Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

નિર્ભય ધારાશાસ્ત્રી અભયભાઈની અણધારી વિદાય

અભયભાઇ ભારદ્વાજની અણધારી વિદાયથી એક સારા ધારાશાસ્ત્રી, એક નેતા અને એક શ્રેષ્ઠ વ્યકિતની કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. અભયભાઇને ખુબ નજીકથી ઓળખતા અને શહેરના જાણીતા શિક્ષણવિદ અને કાયદાવિદ્યા શાખાના જ્ઞાતા શ્રી કમલેશભાઇ જોષીપુરાએ અભયભાઇ સાથે ના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, અભયભાઇ ભારદ્વાજે ૧૯૭૫ની રાષ્ટ્રીય કટોકટીમાં જબરજસ્ત કામ કરેલું હતું. તેઓ જીવનભર સંઘર્ષરત રહ્યા. કટોકટીમાં ભૂગર્ભ મીટિંગો કરવી, પત્રિકા વિતરણ કરવું, જે લોકો ભૂગર્ભમાં હોય તેની સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવા વગેરે જેવા કામો તેમણે મૂક રહી કર્યા છે. તેમની વિદ્યાર્થી પરિષદમાં એન્ટ્રી, જે પરિવારોના સંતાનો જેલમાં હોય તેમને મળી સાંત્વના આપવી, મળવું અને પાર્ટીની આખી પ્રવૃતિનું સંચાલન વ્યુહાત્મક રીતે અભયભાઇએ કરેલું છે. જે બહુ ઓછા લોકો જાણે છે.

ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં સૌરાષ્ટ્રભરમાં પ્રતિષ્ઠા ભર્યા બનેલ તેમની પહેલી જ ચૂંટણીમાં તેઓ હાર્યા હતા. પરંતુ તેમણે એ હારને લડતમાં પરિવર્તિત કરી હતી. નવનિર્માણ આંદોલન છાત્રસંઘર્ષ સમિતિના નેજા હેઠળ અને ખાસ કરીને જયપ્રકાશ નારાયણનું જે આંદોલન થયું તેમાં જયપ્રકાશજીની સંપૂર્ણ ક્રાંતિના અભ્યાસુ અભયભાઇ જેટલા મેં કોઇને જોયા નથી તેમ શ્રી કમલેશભાઇએ વધુમાં જણાવ્યું હતું. જયપ્રકાશજીની સંપૂર્ણ ક્રાંતિની વાત દેશભરમાં જે ચાલી અને ૧૯૭૭ ની સાલમાં શાસનમાં નહીં જવાનો કેટલાક આગેવાનોએ નિર્ણય કર્યો તેમાના એક અભયભાઇ હતા.

કલરાજ મિશ્ર અધ્યક્ષ જયારે અભયભાઇ રાજયના નહીં પરંતુ રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા હતા. એ સમયે સુબ્રમણ્યમ સ્વામીનિ ઇચ્છા હતી કે તેઓ પણ યુવા મોર્ચાના અધ્યક્ષ બને પણ અભયભાઇ અને એ સમયે બીજા મિત્રો સાંસદ સભ્ય સત્યદેવસિંહ, નાથુસિંહ વગેરે આઠ લોકોની જયપ્રકાશ નારાયણજી ક્રાંતિને સત્ત્।ામાં ન જઇને આગળ વધારશે તેવા આઠ શિષ્યોની જયપુરમાં આવેલ આમેરના કિલ્લામાં મીટિંગ થઇ તેમાં આમંત્રિતોમાં અભયભાઇ એકમાત્ર હતા.

