Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કેકટસના સંગ્રહ અને ઉછેર થકી રાજકોટના ઇલાબેન આચાર્યની ઓળખ દેશ-વિદેશમાં પહોંચી

પ્લાસ્ટીક પ્રતિબંધ અને બગીચાની સાર સંભાળના પ્રચાર પ્રસાર બદલ અનેક વખત સન્માનિત

રાજકોટ તા. ૩ : તાજેતરમાં લોકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવા રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પ દિવસીય 'ફલાવર શો' નું આયોજન કરાયુ હતુ. જેમાં ઇલાબેન મુકુલભાઇ આચાર્યએ કેકટસ અને બોનસાઇના છોડ રજુ કરી લોકોમાં સારી ચાહના હાંસલ કરી લીધી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે ઇલાબેન (મો.૯૮૨૪૫ ૧૪૭૬૩) ના આ કેકટસ સંગ્રહ અને ઉછેરની પ્રવૃત્તિ તેમજ બોનસાઇ પધ્ધતિનું જ્ઞાન મેળવવા દેશ વિદેશના લોકો રસ દાખવી રહ્યા છે.  ખાસ કરીને રસોડામાંથી શાકભાજી અને ફળના છાલ છીલકા ફેંકી દેવામાં આવે છે તેમાંથી પણ અદ્દભુત ખાતર તૈયાર કરવાની પધ્ધતિ તેમણે વિકસાવી છે. બગીચાની માવજત અને સુશોભન માટે શું કરવું તેની આખી રૂપરેખા તેઓએ તૈયાર કરી છે. જુદા જુદા સ્થળોએ વર્કશોપ યોજીને તેઓ આ બધી માહીતી પીરસી રહ્યા છે.

ઇલાબેને વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ માં પણ મ્યુ. કોર્પો. યોજીત ફલાવર શો માં ભાગ લીધો હતો. ઘર આંગણાનાં બગીચાની જાળવણીની સ્પર્ધામાં તેઓ પ્રમથ ક્રમાંકે આવતા તત્કાલીન મ્યુ. કમિશ્નર બંછાનીધી પાણી તથા પાર્ક એન્ડ ગાર્ડનના ડાયરેકટર કે. ડી. હાપલીયાની ઉપસ્થિતીમાં  રાજયના મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ.

પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા અને પ્રદુષણથી પર્યાવરણને બચાવવા સતત હીમાયત કરતા રહેતા ઇલાબેન ૨૦૨૦ ના ફલાવર શો માં પણ છવાય ગયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિજી, ડો. અવિનાશ મારૂ, ઓર્થોપેડીક સર્જન ડો. ઘનશ્યામ આચાર્ય, પ્રિન્સીપાલ અને ડીન આત્મીય કોલેજ તેમજ બાગાયત ખાતાના અધિકારીઓએ ઇલાબેનના સ્ટોલની મુલાકાત લઇ પ્રસંશા કરી હતી.

તાજેતરમાં રાજયના બાગાયત ખાતા દ્વારા તેમની આ નિસ્વાર્થ સેવાની નોંધ લઇ પ્રશસ્તીપત્ર એનાયત કરવામાં આવેલ.

(3:37 pm IST)