Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

જંગલેશ્વરના ચિકનના ધંધાર્થી ઇરફાન સુમરાને ૧.૪૫ લાખના વ્યાજ માટે ૪ શખ્સોની ધમકી

નક્કી થયેલુ વ્યાજ ચુકવ્યું છતાં વધુ માંગી હેરાનગતીઃ જીશાન, હાજી, અહેમદ અને ઇકબાલ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૩: વ્યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. જંગલેશ્વરમાં રહેતાં ચીકનના ધંધાર્થી મુસ્લિમ યુવાને ધંધા માટે અને પિતાજીની બિમારીની સારવાર માટે અલગ-અલગ ચાર લોકો પાસેથી જુદી-જુદી રકમ મળી કુલ રૂ. ૧,૪૫,૦૦૦ વ્યાજે લઇ વ્યાજ ચુકવ્યું હોવા છતાં કયારેક હપ્તો ભરી શકાયો ન હોઇ તેના બદલામાં વધુને વધુ વ્યાજ માંગી ઘરે આવી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસે  ૪ શખ્સો સામે મનીલેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

 

આ મામલે ભકિતનગર પોલીસે જંગલેશ્વર ન્યુ સાગર-૮માં રહેતાં અનેે ૮૦ ફુટ રોડ પર તમન્ના ચિકન નામે રેંકડી રાખી ધંધો કરતાં ઇરફાન ઇસ્માઇલભાઇ સુમરા (ઉ.૩૨)ની ફરિયાદ પરથી જીશાન સલિમભાઇ અજમેરી, હાજી આઇ. અજમેરી (પોપટપરા), અહેમદ કાદરી-રાજકોટ અને ઇકબાલ જુનાગઢી-ગણેશનગર રાજકોટ વિરૂધ્ધ આઇપીસી ૩૮૪, ૫૦૬ (૨), ૫૦૪, મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ઇરફાને એફઆઇઆરમાં જણાવ્યું છે કે મેં ખાણીપીણીની રેકંડી ચાલુ કરવા માટે દેવપરામાં આવેલી એકતા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં બેસતાં જીશાન અજમેરી પાસેથી રૂ. ૩૦ હજાર વ્યાજે લીધા હતાં. તેણે તેમાંથી ૬૦૦૦ કાપીને બાકીના મને આપ્યા હતાં. તેમજ સિકયુરીટી પેટે મારી પાસેથી નાગરિક બેંકનો કોરો સહિ કરેલો ચેક લીધો હતો. રોજના રૂ. ૩૦૦ લખેને મારે સો દિવસ સુધી વ્યાજ ચુકવવાનું હતું. જે નિયમીત ચુકવ્યું હતું. પણ જીશાને એવું કહ્યું હતું કે તું વચ્ચે વચ્ચે કયારેક હપ્તો ચુકી જતો હતો, આ ચુકાઇ ગયેલા હપ્તાના અલગથી ૮ હજાર આપવા પડશે!

મેં વ્યાજ અને રકમ ચુકવી દીધી હોવા છતાં જીશાન વધુ વ્યાજ માંગી ધમકી આપી ગાળો દેતો હતો અને મારો કોરો ચેક પણ પાછો આપતો નહોતો. એ પછી મારા પિતા બિમાર થતાં મેં સારવાર માટે પૈસાની જરૂર હોઇ જીશાનને તેના કોઇ જાણીતા હોય તો રૂપિયા અપાવવાનું કહેતાં જીશાને પોપટપરામાં રહેતાં હાજીભાઇને બોલાવી તેની પાસેથી રૂ. ૭૦ હજાર અપાવ્યા હતાં. તેણે વ્યાજ પેટે ૧૪ હજાર કાપી લઇ બાકીની રકમ આપી તી અને તેને પણ મેં કોરો ચેક આપ્યો હતો. હાજીને રોજના રૂ. ૭૦૦ ચુકવતો હતો. હપ્તો ચુકાય જાય તો બીજા દિવસે ડબલ આપતો હતો. તેણે અલગથી ૧૦ હજારની ઉઘરાણી કરી ધમકી આપી હતી. આથી હું ગભરાઇને બહારગામ જતો રહ્યો હતો. એ પછી મેં જંગલેશ્વરના અહેમદ કાદરી પાસેથી ૨૦ હજાર લીધા હતાં. આ રકમ હાજી અજમેરીને પેનલ્ટી ચુકવવા અને ધંધો ફરીથી શરૂ કરવા માટે લીધી હતી. અહેમદે મહિને ૧૦ ટકા વ્યાજે આ રકમ આપી હતી. જેના દર મહિને બે હજાર ચુકવતો હતો. મારો ધંધો સારો ન ચાલતાં જંગલેશ્વરના ઇકબાલ જુનાગઢી પાસેથી ૨૫ હજાર ૧૦ ટકે લીધા હતાં. તેને દર મહિને ૫૦૦૦ વ્યાજ ચુકવતો હતો. આમ છતાં ઇકબાલે ઘરે આવી વધુ વ્યાજ માંગી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ચારેય સતત વ્યાજની ઉઘરાણી કરી ધમકવાતાં હોઇ અંતે ફરિયાદ કરી છે.

ભકિતનગરના પીએસઆઇ આર. એન. સાંકળીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:57 pm IST)