Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

પરાપીપળીયાના પાટીયે અર્ટિગા ડિવાઇડરમાં અથડાઇને પલ્ટી ગઇઃ ભાઇ-બહેનને ઇજા

કોઠારીયા સોલવન્ટમાં રહેતાં ઓમકાર વ્યાસ (ઉ.૧૫) અને બહેન દેવાંશી વ્યાસ (ઉ.૧૯) શાળા-કોલેજથી છુટીને કોઇની સાથે જતા'તા ત્યારે બનાવઃ ચાલકનો બચાવઃ બહેનને ગંભીર ઇજાઃ બંને છુટીને મિત્રો સાથે કયાંક જતી વખતે બનાવ

અથડાયેલી કાર ભાઇશંકર વેલજીભાઇ પુરોહિત (રહે. અજંતા સોસાયટી રામધામ પાસે, કાલાવડ રોડ)ના નામે નોંધાયેલી

રાજકોટ તા. ૩: જામનગર રોડ પર પરા પીપળીયાના પાટીયા પાસે સન્ની પાજી દા ધાબા નજીક અર્ટિગા કાર રોડ ડિવાઇડરમાં અથડાઇને પલ્ટી મારી જતાં ભારે નુકસાન થયું હતું. તેમાં બેઠેલા કોઠારીયા સોલવન્ટ ગુ.હા. બોર્ડ કવાર્ટરના બ્રાહ્મણ પરિવારના ભાઇ-બહેનને ઇજા થઇ છે. જેમાં બહેનને ગંભીર ઇજા પહોંચી છે. બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. શાળા-કોલેજમાંથી બંને ભાઇ બહેન બપોરે છુટ્યા બાદ ઘરે જવાને બદલે કોઇ મિત્રો સાથે કામ સબબ કે જમવા માટે કારમાં જતા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકનો બચાવ થયો હતો. આ બધા કઇ તરફ જતાં હતાં અને કાર કોણ ચલાવતું હતું? તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ પરાપીપળીયાના પાટીયે જીજે૦૩એચએ-૯૫૩૭ નંબરની અર્ટિગા કાર ડિવાઇડરમાં અથડાઇને પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા કોઠારીયા સોલવન્ટ ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં ઓમકાર સંજયભાઇ વ્યાસ (ઉ.૧૫) અને તેના બહેન દેવાંશી સંજયભાઇ વ્યાસ (ઉ.૧૯)ને ઇજાઓ થતાં બંનેને ૧૦૮ના ઇએમટી હિરેનભાઇ અને પાઇલોટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

અકસ્માત સ્થળે હાજર લોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ કાર સન્નીપાજી દા ધાબા નજીક ડિવાઇડર સાથે અથડાઇ બાદ પલ્ટી ખાઇ ગઇ હતી. અંદરથી છોકરો-છોકરી કાચ તોડીને બહાર નીકળ્યા હતાં. ચાલકને ઇજા થઇ નહોતી.

દેવાંશીને ગંભીર ઇજા પહોંચી હોઇ તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. જ્યારે ભાઇ ઓમકારને કાન પાસે તથા શરીરે મુંઢ ઇજાઓ થઇ છે. દેવાંશી ગોંડલ રોડ પર સર્વોદય કોલેજમાં પ્રથમ વર્ષમાં ભણે છે અને ઓમકાર જસાણી સ્કૂલમાં ધો-૧૦માં ભણે છે. બંને ભાઇ બહેન ઘેરથી એક જ એકટીવામાં શાળા-કોલેજે જાય છે. ભાઇને મુકીને બહેન કોલેજ જાય છે અને છુટતી વખતે તેને તેડતી જાય છે.

આજે બપોરે બંને શાળા-કોલેજમાંથી છુટ્યા બાદ કોઇ મિત્રો સાથે અર્ટિગા કારમાં બેસીને નીકળ્યા હતાં અને પરા પીપળીયાના પાટીયે અકસ્માત સર્જાયો હતો. કારનો ચાલક કોણ હતો? તે અંગે તપાસ થઇ રહી છે. આરટીઓમાં અર્ટિગા કાર નં. જીજે૦૩એચએ-૯૫૩૭ ભાઇશંકરભાઇ વેલજીભાઇ પુરોહિત-રહે. કાલાવડ રોડ અજંતા સોસાયટી, રામધામ પાસેના નામે રજીસ્ટર્ડ થયેલી છે.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતાં એએસઆઇ જયસુખભાઇ હુંબલે તપાસ હાથ ધરી છે.

(3:41 pm IST)