Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

હુડકો ચોકડી નજીક ઓવર બ્રીજ પર ટ્રક પરથી બે યુવાન ખાબકયા

અમદાવાદનો હિમત પરમાર અને આશાપુરાનગરનો સંજયગીરી ગોસ્વામી ટેપ રિપેર કરતા'તા ત્યારે બનાવઃ સારવાર લેવી પડી એક શખ્સે હોસ્પિટલમાં સ્ટાફ સાથે ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ હુડકો ચોકડી નજીક આવેલા ઓવર બ્રિજ પરથી અમદાવાદ નારોલ ચોકડીનો ટ્રક ચાલક હિમત કાળુભાઇ પરમાર (ઉ.૨૬) અને આશાપુરાનગર-૧માં રહેતો સંજયગીરી ચમનગીરી ગોસ્વામી (ઉ.૩૬) ટ્રક ઉભો રાખી ટેપ રિપેર કરતા હતાં ત્યારે પુલ પરથી નીચે ખાબકતાં હિમતને પગમાં ફ્રેકચર જેવી ઇજા થતાં અને સંજયગીરીને મુંઢ ઇજાઓ થતાં બંનેને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રામજીભાઇ પટેલે આજીડેમ પોલીસને જાણ કરી હતી. હિમતના કહેવા મુજબ ટ્રકનું ટેપ રિપેર કરતી વખતે પોતે પડી ગયો હતો અને પાછળથી સંજયગીરી પણ ખાબકયો હતો. જો કે હોસ્પિટલના વોર્ડમાં સ્ટાફ સાથે સંજયગીરીએ ડખ્ખો કરતાં અને ગાળાગાળી કરતાં પોલીસ બોલાવવી પડી હતી. જો કે એ પહેલા તે રજા લઇને જતો રહ્યો હતો. નશો કરેલો હોવાની ચર્ચા થઇ રહી હતી.

(11:36 am IST)