Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

એ રાતે લલનાને ચુકવવાના પૈસા નહોતાં એટલે બાળકીને ઉઠાવી'તી!: હૈવાન હરદેવ પર સર્વત્ર ફિટકાર...શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ

પોલીસ કમિશનર અને રઘુવીર સેના તરફથી મળેલા ૭૦ હજારના ઇનામની રકમ ભોગ બનનાર બાળાના પરિવારને પોલીસની ટીમોએ અર્પણ કરી : દૂષ્કર્મની ઘટનામાં આરોપીને શોધવા૧૨ ટીમોએ બે રાત સુધી આંખનું મટકુ પણ માર્યા વગર દોડધામ કરી અને હૈવાનને ઝડપી લેવામાં સફળતા મળીઃ મુખ્યમંત્રી, પોલીસ વડાએ પણ રાજકોટ પોલીસની કામગીરીને વખાણીઃ પીવાની ટેવ ધરાવતો હરદેવ પોલીસથી બચવા રોજ પુલીયા નીચે જઇ 'કોથળી' ઢીંચતો...એ જગ્યાએ કોઇ આવતું જતું ન હોઇ તે બાળાને સીધો એ સ્થળે જ લઇ ગયો'તો

હૈવાન પર ફિટકારઃ આઠ વર્ષની બાળાનું અપહરણ કરી દેહ પીંખી નાખનારા હવસખોર હરદેવ માંગરોલીયાને સતત ચોવીસ કલાક સુધી દોડધામ કરી શહેર પોલીસની ટીમોએ શોધી કાઢયો હતો. આ આરોપી વિશે માહિતી આપી રહેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા ટીમોના અધિકારીઓ, કર્મચારીઓ અને ઝડપાયેલો હરદેવ જોઇ શકાય છે. આ હવસખોર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે અને તેને ઝડપી લેનાર શહેર પોલીસ પર પ્રશંસાનો વરસાદ થઇ રહ્યો છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨:  'હા સા'યબ મેં જ આવું કર્યુ હતું...હું કુંવારો છું...રોજ કોથળી પીવાની ટેવ છે, મને જ્યારે પણ સેકસની ઇચ્છા થાય ત્યારે હું ભાવનગર રોડ પર જઇ લલના સાથે મજા કરતો રહુ છું...પણ એ રાતે મારી પાસે લલનાને ચુકવવાના પૈસા નહોતાં અને લટાર મારતો-મારતો બગીચા તરફ પહોંચ્યો ત્યારે બાળકીને સુતેલી જોઇ તેની સાથે વાસના સંતોષવાની ઇચ્છા થઇ હતી અને તેને ઉઠાવી લીધી હતી...હું દરરોજ પોલીસથી બચવા જે પુલીયા નીચે બેસીને દારૂ પીતો હતો એ જગ્યાએ કોઇ આવતું જતું ન હોવાથી બાળાને ત્યાં જ લઇ ગયો હતો'...આ કેફીયત ૮ વર્ષની બાળાનું અપહરણ કરી હૈવાનીયત આચરનારા ભારતનગર-૮માં રહેતાં હરદેવ મશરૂભાઇ માંગરોલીયા (ઉ.વ.૨૨) નામના શૈતાને પોલીસ સમક્ષ આપતાં પોલીસ પણ ચોંકી ગઇ છે. ભાવનગર રોડ પર આરએમસી બગીચામાં પરિવાર સાથે સુુતેલી બાળાને ગોદડા સહિત ઉઠાવી જઇ નજીકના નાળામાં (પુલીયા નીચે) લઇ જઇ બળાત્કાર ગુજારનારા હવસખોર હરદેવ પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે...તો અધમ કૃત્ય આચારનારા આ શૈતાનને રાત-દિવસ ૨૪ કલાક આંખનું મટકુ પણ માર્યા વગર દોડધામ કરી ઝડપી લેનાર રાજકોટ શહેર પોલીસ પર સર્વત્રથી પ્રશંસાનો વરસાદ વરસી રહ્યો છે.

