Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

લક્ષ્મીનગર અંડરબ્રીજ માટે ઝુંપડપટ્ટીનું થશે ડિમોલીશનઃ ૪૦૦ને નોટીસ

રેલ્વેની જમીનના પટ્ટમાં રહેલી વર્ષો જુની ઝુપડપટ્ટી દુર કરવા કવાયતઃ રસ્તા ઉપર ભરાતી રેકડી બઝાર હટાવવા જગ્યા રોકાણ વિભાગની કાર્યવાહીઃ ઝુપડાવાસીઓનું ટોળુ રજુઆત માટે ભુલથી રેલ્વેને બદલે મ્યુ.કોર્પોરેશને દોડી ગયું

રાજકોટ તા. ૩ : શહેરના લક્ષ્મીનગર નાલા ખાતે મ્યુ.કોર્પોરેશન અને રેલ્વે દ્વારા અંડરબ્રીજ બનાવવા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે જેના ભાગરૂપે લક્ષ્મીનગર નાલાની બાજુમાં આવેલ  વર્ષો જુની ઝુપડપટ્ટીને દુર કરવા માટે ૪૦૦ જેટલા ઝુપડાવાસીઓને નોટીસો આપવામાંં આવી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીનગર નાલામાં મોટો અંડરબ્રીજ બનાવવા માટે મ્યુ.કોર્પોરેશન દ્વારા રેલ્વેમાં રપ કરોડ ભરી દીધા છે હવે રેલ્વે દ્વારા આ અંડરબ્રીજ બનાવવા કવાયત શરૂ કરી દીધી છે ટેન્ડરો પ્રસિદ્ધ કરી દેવાયા છે.

દરમિયાન હવે આ અંડરબ્રીજ મોટો બનાવવા માટે નાલા આસપાસ રેલ્વેની જમીનમાં રહેલી વર્ષો જુની ઝુપડપટ્ટીનું ડીમોલીશન કરવુ પડે તેમ હોઇ રેલ્વે તંત્ર દ્વારા અંદાજે ૪૦૦ જેટલા ઝુપડાવાસીઓને જાતેજ તેઓનું દબાણ દુર કરી જગ્યા ખાલી કરી આપવા નોટીસો અપાઇ  છે.

આમ એકાએક આ પ્રકારે ડિમોલીશનની નોટીસો આવતા આજે અંદાજે પ૦ થી ૬૦ જેટલા ઝુપડાવાસી ભાઇ-બહેનોનું ટોળુ રજુઆત માટે મ્યુ.કોર્પોરેશનનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી ગયું હતું પરંતુ ત્યાં ટી.પી.વિભાગના અધિકારીઓએ ઝુપડા વાસીઓને સમજણ આપી હતી કે ઝુપડપટ્ટી વાળી જમીન રેલ્વેની છે.

એટલે આ નોટીસ મ્યુ.કોર્પોરેશને નથી આપી પરંતુ રેલ્વેએ આપી છે. આ ડિમોલીશન મ્યુ.કોર્પોરેશન નહી પરંતુ રેલ્વે તંત્ર દ્વારા થશે આમ ભૂલથી અસરગ્રસ્તોનું ટોળુ મ્યુ.કોર્પોરેશનને ધસી ગયુ હતું. જો કે મ્યુ.કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખા દ્વારા લક્ષ્મીનગર નાલા પાસે ભરાતી રાત્રી રેકડી બજારને દુર કરવા જપ્તીની કાર્યવાહી શરૂ કરી દેવાઇ હોવાનંુ મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું.

(3:26 pm IST)