વર્ષ ૧૯૭૭ થી ૭૯ ની વચ્ચે અભયભાઇના જીવનનો એક એવો તબક્કો આવ્યો જયારે તેમણે રાજનીતિ અથવા ધારાશાસ્ત્રી બંનેમાંથી એકમાં આગળ વધવાને પસંદ કરવાનું હતું. ત્યારે તત્કાલિન રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુંદરસિંહ ભંડારીજીએ તેમને બોલાવી કહ્યું હતું કે, તુમ કો રાષ્ટ્રીય રાજનીતિમે આગે બઢના ચાહીએ. એ સમયે તેમણે એક ધારાશાસ્ત્રી બનવાનો નિર્ધાર કર્યો હતો અને ૧૯૮૦ માં શરૂઆત કરી. શ્રી કમલેશભાઇ જોષીપુરા વધુમાં જણાવે છે, સ્વ. ચિમનભાઇ ની જયાં ઓફિસ હતી ત્યાંથી અભયભાઇ એ શરૂઆત કરેલી. ત્યારે એક વિદ્યાર્થી પરિષદના જાહેર કાર્યક્રમમાં તેઓને આમંત્રણ આપવા ગયા ત્યારે તેમણે કહ્યું કે મેં મારા કાર્યક્ષેત્ર તરીકે વકિલાત પસંદ કર્યું છે એટલે મારા કમિટમેન્ટ મુજબ મારે હવે બે વર્ષ સંપૂર્ણ આમાં જ ધ્યાન આપવું છે. તેઓ અંગ્રેજીભાષામાં અદભૂત પ્રભૂત્વ ધરાવતા હતા. કાયદાના મુદ્દાઓનું ઉંડાણભર્યું જ્ઞાન, કાનુની તર્કસંગતતાનું જ્ઞાન અભયભાઇ જેટલું કોઇનું નહોતું. રાજકોટમાં વકિલાતમાં રહી તેઓએ માત્ર રાજકોટ જ નહીં, ગુજરાત અને ભારત આખામાં નામ કર્યું હતું. તેઓ સ્વતંત્ર આધારભૂત ક્રિમિનલ લોયર તરીકે પ્રસ્થાપિત થયા હતા.

તેઓ કાર્યકર્તાઓ માટે એક વડલા સમાન બની રહ્યા. જો કોઇ કાર્યકર્તા નાની ભૂલ કરી આવે તો પણ ઠપકો આપવાને બદલે પાસે ઉભા રહી તેને સમજાવે તે વાતે અભયભાઇને મુંઠી ઉંચેરા બનાવ્યા હતા. તેઓ જીવનમાં કદી ડર્યા નથી હંમેશા નિર્ભય રહ્યા છે. તેઓ ન્યાયાધીશોને પણ સાચી વાત કહેતા જરા પણ અચકાતા નહીં. તે માટે તેમણે ઘણું ગુમાવ્યું પણ હતું જોકે તેઓ હંમેશા સત્યને વળગી આગળ વધ્યા. તેઓએ કદી સાશનની ખેવના રાખી નહોતી. ભારતીય જનતા પાર્ટી માટે એક ટ્રબલ શૂટર તરીકે કાયમ ઉભા રહ્યા. પાર્ટી અને સંદ્ય પરિવારે એક આશ્રય સ્થાન રૂપી વ્યકિતને ગુમાવી છે. સાંસદ પણ હવે કાનૂની અને ધારદાર સંભવિત વકતવ્યથી વંચીત બની છે.

વિચક્ષણ બુદ્ઘિને કારણે અભયભાઈ એ રાજયસભા સુધીની સફર ખૂબ સરળતાથી ખેડી

રાજય સભાના સાંસદ અને ખૂબ જાણીતા એડવોકેટ અભયભાઈ ગણપતરામ ભારદ્વાજ નું ૬૬ વર્ષની જૈફ વયે નિધન થયું. તેમના સ્વભાવ તેમજ વિચક્ષણ બુદ્ઘિ ને કારણે રાજયસભા સુધીની સફર તેમણે ખૂબ સરળતાથી ખેડી હતી.

વર્ષ ૧૯૭૭માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે તેઓ રાજકોટ શહેર જિલ્લાની જનતા પક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. અને અખિલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું વકીલાત દરમ્યાન તેમણે શશીકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં ખૂબ મહત્ત્વનો રોલ ભજવીને દવે પરિવારને ન્યાય અપાવ્યો હતો. આ સાથે બ્રાહ્મ ણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપના પણ કરી હતી. અભય ભાઈ હેઠળ ૨૦૦દ્મક વધુ જુનિયર વકીલ કામ કરતા હતા જે કોઈપણ વકીલ માટે એક રેકોર્ડ સમાન કહેવાય.

રાજકારણ અને વકીલાત ઉપરાંત હિન્દુ અને મુસ્લિમ એકતા, ધાર્મિક કાર્યક્રમો, ખેલજગત સહિતના દરેક આયોજનોમાં અભય ભાઈ અંગત રીતે રસ લેતા હતા. બાર એસોસિએશન માં પ્રમુખ પદ માટે બિનહરીફ ચૂંટાઇ ને તેઓ પ્રમુખ બન્યા હતા. વડાપ્રધાને પણ કાયદા પંચ માં તેમની ખાસ નિમણૂંક કરી હતી. કેન્દ્રિય ઔદ્યોગિક ન્યાયાધીશોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપી ચૂકયા હતા.