શહેરના ભાવનગર રોડ પર આર.એમ.સી.ના બગીચાના પટમાં ખુલ્લામાં સુતેલા મજૂર પરિવારની ૮ વર્ષની દિકરીને શુક્રવારે મોડી રાતે એક શખ્સ બાળા જેમાં સુતી હતી એ ગોદડામાં જ વીંટાળીને અપહરણ કરી નજીકના નાળા નીચે લઇ ગયો હતો અને મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ કરી છરીની અણીએ દૂષ્કર્મ આચરી બાળાને લોહીલુહાણ કરી નાંખી હતી. એ પછી બાળાને ત્યાં જ કણસતી મુકી ભાગી ગયો હતો. ઘટના જાહેર જતાં શહેરમાં જ નહિ રાજ્યભરમાં ચકચાર મચી ગઇ હતી. આવું હેવાનીયત ભરેલુ કૃત્ય આચારનારા શૈતાન પર ફિટકાર વરસી ગયો હતો અને તેને ગમે તે ભોગે શોધી કાઢવા માંગણી ઉઠી હતી. શહેર પોલીસે રાતદિવસ ચોવીસ કલાક સુધી દોડધામ કરી હતી અને વીસ જેટલા શકમંદોને ઉઠાવી લીધા હતાં તેમાંથી જ હવસખોરને લોહીના ડાઘ, વિર્યના ડાઘવાળા કપડાને આધારે શોધી કાઢ્યો હતો. ભારતનગર-૮માં રહેતાં આ શૈતાનનું નામ હરદેવ મશરૂભાઇ માંગરોલીયા (નાથબાવા) (ઉ.વ.૨૨) છે. તેણે પોલીસની લાંબી મથામણ બાદ ગુનાની કબૂલાત આપી હતી અને ઘટના સ્થળે પોલીસ સમક્ષ નિદર્શન પણ કરી આપ્યું હતું...આ હવસખોર હરદેવ પર સર્વત્રથી ફિટકાર વરસી રહ્યો છે.

દૂષ્કર્મનો ભોગ બનેલી બાળા હોસ્પિટલના બિછાને પહોંચતા ઘટના સામે આવતાં જ થોરાળા પોલીસે અપહરણ, બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. શૈતાનને પણ શરમાવે એવું કૃત્ય આચરનારા હવસખોર હેવાનને શોધી કાઢવા ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદ મેદાને આવ્યા હતાં. આ બંને અધિકારીઓ તથા ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા ઝોન-૧ હેઠળના પોલીસ મથકોના તમામ એસીપી, પી.આઇ. અને તેમની ટીમોને ચોવીસ કલાકમાં ગુનેગારને શોધી કાઢવા કામે લગાડાયા હતાં. એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમો પણ તેમાં સામેલ હતી. અંતે બધાની સંયુકત મહેનત રંગ લાવી હતી અને શૈતાની કૃત્યને અંજામ આપનાર હવસખોર મોડી રાતે દબોચાઇ ગયો હતો.

પોલીસે આ ગુનામાં હરદેવ મશરૂભાઇ માંગરોલીયા (નાથબાવા) (ઉ.વ.૨૨-રહે. ભારતનગર શેરી નં. ૮, રાજકોટ)ને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હવસખોરે ગલ્લા તલ્લા કર્યા બાદ પોલીસની વિશીષ્ટ ઢબની પુછતાછ અને તેના કપડા પરના લોહી, વિર્યના ડાઘને કારણે પુરાવા મજબૂત બનતાં ગાંધીનગરથી આવેલી એફએસએલની ટીમ દ્વારા આ ડાઘની તપાસ થતાં આરોપી હરદેવ જ હોવાનું સ્પષ્ટ થઇ  ગયું હતું. 

તપાસમાં ખુલ્યા મુજબ શુક્રવારે સાંજે હરદેવ રખડતો ભટકતો બાળાને તેના પરિવારજનો સાથે સુતેલી જોઇગયો તેના મનમાં વાસનાનો કીડો ખદબદ્દયો હતો અને બાળાને ઉઠાવવા માટે ત્યાં ગયો હતો. પરંતુ કૂતરા ભસતાં અને પાછળ દોડતાં તે ભાગી ગયો હતો. એ પછી રાતે ફરીથી પહોંચ્યો હતો સુતેલી બાળાને તેના જ ગોદડા સમેત ઉઠાવી ગોદડાથી જ મોઢે મુંગો દઇ નજીકના નાળામાં લઇ ગયો હતો અને ત્યાં છરી બતાવી બાળા સાથે મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટથી અજવાળુ કરી દૂષ્કર્મ આચર્યુ હતું.

