Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

‘સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સોરાષ્ટ્ર કચ્છની પોસ્ટ ઓફિસ દ્વારા ‘‘સ્વચ્છતા પખવાડિયા’’ની ઉજવણી કરાઈ

સ્વચ્છતા શપથ, સ્વચ્છતા રેલી, નિબંધ લેખન, ક્વિઝ કોમ્પિટિશન, રકતદાન કેમ્પ સહિતની પ્રવૃત્તિ હાથ ધરાઈ

રાજકોટ: ભારત સરકાર દ્રારા અમલી બનાવાયેલા ‘‘સ્વચ્છ ભારત અભિયાન’’ અંતર્ગત ભારતીય ટપાલ વિભાગના સોરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર દ્રારા તા.૧૬/૧૧/૨૦૨૧ થી ૩૦/૧૧/ ૨૦૨૧ દરમિયાન ‘‘સ્વચ્છતા પખવાડિયું’’ ઉજવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સોરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રની દરેક પોસ્ટ ઓફિસમાં વિવિઘ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
તા.૧૬/૧૧/૨૦૨૧ ના રોજ સમગ્ર કર્મચારીઓ દ્રારા સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા, અને દરેક પોસ્ટ ઓફિસમાં સ્વચ્છતા તેમજ  કોવીડ - ૧૯  વાયરસ અને વેકસીનેશનની જાગૃતિ માટે બેનર લગાડવામાં આવ્યા, સાથો-સાથ સ્વચ્છતા રેલી પણ કાઢવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર કચ્છના વડા પોસ્ટ માસ્તર જનરલ રાકેશ કુમારના નેજા હેઠળ તા.૧૯/૧૧/૨૦૨૧ અને ૨૦/૧૧/૨૦૨૧ દરમિયાન જાહેર સ્થળો જેમ કે જયૂબેલી ગાર્ડન અને રાજકોટ પોસ્ટલ કોલોની જેવા સ્થળો પર પોસ્ટલ કર્મચારીઓ દ્રારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
તા.૨૩/૧૧/૨૦૨૧ ના રોજ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ’’આઝાદી કા અમૃત મહોત્સવ’’ હેઠળ સ્વચ્છતા વિષય પર સૌરાષ્ટ્ર કચ્છના દરેક પોસ્ટલ અધિકારીને સ્વચ્છતા બાબતની કાળજી લેવા અંગેનો વેબીનાર યોજવામાં આવ્યો હતો.
‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની યાદી રૂપે રાકેશ કુમાર, પોસ્ટમાસ્તર જનરલના માર્ગદર્શન હેઠળ સામાજિક યોગદાનના ભાગ રૂપે તા.૨૬/૧૧/૨૦૨૧ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોસ્ટલ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પોસ્ટ ઓફિસની મુલાકાતે આવેલા ગ્રાહકો તેમજ જાહેર જનતાને માસ્ક, સેનિટાઇઝર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોસ્ટલ કર્મચારીઓમાં સ્વચ્છતાની જાગૃતિ માટે નિબંધ લેખન તેમજ ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
‘‘સ્વચ્છતા પખવાડિયા’’ દરમ્યાન દરેક પોસ્ટ ઓફિસમાં ટપાલ પર ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અને સ્વચ્છતા સ્લોગનના સ્ટેમ્પ લગાવાયા હતા, અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પખવાડિયાની પુર્ણાહૂતિ પ્રસંગે પોસ્ટ ઓફિસના સફાઇ કર્મચારીઓને તેમના ઉમદા કાર્ય માટે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોવાનું આસિસ્ટન્ટ ડાયરેક્ટર એન.બી. કુંદ્રાએ જણાવ્યું છે.

(7:13 pm IST)