એક જમાનામાં મુંબઇના મેગેઝીનોમાં થી સૌરાષ્ટ્રની ઘટનાઓ કવર કરવા જે કોઈ પત્રકાર આવે તે અભયભાઈ ને અચૂક મળતા હતા. તેઓ જનસત્તા દૈનિકમાં પત્રકાર રહી ચૂકયા હતા તો વળી કયારેક ઇન્ડિયન એકસપ્રેસ'માં પણ તેમની કલમ નો પરિચય થતો. તેઓ કાયદા પંચના સભ્ય રહી ચૂકયા હતા. ૨૦૦૨ના રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓ ના વકીલ રહી ચૂકયા હતા. ગુજરાતના શ્રેષ્ઠ ધારાશાસ્ત્રીઓમાં તેમની ગણના થતી. જુલાઇ ૨૦૧૯ માં ગુજરાત સરકારે તેમને જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે નીમ્યા હતા. એટલું જ નહીં કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સુત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂકયા હતા.

અભયભાઈ ભારદ્વાજ રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ ૨૦૧૬માં ત્યારે વિવાદમાં આવ્યું હતું જયારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી. એ વખતે તેમની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક સામે વિરોધ થયો હતો. તેમની નિમણૂક પર વિવાદ થયો હતો, કેમ કે તેઓ ૨૦૦૨ના રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા. અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુકલના ભાણેજ થાય છે.

ઉમેદવારી વખતે અભય ભારદ્વાજે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા એ તેમની પ્રાથમિકતા રહેશે.

અમદાવાદમાં મુસ્લિમ રહીશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો. તેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી સહિત ૬૯ વ્યકિતઓ મૃત્યુ પામી હતી. જોકે, આ એક જ અસાઇમેન્ટથી અભય ભારદ્વાજ સરકારની નજીક હતા એવું નથી. જુલાઈ ૨૦૧૯માં ગુજરાત સરકારે તેમને અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નિમ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂકયા હતા. નિવૃત્ત્। આઈએએસ પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા. રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનાં મૃત્યુના કેસમાં પણ તેઓ સરકારી વકીલ હતા.

અભયભાઈ ભારદ્વાજની ધારાશાસ્ત્રીથી સાંસદ સુધીની જીવનયાત્રા

કોરોનાના કારણે અભયભાઇએ આપણી વચ્ચેથી વિદાય લીધી. પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં જન્મેલા અને SSC ભારતમાં કરી અખબારથી લઈને ધારાશાસ્ત્રી બની અગ્નિકાલ ફિલ્મમાં કામ કરી ચૂકેલા અભય ભારદ્વાજ ૧૯૭૭માં જનતા પાર્ટીથી સક્રિય રીતે પ્રવેશી રાજકારણના રંગે રંગાયા હતા. ભાજપ પક્ષમાં વિવિધ જવાબદારી નિભાવનાર અભય ભારદ્વાજ રાજયસભાની રાહ પકડી સંસદના ગૃહમાં પહોંચ્યા હતા. રાજકોટને કર્મભૂમિ બનાવનાર અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ બીજી એપ્રીલ ૧૯૫૪ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. ભણવામાં તેજસ્વી અભયભાઈને યુગાન્ડા સરકારે ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી. જીઝા ગુજરાતી મંડળે ૧૩ વર્ષની વયે પ્રમુખપદ આપી બહુમાન કર્યું હતું. એસએસસી ભારતીમાં કરી મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં.

તેઓ માત્ર ૧૭ વર્ષની વયે જનસતા દૌનિકમાં પત્રકાર તરીકે જોડાયા અને ૧૮ વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં. ૨૧ વર્ષની વયે ગુજરાતની વ્યવસાય પત્રકારોની મંડળની કારોબારીમાં બિનહરીફ ચૂંટાયા હતાં. હરિયાણાના કુરૂક્ષેત્રમાં અખીલ ભારતીય લો ડિબેટમાં ૪૧ યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૧૯૭૭માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા તથા અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં મહત્વનો રોલ ભજવીને દવે પરિવારને ન્યાય અપાવ્યો હતો. બ્રાહ્મ ણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપ્ના કરી હતી. અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં શૂંટીંગ સમયે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી. સાથે જ ફિલ્મમાં જજનો રોલ કર્યો હતો. બાપા સિતારામ ફિલ્મમાં કલેકટરનો રોલ કર્યો હતો. અભયભાઈના પરિવારમાં પત્ની અલ્કાબેન અને ત્રણ સંતાનોમાં સૌથી મોટા આશ્કાબેન, એડવોકેટ અમૃતાબેન અને જીંદાલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પુત્ર અંશભાઈ છે. અભયભાઈના નાનાભાઈ નીતિનભાઈ ભારદ્વાજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વિવિધ પદો પર સેવા આપી છે.

પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫૫૮૪૬૯

(3:48 pm IST)