Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કેન્સરના રોગમાં સારવાર સાથે હકારાત્મક અભિગમથી સારા પરિણામ મળી શકેઃ ડો.બબીતા હપાણી

પ્રગતિ હોસ્પીટલ દ્વારા કેન્સર દિવસ નિમિતે યુવાનો માટે સેમીનાર વોકથોન યોજાઇઃ કેન્સરમાંથી સંપૂર્ણ સાજા થયેલા દર્દીઓના સન્માન કરવામાં આવ્યા

પ્રગતિ હોસ્પીટલ દ્વારા વિશ્વ કેન્સર દિવસ નીમીત્તે લોકજાગૃતી અર્થે યોજાયેલ યુવાનોના સેમીનાર તથા વોકાથોન પ્રસંગની તસ્વીરી ઝલક

રાજકોટ તા.૩: કેન્સર પણ બીજા રોગની જેમ એક રોગ જ છે, દર્દીએ કેન્સર સ્વીકારી તેની યોગ્ય સારવાર કરાવવી જોઇએ. કેન્સરની હિંમત પૂર્વક સામનો કરી યોગ્ય અને સમયસરની સારવાર કરાય તો મોટા ભાગના કેન્સર મટી શકે છે. એમ પ્રગતિ હોસ્પિટલના સૌરાષ્ટ્રના જાણીતા લોહી, રોગ અને કેન્સરના નિષ્ણાંત ડો.બબીતા હપાણીએ જણાવ્યું હતું. તેમના મતે કેન્સરથી ગભરાવાની જરૂર નથી હવે અદ્યતન સારવાર ઉપલબ્ધ છે ત્યારે દર્દીએ યોગ્ય સારવાર કરાવવી જોઇએ.

આગામી તા.૪થી ફેબ્રુઆરી ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ કક્ષાએ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવે છે. ''I am, I will'' ના ધ્યેય સાથે કેન્સર વિષે લોકોને જાગૃત કરવા આ દિવસે વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. પ્રગતિ હોસ્પિટલ દ્વારા કેન્સર ડેના અનુસંધાને આજે લોક જાગૃતિ અર્થે વોકાથોન સાથે યુવાનો માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના જાણીતા ઓન્કોલોજીસ્ટ અને હીમેટોલોજીસ્ટ ડો.બબીતા હપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કેઃ વ્યસનો ઉપરાંત પ્રદુષણ, ઓબેસીટી, અનિયમીત અને તાણભરી લાઇફ સ્ટાઇલના કારણે અત્યારે કેન્સરના દર્દીઓ વધ્યા છે. જો કે મેડીકલ ક્ષેત્રે પણ અદ્યતન શોધના કારણે કેન્સરની સારવાર ક્ષેત્રે પણ અનેક પરીણામલક્ષી વિકલ્પો ઉપલબ્ધ બન્યા છે જે દર્દી માટે આશીર્વાદ રૂપ છે. હવે મોટા ભાગના કેન્સરમાં યોગ્ય અને પધ્ધતિસરની સારવારથી રોગ મુકત બની શકાય છે. કેન્સરના દર્દીએ હકારાત્મક અભીગમ અપનાવી નિષ્ણાંત તબીબની સારવારમાં યોગ્ય સહકાર આપવો જોઇએ, સાથે સાથે દર્દીના પરિવારજનો અને સગા-સંબંધીઓએ પણ દર્દી સાથે આત્મીયતા સાથે પોઝીટીવ વર્તન કરવાથી સારવારમાં ઘણા સારા પરીણામ મળી શકે છે. દર્દી માટે મેડીકલ સારવાર સાથે આસપાસના લોકોનો હુંફાળો વહેવાર અને કસરત પણ જરૂરી છે. ડો. બબીતા હપાણીએ કેન્સરની સારવાર વિષે વિસ્તૃત માહિતી આપવા સાથે લોકોને કેન્સરથી બચવા વ્યસન મુકત રહો, નિયમીત કસરત કરો, સાત્વીક ખોરાક લો, માનસીક તાણથી દુર રહો, નિયમીત જીવન જીવો એવી સલાહ આપી હતી.

