Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ઠેબચડાની હત્યામાં ત્રણ આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું

પુર્વયોજીત કાવત્રાના ભાગ રૂપે ઉભા મોલમાં હથીયારો સાથે કઇ રીતે છુપાયા હતાં? અને કેવી રીતે હુમલો કર્યો તેનું નિદર્શન પોલીસ સમક્ષ કરી બતાવ્યું

રાજકોટ તા. ૧: ઠેબચડા ગામમાં જમીનના ડખ્ખામાં લખધીરસિંહ નવુભા જાડેજાની હત્યામાં પકડાયેલા ૧૨ આરોપીઓને પોલીસે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં ત્રણ આરોપીઓ છગન બીજલ રાઠોડ, મગન બીજલ રાઠોડ અને મહેશના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. રિમાન્ડ પત્યા બાદ ત્રણેય જેલહવાલે થયા હતાં. એ પછી વધુ ત્રણ આરોપીઓ નાથા જેરામભાઇ વાઢેર (ઉ.૬૦), રોનક નાથાભાઇ વાઢેર (ઉ.૨૧) અને ભુપત નાથાભાઇ વાઢેર (ઉ.૩૯)ને પકડી લેવાયા હતાં. આ ત્રણેય પણ રિમાન્ડ પર છે. દરમિયાન ક્રાઇમ બ્રાંચે આ બધાને આજે બપોર બાદ ઠેબચડા ઘટના સ્થળે લઇ જઇ પૂર્વયોજીત કાવત્રાના ભાગ રૂપે કરાયેલી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જો. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ એચ. એમ. ગઢવી અને ટીમને આગળની તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે આરોપીઓને પકડી ધોકા-પાઇપ-તલવાર-ધારીયા સહિતના હથીયારો કબ્જે લીધા હતાં. ક્ષત્રિય ભાઇઓ તેની જમીનમાં જતાં કોળી શખ્સોએ કાવત્રુ રચી હુમલો કર્યો હતો. આ બનાવમાં કાવત્રામાં મદદ કરનાર અક્ષિત છાંયાનું પણ નામ સામેલ છે. તેની ધરપકડ હજુ બાકી છે.

દરમિયાન આજે રિમાન્ડ પર રહેલા નાથા વાઢેર તથા તેના બે દિકરા રોનક અને ભુપતે ઠેબચડામાં ઘટના સ્થળે ક્રાઇમ બ્રાંચની ટીમ સમક્ષ હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરી બતાવ્યું હતું. કઇ રીતે ઉભા મોલમાં છુપાયા હતાં અને કઇ રીતે કયાંથી તૂટી પડ્યા? તેનું નિદર્શન કરી બતાવ્યું હતું.

(3:59 pm IST)