસા પરત નહિ મળતા મૌન રેલી-રજુઆત પોલીસ કમિશ્નર કચેરીએ કરવામાં આવી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા) (૪.૧૩)

રાજકોટ, તા., ૩:  નાના રોકાણકારોના કરોડો રૂપીયા ડુબાડનાર સમય ટ્રેડીંગ, સાંઇ ટ્રેડીંગ, આશીષ કો.ઓ. બેંકના પ્રદીપ ડાવેરા  તથા ડીરેકટરોએ કરેલા કૌભાંડમાં પોલીસ ચાર્જશીટ, ધરપકડ અને જામીન પર છુટકારાની કાનુની પ્રક્રિયા પછી પણ રોકાણકારોને પૈસા પાછા નહિ મળતા આ કૌભાંડની તપાસ કેન્‍દ્રીય તપાસ એજન્‍સીઓને સોંપવા માંગણી કરવામાં આવી છે. ભોગ બનેલા રોકાણકારોએ આજે પોતાની માંગણીનો  પડઘો પાડવા માટે સરદાર બાગ સર્કીટ હાઉસથી પોલીસ કમિશ્નર સુધી મૌન રેલી યોજી હતી.

લેખીત રજુઆતમાં જણાવાયું છે કે, લોકોને શીશામાં ઉતારનાર ઝાલા પરીવારના જનક, પરીતોષ, પાર્થ અને ગોપી ઝાલાએ રોકાણકારોને છેતર્યા છે. બે વર્ષ પહેલા પોલીસે કાર્યવાહી કરી ૧૦ હજાર પાનાની ચાર્જશીટ રજુ કરી હતી. આ મામલામાં ધરપકડો થયા બાદ આરોપીઓ જામીન પર છુટી ગયા છે. છતાં લોકોને તેમના રોકાણોનો  એક પણ રૂપીયો પાછો મળ્‍યો નથી. રવી રાઠોડ, લાલજી નૈયા અને ભરત ઘાવરી જેવા  ભોગ બનનારા લોકો પૈસા-પૈસા કરતા મૃત્‍યુ પામ્‍યા છે. તેમના નિરાધાર વિધવા પત્‍ની અને બાળકોની સ્‍થિતિ અત્‍યંત કફોડી બની છે. ગરીબ લોકોએ ઘરેણા મુકી, હાઉસીંગ લોન લઇ, પર્સનલ લોન લઇ નાણાનું રોકાણ સમય ટ્રેડીંગમાં કર્યુ હતું. પોલીસે હાઇકોર્ટમાં કરેલા સોગંદનામામાં આરોપી પ્રદીપ ડાવેરા અને ઝાલા પરીવાર દર મહિને  ર કરોડ ૩૮ લાખ રોકાણકારોના નાણા ઉપરનું કમીશન  પ્રદીપ ડાવેરાને ચુકવતા હોવાનું નોંધ્‍યું છે.  ઝાલા જેવા ઘણાય એજન્‍ટો મારફત પ્રદીપ ડાવેરાના સમય ટ્રેડીંગમાં રોકાણ થયું હતું.  જામીન ઉપર છુટેલા આરોપીઓના જામીન રદ કરી આ કૌભાંડની વિશેષ તપાસ કેન્‍દ્રીય એજન્‍સીઓને સોંપવા માંગણી કરવામાં આવી છે.

(3:15 pm IST)