Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અલવિદા અભયભાઈ !

કેટલાક શૂન્યાવકાશ એવા હોય છે કે જે કદી ભરી શકાતા નથી : અભયભાઇ એવો જ શૂન્યાવકાશ છોડતા ગયા : તેમની સ્મૃતિ સદા અમર રહેશે

એમની એક વિશિષ્ટ ઓળખાણ એ હતી કે, અભય ભારદ્વાજ ભાજપનાં હજારો-લાખો કાર્યકરો માટે અને મારા જેવા અનેક લેખકો-પત્રકારો માટે પણ ભાઈ હતા, મોટાભાઈ : બધા એમને પ્રેમ-આદરથી ભાઈ કહેતા. આજે હવે મોટાભાઈ નથી ત્યારે મારા જેવા અનેક નાનાં ભાઈઓ જાણે અનાથ બની ગયા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે

હજુ બે દિવસ પહેલા જ મેં નીતિનભાઈ ભારદ્વાજને અભયભાઈની તબિયત અંગે પૂછ્યું હતું. નીતિનભાઈએ કહ્યું કે, તેઓ વિસેક દિવસ પછી ભાઈને રાજકોટ લઇ આવશે. મારા જેવા હજ્જારો લોકો એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને આવ્યા આ હચમચાવી નાંખે તેવા સમાચાર! શું લખવું એ સમજાય નહીં એવી મનોસ્થિતિ છે. પરંતુ લેખકો અને પત્રકારોને આ અભિશાપ હોય છે, મન સાવ સુન્ન અને શૂન્ય થી ગયું હોય ત્યારે એ શૂન્યતા પણ અમારે વ્યકત કરવી પડે છે. લખવું જ રહ્યું. લખવું જ પડશે.

એક જમાનામાં મુંબઈના મેગેઝિનોમાંથી સૌરાષ્ટ્રની ઘટનાઓ કવર કરવા જે કોઈ પત્રકાર આવે, અભયભાઈને અચૂક મળતા. એનાં બે-ત્રણ કારણોૅં (૧) તેમની પાસે જે-તે વિષયની અખૂટ માહિતી અને રેફરન્સ હોય (૨) કયારેય ઠંડો આવકારો ન મળે (૩) તેઓ સ્વયં કારકિર્દીની શરૂઆતમાં જનસત્ત્।ામાં પત્રકાર રહી ચૂકયા હતા, તેથી પત્રકારોને કેવી માહિતી ખપતી હોય અને કેવા વિષયોમાં રસ પડે, તેની તેમને પાક્કી ખબર. એક રિપોર્ટ માટે એમને મળવા ગયા હોઈએ તો બીજા ત્રણ વિષયો તેઓ વાતવાતમાં જ આપી દે.

પ્રખર રાષ્ટ્રવાદી. સંઘના સંસ્કાર. પરશુરામ યુવા સંસ્થાની રચના એમણે જ કરી હતી. બ્રાહ્મણો માટે સદૈવ એક સંકટ સમયની સાંકળ. જો કે, એનો અર્થ એવો નથી કે, તેઓ કોઈ કટ્ટર જ્ઞાતિવાદી છે. છેલ્લે હું મળવા ગયો ત્યારે મારી સાથે એક દલિત IPS ઓફિસર હતા અને ભાઈ ત્યારે જે વાતો કરતા હતા તેમાંથી સમજાયું કે, દલિતોની પણ તેમને કેટલી બધી ચિંતા છે!

રાજકારણની તેમની સમજ સાતમા પાતાળ જેટલી ઊંડી. જ્ઞાતિવાદ અને તકવાદને લીધે કેટલીક પાર્ટીઓ એવા દ્યોદ્યા અને ગમાર લોકોને સંસદમાં અને રાજયસભામાં મોકલે છે કે, ત્યાં બેઠા હોવા છતાં રાષ્ટ્રીય સમસ્યાઓનું કે કરન્ટ અફેર્સનું એમને ઝાઝું જ્ઞાન નથી હોતું. અભયભાઈ રાજકોટની તેમની ઓફિસમાં બેઠા પણ આવી દરેક બાબતો અંગે વાકેફ રહેતા, તેની તલસ્પર્શી માહિતી તેમની પાસે હોય. માત્ર માહિતી નહિ, જ્ઞાન પણ હોય. પ્રચંડ પાંડિત્ય એ એમની મૂડી. એ આગવી સંપદાનો સદુપયોગ રાજયસભામાં ન થઇ શકયો તેનો અફસોસ મારા જેવા લોકોને તો ઠીક, ખુદ નરેન્દ્ર મોદીને પણ હશે. ખરૃં કહું તો, એમને રાજકારણમાં બહુ મોડેથી પદ મળ્યું. એમનામાં વિરાટ શકિતઓ હતી, મને લાગે છે કે, એમનાં સામર્થ્યનો વધુ ઉપયોગ થવો જોઈતો હતો.

તેઓ કાયદાપંચના સભ્ય રહી ચૂકયા હતા, ૨૦૦૨ના રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ રહી ચૂકયા હતા, ગુજરાતનાં ટોચનાં ધારાશાસ્ત્રીઓમાં એમની ગણના થતી, જુલાઈ ૨૦૧૯માં ગુજરાત સરકારે તેમને જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા હતા, કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂકયા હતા, નિવૃત્ત્। આઈએએસ પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા... પણ, આ બધાં જેટલી જ વિશિષ્ટ ઓળખાણ એ હતી કે, અભય ભારદ્વાજ ભાજપનાં હજારો-લાખો કાર્યકરો માટે અને મારા જેવા અનેક લેખકો-પત્રકારો માટે પણ ભાઈ હતા. મોટાભાઈ. બધા એમને પ્રેમ-આદરથી ભાઈ કહેતા. આજે હવે મોટાભાઈ નથી ત્યારે મારા જેવા અનેક નાનાં ભાઈઓ જાણે અનાથ બની ગયા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. અલવિદા, અભયભાઈ!

કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર મો.૯૮૨૫૩ ૦૪૦૪૧

(3:44 pm IST)
  • સુપ્રીમ કોર્ટે આપ્યા નિર્દેશ:CBI, NIA, ED, NCB, DRI અને SFIO જેવી એજન્સીઓના કાર્યાલયોમાં CCTV લગાડવાની આપી સૂચના;સાથે જ કહ્યું કે ઇન્વેસ્ટિગેશન રૂમ્સ અને લોકઅપમાં પણ ઓડિયોની સાથે લગાડો CCTV કેમેરા access_time 9:17 pm IST

  • રાજકોટની કોવિડ હોસ્પી.માં આગના બનાવમાં તમામ પ આરોપીના જામીન હવે મંજુર થયા છે access_time 5:59 pm IST

  • ' સુબહકા ભુલા હુવા શામકો વાપસ આયે તો ભૂલા નહીં કહલાતા ' : પશ્ચિમ બંગાળના તૃણમૂલ પાર્ટીના મિનિસ્ટર શુભેન્દુ અધિકારીના મનામણાં : મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું હતું : ભાજપમાં જોડાઈ જવાની શક્યતા હતી : પાર્ટીના વરિષ્ટ આગેવાન અભિષેક બેનરજી તથા ચૂંટણી ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે તમામ મુદ્દે સમાધાન કરાવી દેવાની ખાતરી આપી access_time 12:11 pm IST