Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ફુલગુલાબી બજેટ વિકાસને વેગ આપશે

વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા અપાયેલ મંતવ્યો : મંદી - બેરોજગારીના મુદ્દા સિવાયના પગલા વખણાયા

રાજકોટ તા. ૩ : કેન્દ્ર સરકારનું રજુ થયેલ બજેટ અંગે વિવિધ ક્ષેત્રના આગેવાનોએ આપેલ મિશ્ર પ્રતિભાવો અહીં પ્રસ્તુત છે.

સર્વ સમાવેશક પ્રગતિશીલ બજેટ : રાજુભાઈ ધ્રુવ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારનાં ગરીબો, ખેડૂતો, નોકરિયાતો તેમજ મધ્યમ વર્ગને ભારે રાહત આપતા વિકાસલક્ષી બજેટને ઉમળકાભેર વધાવતા ભાજપ અગ્રણી અને પક્ષ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, કેન્દ્રીય બજેટ ભારતનાં વિકાસને વેગવંતુ બનાવનારૂ છે. કૃષિ, ગ્રામીણ વિકાસ, શિક્ષણ, રોજગારી અને આરોગ્ય આ પાંચ ક્ષેત્રોના પડકારને પહોંચી વળવા નાણામંત્રીશ્રીએ  જે હામ ભીડી છે તે અભૂતપૂર્વ છે. આ બજેટ તમામ વર્ગ માટે ઉપયોગી સાબિત થશે અને લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરશે. ખેડૂતોની દશા સુધારવા માટે, ગ્રામીણોને રોજગાર અને ઘર ઉપલબ્ધ કરાવવા બજેટમાં મોટા પગલા લેવાયા છે. સામાન્ય માનવીને મોટી રાહત આપવામાં આવી છે. જેમ કે ૨.૫ લાખ રૂપિયા સુધીની આવક કરમુકત રહેશે. વીજ ગ્રાહકોને માટે પ્રિપેઇડ મીટર્સ અને ૨૭ હજાર કિલોમીટરના રેલ્વે ટ્રેકનું વીજળીકરણ વગેરે આવકારદાયક પગલા છે.૨.૮૩ લાખ કરોડ કૃષિ ક્ષેત્ર, ૧૦૦ લાખ કરોડ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર, ૯૯૩૦૦ કરોડ રૂપિયા શિક્ષા ક્ષેત્ર, ૬૯૦૦૦ કરોડ આરોગ્ય ક્ષેત્ર, ૨૨૦૦૦ કરોડ ઉર્જાક્ષેત્ર, ૬૦૦૦ કરોડ નેટ ક્ષેત્ર, ૧૪૮૦ કરોડ ટેકસટાઈલ્સ ક્ષેત્ર, ૯૫૦૦ કરોડ વરિષ્ઠ નાગરિકોની યોજના માટે ફાળવવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ અને પછાતવર્ગના કલ્યાણ માટે ૮૫ કરોડ અને આદિવાસી જાતિ માટે ૫૩૭૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભારતનાં બજેટ-૨૦૨૦માં ગુજરાતને વિશેષ ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકાર તરફથી મળી  હોય એકંદરે આ બજેટ સર્વસમાવેશક અને પ્રગતિશીલ બજેટ હોવાનું અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે.

બજેટમાં કૃષિ વિકાસ લક્ષી અનેક યોજનાઓ : વિજય કોરાટ

કેન્દ્ર સરકારના બજેટમાં ખેતી વિકાસ માટે પુરતું ધ્યાન કેન્દ્રીત કરાયુ હોય તેમ રૂ.૧.૬ લાખ કરોડની સિંચાઇ જોગવાઇ સાથે અને કૃષિ લક્ષી યોજનાઓ સાકાર કરવામાં આવી છે. રેલ, કૃષિ, ઉડાન યોજના, મહીલા ખેડુત માટે ધન્ય લક્ષ્મી યોજના, કુસુમ યોજના તળે ૨૦ લાખ ખેડુતોને સોલાર સાથે જોડવાનો પ્રયાસ, દરેક જિલ્લામાં કોલ્ડસ્ટોરેજ અને ગોડાઉન વધારવાની યોજના જોતા એકંદરે કૃષિલક્ષી અને આવકારદાયી બજેટ ગણી શકાય તેમ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટે જણાવ્યુ છે.