પ્રગતિ હોસ્પિટલ દ્વારા વિશ્વ કેન્સર દિવસ અનુસંધાને બાલભવન પાસે યોજાયેલ જાહેર કાર્યક્રમમાં સનસાઇન કોલેજના યુવાનોએ ઝુંબા ડાન્સ કરી કસરતનું મહત્વ સમજાવ્યું હતું. યુવાનોએ રેસકોર્ષ રીંગ રોડ પર વોકાથોન કરી હતી. કેન્સર વિષે લોકોને જાગૃત કરતા સ્લોગન સાથેના પ્લેકાર્ડ સાથે યુવાનોએ વોકાથોન કરી હતી. મહિલા અગ્રણી શ્રીમતિ અંજલીબેન રૂપાણી અને રાજકોટના મેયર બિનાબેન આચાર્યએ વોકાથોનનું ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે જાણીતા મહિલા અગ્રણી શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે, કેન્સર એટલે કેન્સલ નહિ, હવે કેન્સરની અદ્યતન સારવાર ઉપલબ્ધ છે ત્યારે લોકોએ જાગૃત બનવું જરૂરી છે કેન્સરનું વહેલુ નિદાન થાય તો ખૂબ સારી સારવાર થઇ શહે અને હવે અદ્યતન સારવારના કારણે મોટા ભાગના કેન્સરના દર્દીઓ સંપૂર્ણ રોગ મુકત થઇ શકે અને હવે અદ્યતન સારવારના કારણે મોટા ભાગના કેન્સરના દર્દીઓ રોગ મુકત થઇ નોર્મલ જીવન જીવતા જોવા મળે છે. તેમણે યુવાનોને શીખ આપી હતી કે તેઓ સમાજમાંં કેન્સર વિષે ફેલાતો ભય-ભ્રમ દુર કરવામાં સારી ભુમીકા ભજવી શકે.

પ્રગતિ હોસ્પીટલ દ્વારા યુવાનો માટે સેમીનાર, વોકાથોન વગેરે લોક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, પ્રગતિ હોસ્પીટલના ડો. અમિત હપાણી, ડો. અંકુર સીણોજીયા, સનશાઇના કોલેજના ડાયરેકટર ડો. વિકાસ અરોરા, કાજલબેન, ડો. અજય મહેતા, ડો. તેજલ મહેતા, નિલેશ દોશી, મીનુબેન દોશી, કેતનભાઇ ગોંડલીયા, વિજય મહેતા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રબળ ઇચ્છાશકિત અને દ્રઢ મનોબળ ધરાવનાર કેન્સર રોગમાંથી સંપૂર્ણ સાજા થઇ ગયેલા દર્દીઓના બહુમાન કરવામાં આવ્યા હતા. અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય તથા આગેવાનોના હસ્તે કેન્સર મુકત થયેલા દર્દીઓના સન્માન કરી તેમના અનુભવો શેર કરવામાં આવ્યા હતા.

ઝુંબા ટ્રેનીંગ સેશન દ્વારા કસરતની ઉપયોગીતા માટે  ડો. મુળરાજસિંહ ઝાલા (MZફીટનેશ) દ્વારા સરસ રજુઆત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન આર.જે.વિનોદ (BigFM) એ કર્યું હતું.

કાર્યક્રમના આયોજન માટે પ્રગતિ હોસ્પીટલના ડો અમિત હપાણી અને ડો. બબીતા હપાણી સનશાઇન કોલેજના ડો. વિકાસ અરોરાના માર્ગદર્શન હેઠળ કેતનભાઇ વાઢેર, સુમિત થાપા, સંજયભાઇ નાથાણી, સંજયભાઇ પરમાર,ડો. દેવાંગી ફિચડીયા, ઉષ્મા રાજાણી, દિનેશભાઇ બોરીચા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:37 pm IST)