Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

શિવાનંદ જનરલ હોસ્પિટલમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબોની ટોકનદરે સેવા

નામાંકિત તબીબો, ૮ બેડ આઈસીયુ, એમ્બ્યુલન્સ સહિતની સેવા

રાજકોટ તા. ૨ : રાજકોટના સેવાભાવી તબીબોના ટ્રસ્ટ સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શિવાનંદ મિશન જનરલ એન્ડ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે રાજકોટના વિવિધ રોગના નિષ્ણાત તબીબોની સેવા ટોકન દરે ઉપલબ્ધ છે, જેનો લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન જાણીતા ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રોજેકટ ચેરમેન જાણીતા યુરોલોજીસ્ટ ડો. સુશિલ કારીઆની સંયુકત યાદીમાં જણાવાયું છે.

ડો. રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસાર, ડો. શિવાનંદ અધ્વર્યુજીએ વર્ષો પહેલા સ્થાપેલ શિવાનંદ મિશનની આંખની હોસ્પિટલમાં લાખો લોકોના આંખના ઓપરેશન થયા છે. અમો અમારા ટ્રસ્ટ થકી સેવાની આ ધુણીને વધુ વિસ્તરીત કરી છે. શહેરના વિવિધ રોગના સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબો અહી ટોકન દરે દર્દીને તપાસી નિદાન કરી આપે છે. શિવાનંદ હોસ્પિટલ ખાતે જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. જગદીશ ધકાણ (સોમ થી શનિ દરરોજ સવારના ૯.૩૦ થી ૧૧.૩૦), ઓર્થોપેડીક સર્જન ડો. ભાવેશ ભૂતિયા (સોમથી શુક્ર સવારના ૧૦ થી ૧૧ અને સાંજે પ થી ૬), ફિઝીશ્યન ડો. રાજીવ મિશ્રા (સોમ થી શનિ સવારના ૧૦ થી ૧૧ અને સાંજે ૪.૩૦ થી ૫.૩૦), ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી (મંગળ અને શુક્ર સવારના ૧૧ થી ૧૨) નિયમીત મળી શકશે.

ટ્રસ્ટના પ્રોજેકટ ચેરમેન અને જાણીતા યુરોલોજીસ્ટ ડો. સુશીલ કારીઆએ જણાવ્યું હતું કે, શિવાનંદ મિશન જનરલ એન્ડ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (જયંત કે. જી. સોસાયટી, આનંદ બંગલા ચોક પાસે, મવડી મેઈન રોડ, રાજકોટ. ફોન : ૨૩૬૫૦૦૫, મો. ૯૭૧૪૫૦૧૫૦૧) ખાતે એમ. ડી. ફિઝીશીયન સાથે વિશ્વકક્ષાનું ૮ બેડનું આઈ. સી. યુ. તથા એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે. આઈ.સી.યુ.માં પણ નજીવા દરે દર્દીને સારવાર મળી શકે છે. કાર્ડિયોલોજીસ્ટ, ન્યુરોસર્જન, યુરોસર્જન, પ્લાસ્ટીક સર્જન, ઓર્થોપેડીક સર્જન, જનરલ સર્જન, ઈ.એન્ડ.ટી. સર્જન, ગાયનેક સહિત વિવિધ ફેકલ્ટીના નિષ્ણાંત તબીબો હોસ્પિટલ ખાતે સેવા આપે છે.

ડો. સુશિલ કારીઆના જણાવ્યા અનુસાર વિશ્વમાં મેડિકલ સારવાર મોંઘી થતી જાય છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકો માટે અતી ઉપયોગી એવા આ રાહત દરના મેડિકલ યજ્ઞ માટે ઉદાર હાથે દાન-સખાવત આપવા દેશ-વિદેશમાં વસતા દાતાઓ સહિત સમગ્ર સમાજને અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટને આપવામાં આવતુ દાન ઈન્કમટેક્ષની કલમ ૮૦જી અનુસાર કર માફીને પાત્ર છે. વિદેશથી મળતા દાન માટે પણ ટ્રસ્ટને સરકારી મંજુરી મળેલી છે. સખાવત કે અન્ય કોઈ પણ પ્રકારના સહયોગ આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજન્યુરો સર્જીકલ હોસ્પિટલ (માલવીયા ચોક, ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ. ફોન નં. ૨૪૬૦૮૮૮, મો. નં. ૯૮૨૪૦ ૪૧૫૪૧, ૮૦૦૦૩ ૫૭૩૯૮, ૯૨૨૭૮ ૯૬૬૦૬)નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

સેવાકીય પ્રવૃતિ માટે શ્રી સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટના ચરમેન ડો. રાજેન્દ્ર ત્રિવેદી, પ્રોજેકટના અધ્યક્ષ ડો. સુશિલ કારીઆ, ડો. સુખવાલ, ડો. ભૌમિક ભાયાણી, ભરતભાઈ ગંગદેવ, પ્રતાપરાય ભટ્ટ, મિહિર ત્રિવેદી સહિતની ટીમ કાર્યરત છે. મિડિયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રાફિકસના વિજય મહેતા સેવા આપે છે.

(3:32 pm IST)