લાભદાયી યોજનાઓથી દીપી ઉઠતુ બજેટ : વિનોદ પાનેલીયા

જાણીતા એડવોકેટ વિનોદ એ. પાનેલીયાએ બજેટ વિશ્લેષણ રજુ કરતા જણાવ્યુ છે કે કેન્દ્રનું વર્ષ ૨૦૨૦ નું બજેટ લાભદાયી એકંદરે આવકાર દાયક છે. જોગવાઇઓમાં ઓર્ગેનિક માર્કેટ, જૈવિક ખેતી માટે પોર્ટલ, પંચાયત સ્તરે કોલ્ડ સ્ટોરેજ, ઓપ્ટીકલ ફાઇબરથી ૧ લાખ પંચાયતોને જોડવાની વાત, ઘરોમાં પ્રી-પેઇડ વીજળી મીટર, સ્વચ્છ ભરત મિશન માટે માતબર રકમની ફાળવણી, પ લાખ સુધીની આવક કરમુકત જાહેર કરવા સહીતના નિર્ણયો ઉડીને આંખે વળગે તેવા હોવાનું એડવોકેટ વિનોદ પાનેલીયાએ જણાવેલ છે.

બેરોજગાર કે મંદી નાથાવા કોઇ પગલા નથી : કિશોરભાઇ કોરડીયા

કેન્દ્ર સરકારના નાણા પ્રધાન નિર્મલા સીતારામને રજુ કરેલ બજેટમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા ૯૯૩૦૦ કરોડની કરાયેલ જોગવાઇ વિદ્યાર્થી જગત માટે આશીર્વાદરૂપ બની રહેશે. તેમ બજેટને આવકારતા જૈન અગ્રણી કિશોરભાઇ કોરડીયાએ જણાવેલ છે. પ લાખ સુધીની આવક ટેકસ મુકત, પ લાખ સુધીની રકમને સુરક્ષા કવચ વગેરે આવકાર્ય બાબત છે. પરંતુ સામે બેરોજગારી નાથવા કે મંદીને મહાત કરવા કોઇ સચોટ ઉપાય સુચવાનો નથી તે થોડુ ખુંચે તેમ હોવાનું શ્રી કોરડીયાએ જણાવ્યુ છે.

એકંદરે ફુલગુલાબી પુરવાર થતુ બજેટઃ એડવોકેટ પોપટ

નાણામંત્રીશ્રીએ રજુ કરેલ બજેટમાં  પ લાખ સુધીની આવક કરમુકત કરવા સાથે પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડીડકશન રૂ. પ૦ હજાર સુધી કરવાની દરખાસ્ત તેમજ બેંક વ્યાજ હાલમાં રૂ.૧૦ હજાર સુધી બાદ મળતુ તે રૂ.૫૦ હજાર કરી નખાતા કર ભરનારા લોકો માટે બજેટ ફુલગુલાબી પુરવાર થયાનું એડવોકેટ અશ્વિનભાઇ જે. પોપટે જણાવી સરસ પ્રયાસ બદલ સરકારને અભિનંદનીય ગણાવેલ છે.

કૃષિ માટે આંખે વળગે તેવું ઉદારીકરણ : કકકડ બંધુઓ

કોર્પોરેટ સલાહકાર કંપની સેક્રેટરી વૈભવ કકકડ અને કરવેરા સલાહકાર એડવોકેટ અભિષેક કકકડે નાણામંત્રી સીતારામન દ્વારા રજુ થયેલ બજેટને વૈશ્વિક મંદીના માહોલમાં અનેક રાહતો વર્ષાવતુ ગણાવેલ છે. ખેડુતોની આવક વધારવા સોલાર સીસ્ટમ ફાળવી વધારાની વિજળી મહતમ ભાવે ખરીદવાનો નિર્ણય જોતા કૃષિ માર્કેટમાં ઉદારીકરણ સ્પષ્ટ થઇ રહેલ છે.

 પી.એમ. ફસલ યોજના હેઠળ ૧૧૦૦૦ કરોડના લાભ, સીવીલ એવીએશન દ્વારા કિસાન ઉડાન સ્થાપવાની વાત, જલ જીવન મિશન, લોકોના સ્વાસ્થ્ય માટે આયુષ્યમાન ભારત યોજના તળે ૨૦,૦૦૦ ખાનગી હોસ્પિટલ સાથે જોડાણ વગેરે બાબતો આવકારદાયી ગણી શકાય. નવા રોડ બનાવવાની જોગવાઇ, ૨૭૦૦૦ કી.મી. સુધી ઇલેકટ્રીક વાયર લંબાવવા, ટ્રેન ટ્રેક પાસે સોલાર પેલન લગાવી વિજળીનું ઉત્પાદન, ઘરેલુ વિજળીમાં પ્રી-પેઇડ મીટર વગેરે જોગવાઇ જોતા બજેટ સર્વસ્વીકાર્ય ગણી શકાય તેમ વૈભવભાઇ કકકડ અને અભિષેકભાઇ કકકડે જણાવેલ છે.

(3:23 pm IST)