Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સરધારમાં તળાવના પાણી ખેતરોમાં ફરી વળ્યાઃ જિલ્લા પંચાયતમાં ઉગ્ર રજુઆત

ખેડૂતો ડી.ડી.ઓ. પાસે દોડી આવ્યાઃ ઉપવાસ આંદોલનની ચીમકી

 

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે તળાવના પાણીના પ્રશ્ને ખેડૂતોએ લાખાભાઇ સાગઠિયા, નિલેષ વિરાણી, ચેતન પાણ, વિજય સખીયા વગેરેની આગેવાનીમાં રજુઆત કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. રઃ  તાલુકાના સરધાર ગામના તળાવના પાણી આસપાસના સંખ્યાબંધ ખેતરોમાં ફરી વળતા આજે ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, જિલ્લા પંચાયતના સભ્ય નિલેષ વિરાણી, તાલુકા પંચાયતના સભ્ય ચેતન પાણ, વિજય કોરાટ વિગેરેની આગેવાનીમાં ૧૦૦ જેટલા ખેડૂતોએ જિલ્લા પંચાયત ખાતે વિકાસ અધિકારીને ઉગ્ર રજુઆત કરી હતી. અસરગ્રસ્ત ખેડૂતો માટે અતિ મુશ્કેલી સર્જાયાનું જણાવી ચીમકી અપાયેલ હતી. ડી.ડી.ઓએ યોગ્ય કરવાની હૈયાધારણા આપી હતી. ખેડૂતોએ અનિચ્છનીય પગલું ભરવું પડે તેવી સ્થિતિ હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરાયેલ છે. ખેડૂત ચંદુભાઇ પટેલે જરૂર પડે તો અંતિમ પગલું ભરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આવેદનમાં જણાવેલ કે, રાજકોટ તાલુકાના સરધાર ગામે આશરે ૧૦૦ જેટલા ખેડુતોની આશરે રપ૦૦ વિઘા જમીનમાં છેલ્લા ત્રણ માસથી પાણી ભરેલ હોઇ જે બાબતે અગાઉ ગામના આગેવાનો ત્થા ખેડુતો દ્વારા વારંવાર મૌખીક તથા લેખીત રજુઆત કરેલ છે. છતાં પણ આપના તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તમામ ખેડુતોની જમીન સરકાર દ્વારા સંપાદન કરેલ નથી. કોઇપણ ખેડુતોએ વળતર લીધેલ નથી. છતાં પણ ખેતરમાં પાણી ભરવું યોગ્ય નથી. હવે ખેડુતોની હાલત અત્યંત ખરાબ થઇ રહી છે. અને દેણામાં ડુબી રહ્યા છીએ.

આ બાબતે સરકારમાં વર્ષોથી અમારી માંગણી હોઇ હાલ જે કેનાલ છે તે કેનાલને ઉંડી અને પહોળી પાકી બનાવવાની જરૂર છે તેમજ ઉપરવાસ ભુપગઢ તરફથી આવતું પાણીને ડાયવર્ટ કરવા માટે હાલ જે વ્યવસ્થા છે તેને ઉંડી ઉતારી ત્યાંથી નિકાલની વ્યવસ્થા થઇ શકે તેમ છે. આ બાબતે સરધાર ગ્રામ પંચાયત તથા ગ્રામજનો દ્વારા પણ લેખીત વારંવાર રજુઆત કરેલ છે. અને જે હાલમાં પાણીનો નિકાલ છે તો તાત્કાલીક સાફ કરી ત્યાંથી પાણીનો નિકાલ થઇ શકે તેમ છે.

કલેકટર રાજકોટ દ્વારા ૧૯૭૩માં ૯૬-૩૦ના લેવલથી વધારાના પાણીનો નિકાલ કરવાનો પણ હુકમ થયેલ છે. જે લેવલથી આ વર્ષે ખુબ જ વધારે પાણી હોઇ આ વર્ષે તો ખેડુતોને કોઇ ઉત્પાદન થઇ શકે તેમ જ નથી. હાલ આ વધારાના પાણીનો નિકાલ નહીં થાય તો આવતા વર્ષે પણ અંદાજીત રપ૦૦ વિઘા જમીનમાં કોઇ ઉત્પાદન આવી શકશે નહીં અને ખેડુતો પાયમાલ થઇ જશે. હાલ જે સ્થિતિ છે તેનું સ્થળ પર રૂબરૂ મુલાકાત લઇ જે ખેડુતોની વેદના છે તે અંગે ઘટતું કરવા ડી.ડી.ઓ.ને રજુઆત કરાયેલ છે.

(3:35 pm IST)