Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઈ સ્વ.મનોહરસિંહજી જાડેજાને 'મામા' કહીને સંબોધતા

મેં અંગત વડીલ - સ્વજન ગુમાવ્યા, રાજકોટ એમની સેવા સદા માટે યાદ કરશે : માંધાતાસિંહ

રાજકોટ તા. ૨ : રાજય સભાના સાંસદ અને રાજકોટના અગ્રણી વકીલ શ્રી અભયભાઇ ભારદ્વાજના અવસાનથી સમગ્ર રાજકોટને, તમામ સમાજને મોટી ખોટ પડી છે એવું રાજકોટના ઠાકોરસાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પોતે એક અંગત વડીલ ગુમાવ્યા છે એવું કહીને એમણે સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજાએ કહ્યું કે એક બાહોશ વકીલ તરીકે અભયભાઇની નામના તો દેશભરમાં હતી સાથે જ તેઓમાં રહેલા નેતૃત્વના ગુણ પણ યુવાનીથી લોકોએ જોયા હતા. ભાજપાની સ્થાપના પહેલાંથી, જનસંઘના સમયથી તેઓ સક્રિય રહ્યા હતા. વિદ્યાર્થીકાળથી રાષ્ટ્રીય રંગે રંગાઇને એમણે કરેલાં કામો સદાય યાદ રહેશે.

અભયભાઇના જવાથી સમસ્ત સમાજને ખોટ પડી છે એવું જણાવીને ઠાકોરસાહેબે કહ્યું કે વકીલો, રાજકીય કાર્યકરોને એમણે સતત માર્ગદર્શન અને હૂંફ આપ્યા હતા. એટલે વિવિધ વર્ગને તો એમની ખોટ પડી છે પરંતુ મેં પોતે એક અંગત સ્વજન ગુમાવ્યા છે. મારા પિતાશ્રી સ્વ.ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા સાથે એમને નિકટતા હતી. તેઓ મારા પિતાશ્રીને મામાનું સંબોધન કરતા. રાજકીય રીતે ભિન્ન પક્ષોમાં હોવા છતાં પરસ્પર સન્માન અને આદર એ લોકો એક બીજાને આપતા. એમના અવસાનથી મને પણ પરિવારના વડીલની ખોટ પડી છે.

અભયભાઇનું કાનુની ક્ષેત્રમાં જ્ઞાન ઉપરાંત સમાજના અન્ય ક્ષેત્રો પર એમનું ચિંતન અને વાંચન ઘણું વિશાળ હતું. એમના વાંચન, અભ્યાસનો લાભ પણ વર્ષો સુધી લોકોને મળ્યો. આપણા સૌની એ કમનસીબી છે કે આવા વિચક્ષણ અને લોકોના કામ માટે સતત સક્રિય રહેવા માંગતા સાંસદ-નેતા આપણે ગુમાવ્યા છે. હું અને મારો પરિવાર સ્વ. અભયભાઇના કુટુંબ પ્રત્યે શ્રી નિતિનભાઇ અને પરિવારજનો પ્રત્યે અમારી પૂર્ણ સહાનુભૂતિ વ્યકત કરીને એમના દુઃખમા સહભાગી થઇએ છીએ. અને સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

(2:45 pm IST)