Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ઐતિહાસિક વારસા સમાન મણિયાર હોલના રિનોવેશનની રજુઆત અભેરાઇએ ચડાવી દેતુ તંત્ર

પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા ૪ મહિના અગાઉ રજુઆત કરાયેલ છતાં કોઇ કાર્યવાહી નહીં : સામાન્ય લોકોને પરવડે તેવા એક માત્ર હોલની હાલત ખંઢેર સમાન

રાજકોટ તા. ૩ :.. શહેરનાં ઐતિહાસીક જયુબેલી બાગમાં આવેલ ઐતિહાસીક વારસા સમાન શ્રી અરવિંદભાઇ મણીયાર હોલનું રિનોવેશન કરવાની રજૂઆતને ૪-૪ મહીના થવા છતાં તંત્ર વાહકોએ કોઇ કાર્યવાહી નહી થતાં આ રજૂઆતને તંત્રએ અભેરાઇએ ચડાવી દીધાનું ચર્ચાઇ રહી છે.

આ અંગેની વિગતો મુજબ પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ ગઇ તા. ૧ ઓકટોબર ર૦૧૯ નાં રોજ અરવિંદભાઇ મણીયાર હોલનું રિનોવેશન કરાવવા રજૂઆત કરેલ.

આ રજૂઆતમાં જણાવાયુ હતું કે સૌરાષ્ટ્ર અને રાજકોટની ઐતિહાસીક ધરોહર સમો ને રાજકોટનો પ્રથમ હોલ કહી શકાય. એવા અરવિંદભાઇ મણીયાર હોલ દેશની આઝાદી પહેલા અને દેશની આઝાદીબાદનાં અનેક ઇતિહાસના ચડાવ-ઉતારનો સાક્ષી બની ઉભો છે. પરંતુ સ્માર્ટ સીટીની વાતો કરનાર મ.ન.પા.નું તંત્ર આ ઐતિહાસીક હોલ પ્રત્યે ભયંકર ઉદાસીનતા અને લાપરવાહી દાખવી રહયું છે. જેનાં કારણે આ ઐતિહાસીક સ્મારક દિવસે-દિવસે ખરાબ હાલતમાં તબદિલ થઇ રહ્યું હોય તેવી લાગણી શહેરની જનતા અનુભવી રહી છે ત્યારે આ ઐતિહાસિક વારસાની જાળવણી અને જતન કરવું ખૂબ જરૂરી હોય છેલ્લા બે વર્ષથી આ હોલ રાજકોટ મહાનગર પાલિકાની સીધી દેખરેખ નીચે સંચાલન થાય છે અનેક વખત લાખો રૂપિયા પગાર ખાતા એન્જિનીયરો મારફત આ હોલના સમારકામના સર્વે કરવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કાર્યનું શુભ મુહુર્ત કાઢી શકાયું નથી. ત્યારે આ હેરિટેઝ હોલનું સમારકામ કરાવવા રજૂઆત છે. (૧) સમગ્ર હોલમાં મૂકવામાં આવેલ ખુરશીઓમાંથી મોટાભાગની ખુરશીઓ તૂટેલ ફૂટેલ હાલતમાં છે. જે પાયાથી જ રીનોવેશન કરવું પડે તેમ છે. (ર) હોલની છતમાં ફીટ કરવામાં આવેલ લાઇટોમાંથી મોટાભાગની લાઇટો (એલઇડી સહિત) બંધ હાલતમાં છે. (૩) હોલમાં દરવાજા પાસે મૂકવામાં આવેલી ગ્રીલ (લોખંડ જાળી) કાટ ખાય ગયેલ હાલતમાં અને તૂટેલ-ફૂટેલ તેમજ ખોલવા-બંધ કરવામાં ખૂબજ તકલીફ કરાવે છે જે તાકીદે બદલવાની જરૂર છે. (૪) હેરિટેઝ હોલમાં દિવાલોમાં ખૂબ જ ભેજ આવતો હોય છતમાં પણ ભેજ આવતો હોય જે ધ્યાને લઇ સર્વે કરી સમગ્ર હોલનું રીનોવેશન કરવું ખૂબ જરૂરી છે. (પ) આ હેરિટેઝ હોલમાં ટોયલેટ-બાથરૂમ અને સમગ્ર હોલની સફાઇ અને આધુનિક પદ્ધતિની વ્યવસ્થાથી સાફ સફાઇ કરાવવી ખૂબજ જરૂરી છે. (૬) આ હેરીટેઝ હોલની બાજુમાં આવેલ ઐતિહાસિક ગાર્ડનમાં આવેલ છત્રી તેમજ અન્ય બાલ ક્રિડાંગણના સાધનો તૂટ-ફૂટ થઇ ગયેલા હોય અને સમગ્ર જાળવણી થાય નિયમિત સફાઇ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી.  આમ ઉપરોકત તમામ બાબતોની મુદાસર રજૂઆતો ગાયત્રીબા દ્વારા ૪ મહીના અગાઉ થઇ હતી. છતાં આજની તારીખે અરવિંદભાઇ મણીયાર હોલની હાલત ખંઢેર સમાન છે.

(3:28 pm IST)