બાળા આ હેવાનીયતને કારણે લોહીલુહાણ થઇ ગયા પછી તે કપડા પહેરી હમણા આવું...કહીને બાળાને ત્યાં જ મુકી ભાગી ગયો હતો. હવસખોરે કબુલ્યા મુજબ જ્યાં દૂષ્કર્મ આચર્યુ એ સ્થળથી થોડે જ દૂર રેતીના ઢગલા પર જઇ સુઇ ગયો હતો. પોલીસે પંદર-વીસ જેટલા શકમંદોને ઉઠાવ્યા હતાં. જેમાં આ હવસખોર પણ હાથમાં આવી ગયો હતો. પોલીસે રાતે જ હવસખોર હરદેવને ઘટના સ્થળે લઇ જઇ પુછતાછ કરતાં તેણે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરી બતાવ્યું હતું.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે આ હવસખોર કુંવારો છે અને તેના ભાઇ-ભાભી સાથે રહી કારખાના-ભઠ્ઠીમાં મજૂરી કરે છે. તે કારખાનામાં દરરોજ ૪૦-૫૦ કિલો વજનના દાગીના ઉઠાવી લેતો હોઇ પચ્ચીસ કિલો વજન ધરાવતી બાળાને તેણે સરળતાથી ઉઠાવી લીધી હતી અને દૂષ્કર્મ આચર્યુ હતું પછી તેણીને ત્યાં જ છોડી ઘટના સ્થળથી થોડે જ આગળ જઇ રેતીમાં ઢગલામાં જઇ સુઇ ગયો હતો. હરદેવે થોરાળા પોલીસ મથકના પી.આઇ. એસ. એન. ગડ્ડુ, એએસઆઇ અજીતભાઇ ડાભી, ભરતભાઇ વનાણી સહિતે કરેલી પુછતાછમાં એવું પણ કહ્યું હતું કે તેને નશો કરવાની ટેવ છે અને કુંવારો હોઇ જ્યારે પણ સેકસ માણવાની ઇચ્છા થાય ત્યારે ભાવનગર રોડ પર લલનાઓ પાસે જઇ પૈસા ચુકવી હવસ સંતોષતો હતો. શુક્રવારે રાતે પણ આવી ઇચ્છા થઇ હતી. પરંતુ લલનાને ચુકવવાના પૈસા ન હોઇ પોતે રખડતો-ભટકતો આર.એમ.સી. બગીચાના પટ પાસે પહોંચ્યો હતો અને ત્યાં બાળાને જોઇ વાસના ખદબદી હતી. એક પ્રયાસમાં કૂતરા ભસતાં ભાગ્યો હતો, બીજા પ્રયાસમાં બાળાને ગોદડા સમેત ઉઠાવી પુલીયા નીચે લઇ ગયો હતો અને હવસખોરી આચરી હતી. આ પુલીયા નીચે જ પોતે દરરોજ દારૂની કોથળી પીવા બેસતો હતો. અહિ કોઇની અવર-જવર ન હોઇ પોલીસથી તે બચી શકતો હતો. આ જગ્યા જોઇ હોઇ બાળાને ઉઠાવીને સીધો ત્યાં જ લઇ ગયો હતો.

મહિલા પોલીસ પાંચ દિવસના રિમાન્ડ માંગશેઃ વકિલો કેસ નહિ લડે

હવસખોરને હવે મહિલા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. તેની વિશેષ પુછતાછ માટેની કાર્યવાહી પી.આઇ. એસ.આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ લાઠીયા તથા રાઇટર શૈલેષભાઇ ખીહડીયાએ હાથ ધરી છે. પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. દરમિયાન આ હવસખોર કોઇપણ હિસાબે છુટે નહિ અને આકરામાં આકરી સજા થાય તે માટે સર્વત્રથી માંગણી ઉઠી હોઇ શહેર બાર એસોસિએશને પણ આ આરોપીની કેસ નહિ લડવાનો નિર્ણય કર્યો છે. કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડોર  ટુ ડોર ચાલે તે માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત બાર એસો.એ કરી છે.

