Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ઇનોવા સાથે સાયલા પંથકના બુટલેગરને પકડ્યો, બીજો ભાગ્યો

સત્ય સાઇ રોડ પરથી ગાડી ભગાવાઇ, ક્રિસ્ટલ મોલ પાસે આંતરી લેવાઇઃ બે દરોડામાં ૩ાા લાખનો મુદ્દામાલ કબ્જેઃ પ્ર.નગર પોલીસે રેલનગરમાં ઝૂપડામાં છુપાવેલી બોટલો સાથે એકને સકંજામાં લીધોઃ તાલુકાના વિરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા અને પ્ર.નગરના આનંદભાઇની બાતમી

રાજકોટ તા. ૩: તાલુકા પોલીસે ફિલ્મી ઢબે ઇનોવા કારનો સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી ક્રિસ્ટલ મોલ પાસે આંતરી લઇ દારૂના જથ્થા સાથે સાયલા પંથકના બુટલેગરને ઝડપી લીધો હતો. સાથેનો રાજકોટનો શખ્સ ભાગી ગયો હતો. જ્યારે પ્ર.નગર પોલીસે દારૂની બોટલો સાથે રેલનગરના શખ્સને દબોચ્યો હતો. બંને દરોડામાં કુલ ૩,૫૦,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

તાલુકાના કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા અને ભગીરથસિંહ ઝાલાને ચોક્ક બાતમી મળી હતી કે સત્ય સાઇ રોડ પરથી જીજે૦૬એચડી-૧૦૭૪ નંબરની ઇનોવા નીકળવાની છે અને તેમાં દારૂ ભરેલો છે. આ માહિતીને આધારે પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ જે. એસ. ગઢવી, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડકોન્સ. કલ્પેશભાઇ કુવાડીયા, કોન્સ. ચંદ્રરાજસિંહ રાણા, રાજવિરસિંહ જાડેજા, અરજણભાઇ ઓડેદરા, દિવ્યરાજસિંહ ઝાલા સહિતે વોચ રાખતાં બાતમી મુજબની ગાડી નીકળી હતી.

તેને અટકાવવા પ્રયાસ કરતાં ચાલકે કાવો મારી કાર ભાગી મુકતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરવાનું શરૂ કર્યુ હતું. ચેઝ બાદ  ક્રિસ્ટલ મોલ સામે વન સેન્ટર નામની દૂકાન પાસે ગાડીને આંતરવામાં સફળતા મળી હતી. જો કે એ સાથે જ એક શખ્સ દોટ મુકી ભાગી ગયો હતો. પોલીસે એકને પકડી લઇ પુછતાછ કરતાં પોતાનું નામ દિલીપ જીલુભાઇ જેબલીયા (ઉ.૩૨) (રહે. નાગડકા તા. સાયલા) જણાવ્યું હતું અને ભાગી ગયેલા શખ્સનું નામ નિતીન પગી હોવાનું અને તે રાજકોટનો હોવાનું તેણે કહ્યું હતું.

પોલીસે કારમાં તપાસ કરતાં રૂ. ૩૮૫૦૦નો ૨૮૦ બોટલ અલગ-અલગ બ્રાન્ડનો દારૂ મળતાં તે તથા ૩ લાખની કાર કબ્જે કરી હતી. ઝડપાયેલો દિલીપ કાઠી અગાઉ લોધીકા, બોટાદ, સાયલા, વડોદરા ગ્રામ્ય અને ચોટીલામાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાઇ ચુકયો છે.  જ્યારે બીજા દરોડામાં જંકશન પોલીસ ચોકીના  કોન્સ. આનંદભાઇને બાતમી મળી હતી કે  રેલનગર ભગવતી હોલ પાછળ અર્પણ પાર્ક-૩માં રહેતાં અને અગાઉ દારૂમાં પકડાઇ ચુકેલા પ્રતિપાલ ઉર્ફ પપ્પુ અકુલભાઇ ગોંડલીયાએ ઘર નજીક વ્યાસ કોટેજની બાજુમાં પતરાના ઝૂપડામાં દારૂ છુપાવ્યો છે. આને આધારે પીઆઇ વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. પટેલ, બી. વી. બોરીસાગર, અરવિંદભાઇ મકવાણા, આનંદભાઇ, વિરદેવસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે દરોડો પાડતાં રૂ. ૧૨૦૦૦નો ૩૦ બોટલ દારૂ મળતાં કબ્જે કરી પ્રતિપાલને પકડી લીધો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ. ગેડમ, જે. એચ. સરવૈયા, પી. કે. દિયોરાની સુચના હેઠળ બંને દરોડાની કાર્યવાહી તાલુકા અને પ્ર.નગર પોલીસની ટીમોએ કરી હતી.

(11:41 am IST)