Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

આળસ ખંખેરોઃ બાકી મિલ્કત વેરો વસુલવા કામે લાગોઃ ઉદિત અગ્રવાલ લાલઘુમ

હરરાજી, સીલીંગ નળ -ડ્રેનેજ કનેકશન કપાત સહિતની કાર્યવાહી હાથ ધરાશે : બાકીદારોના નામનુ લીસ્ટ KED સ્કીન અને વેબસાઇટમાં પ્રસધ્ધિ કરાશે : ૧૮ ટીમની રચનાઃ ૩૦૦ કર્મચારીઓને જોતર્યાઃ વેરા શાખાની બેઠક બોલાવી

રાજકોટ,તા.૩:  મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત અનુસંધાને આજ રોજ સેન્ટ્રલ ઝોન, મીટીંગ હોલ ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે એક ખાસ મીટીંગ યોજી હતી, જેમાં તમામ નાયબ મ્યુનિ. કમિશનરઓ સહિતના ટેકસ વિભાગના તમામ સહાયક કમિશનરઓ, વોર્ડ ઓફિસરઓ, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં મ્યુનિ. કમિશનર એ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. જેમાં જે કરદાતાઓનો ટેકસ એક લાખ રૂપિયા કે તેથી વધુ બાકી હોય તેવા તમામ મિલકતધારકોની મિલકત સીલ કરવાની મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તેમજ આવતા સપ્તાહમાં ૨૪ મિલકતોની જાહેર હરાજી કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે મ્યુનિ. કમિશનરએ આજની મહત્વપૂર્ણ બેઠકમાં થયેલી ચર્ચા વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી જ બાકી મિલકત વેરાની રિકવરી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે નાગરિકોએ પોતાની મિલકત પરનો વેરો ચૂકવવાનો બાકી હોય તેઓએ સત્વરે વેરો ભરપાઈ કરી આકરા પગલાંઓ ટાળવા જોઈએ.

વધુમાંકમિશનર  ટેકસ રિકવરી અભિયાન વિશે કરાયેલા આયોજન વિશે કહ્યું હતું કે, શહેરના તમામ ૧૮ વોર્ડ માટે એક એક એમ કુલ મળીને ૧૮ ટીમોની રચના કરવામાં આવેલ છે. ટેકસ રિકવરી અભિયાનમાં ટેકસ બ્રાંચ સિવાયના અન્ય ડીપાર્ટમેન્ટના કુલ ૩૦૦ કર્મચારીઓને પણ જોડવામાં આવી રહ્યા છે. સાથોસાથ આ કામગીરીમાં સામેલ તમામ ટીમોને પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવશે.

મ્યુનિ. કમિશનર એ વધુમાં ડિફોલ્ટરોને તાકીદ કરતા ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી પછી પણ બાકી ટેકસ નહીં ચૂકવનારા આસામીઓના રહેણાંક મકાનના ડ્રેનેજ અને પાણીના કનેકશન કાપી નાંખવામાં આવશે. જયારે કોમર્શિયલ પ્રોપર્ટીમાં ડ્રેનેજ અને પાણીના કનેકશન 'સીલ' કરી દેવામાં આવશે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેકસ ડિફોલ્ટરોના નામો શહેરમાં રહેલી મનપાની તમામ એલ.ઈ.ડી. સ્ક્રીન પર જાહેર કરવામાં આવનાર છે. રૂ. ૧ લાખથી વધુ રકમનો ટેકસ બાકી છે તેવા તમામ ડિફોલ્ટરોનાં નામ સહિતની વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટમાં પણ પ્રસિદ્ઘ કરવામાં આવશે.

(3:26 pm IST)