આ છે કામગીરી કરનાર ટીમોના અધિકારીઓઃ ઇનામની રકમ બાળાના પરિવારને અર્પણ કરી

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, તેમજ તમામ ઝોનના એસીપીશ્રીઓની સીધી દેખરેખ હેઠળ આરોપીને ગમે ત્યાંથી શોધી કાઢવાની કામગીરીમાં ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.એમ.ગઢવી, એસઓજી પી.આઇ. આર.વાય. રાવલ, થોરાળા પી.આઇ.  એસ.એન. ગડ્ડુ , ભકિતનગર પી.આઇ.વી.કે. ગઢવ, આજીડેમ પી.આઇ. એ.એચ. ચાવડા,  પો.ઇન્સ. વી. જે. ચાવડા , પો. ઇન્સ. જી.એમ. હડીયા, પો.ઇન્સ. સી. જી. જોષી તથા ડીસીબીના પો. સબ ઇન્સ. એ.એસ. સોનારા, પી.એમ. ધાખડા, એસ.વી. પટેલ, યુ.બી. જોગરાણા, એસઓજી પીએસઆઇ એચ.એમ. રાણા ,  મહિલા પો. સબ ઇન્સ.જે. જી. ચૌધરી, થોરાળા પીએસઆઇ પી.ડી. જાદવ , આજીડેમ પીએસઆઇ એમ.જે. રાઠોડ, ભકિતનગર પીએસઆઇ પી.બી. જેબલીયા તથા તેમની ટીમનો સમાવેશ થાય છે.

કલાકોમાં ગુનો ડિટેકટ કરવાની કામગીરી કરનાર  ડી.સી.બી,   એસ.ઓ.જી. ના અધિકારીશ્રી તથા તેમની ટીમને રૂ.૧પ,૦૦૦ તથા સ્થાનીક થોરાળા પો.સ્ટે.ના અધિકારીશ્રીઓ તથા તેમની ટીમને રૂ. ૧પ,૦૦૦ તથા આઇવે પ્રોજેકટના સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કર્મચારીઓને રૂ. ૧પ,૦૦૦ નુ ઇનામ પોલીસ કમિશ્નર તરફથી જાહેર કરાયું હતું.

 ભોગ બનનાર સગીરા તથા તેના પરિવારજનોને સરકારશ્રી તરફથી મળતી તમામ સહાય મળી રહે તે માટે સમાજ કલ્યાણ અધિકારી તથા વનસ્ટોપ સેન્ટરનો પોલીસે સંપર્ક કર્યો છે. આ ઉપરાંત રઘુવીર સેના તરફથી પણ આરોપીને ઝડપી લેનારને રૂ. ૨૫ હજારનું ઇનામ જાહેર થયું હતું. આ ઇનામની રકમ અને પોલીસ અધિકારીઓની ટીમોને મળેલા ૪૫ હજારના ઇનામની રકમ મળી કુલ ૭૦ હજાર ભોગ બનનાર બાળાના પરિવારને અર્પણ કરવાનો શહેર પોલીસે નિર્ણય કર્યો હતો. અન્ય આગેવાનો-દાતાઓ તરફથી પણ બાળકીના પરિવાર પર આર્થિક સહાયનો ધોધ શરૂ થયો છે.

ખોટુ થઇ ગયું...મને નિંદર નથી આવતી, હવાલાતમાં હરદેવના હવાતીયાઃ નર્યો ઢોંગ

. આઠ વર્ષની બાળાને ઉઠાવી દેહ પીંખી નાંખનારા હરદેવને પોલીસ લોકઅપમાં રખાયો છે. રાતે પોતાને નિંદર જ ન આવી હોવાના અને ખોટુ થઇ ગયાના ઢોંગીવેળા હરદેવે આચર્યા હતાં. તેના આવા હવાતીયા સામે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આક્રોશ દાખવી કડક ભાષામાં સમજાવ્યો હતો.

(3:31 pm IST)
  • કોઇમ્બતુરમાં એકધારો વરસાદઃ ૩ મકાન જમીન દોસ્તઃ ૧૦ મહિલા સહિત ૧પના મોતઃ કાટમાળ હેઠળ કેટલાક લોકો હજુ ફસાયેલાઃ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે access_time 11:37 am IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • તામિલનાડુમાં શિયાળે ચોમાસાનો માહોલ : ચેન્નાઈમાં ભારે વરસાદ : એક વ્યક્તિનું મોત : સોમવારે અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધની એલાન : પોન્ડિચેરીમાં પણ પૂરની સ્થિતિ : મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ :આગામી 24-48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી : કેપ કોમોરિન અને લક્ષદ્વીપ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના access_time 12:54 am IST