Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

૧૪ વર્ષ સજા ભોગવી ચુકેલા ૨૪ આજીવન કેદીઓને છોડી મુકવાનો પ્રાથમિક નિર્ણય

દિવાળી ગીફટ...૬૦ વર્ષથી ઉપરના ૪૮ કેદીઓને ૧૪ દિવસની સ્પેશ્યલ પેરોલ : કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ, ડીસ્ટ્રીકટ જજશ્રી ઉત્કર્ષ દેસાઈ, એસ.પી. બલરામ મીણા, જેલ વડા શ્રીમતિ બન્નો જોશી, ડીસીપી મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જેલના કેદીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની ક્ષમતા પ્રસ્તુત કરી સૌના દિલ જીતી લીધા : મુકત થઈ રહેલા ૨૪ કેદીઓ પૈકી આજીવન કેદ પામેલા ૧ મહિલા કેદી

રાજકોટ, તા. ૨ :. ભગવાન રામના વિજયના પર્વ દિપોત્સવી ચારેકોર પ્રકાશ ફેલાવી દે છે. જેલની અંધારી કોટડીમાં ૧૪ - ૧૪ વર્ષ વિતાવી ચૂકેલા પાકા કામના કેદીઓ માટે પણ દિવાળી આશાનું નવુ કિરણ જગાવી ગઈ છે. જેલમાં રહેલા અને ૧૪ વર્ષની સજા પૂર્ણ કરી ચૂકેલા એક મહિલા સહિત ૧૪ કેદીઓને દિવાળીના શુભ અવસરે છોડી મુકવાનો પ્રાથમિક નિર્ણય કલેકટર શ્રી અરૂણ મહેશબાબુના નેજાતળે રચાયેલી કમિટીએ લીધાનું જાણ વા મળ્યુ છે. આ ઉપરાંત દિવાળી ઉપર મંજુર કરવામાં આવતી સ્પેશ્યલ પેરોલ પણ ૪૮ કેદીઓને આપવામાં આવ્યાનંુ રાજકોટ સેન્ટ્રલ જેલના વડા શ્રી બન્નો જોશીએ અકિલાને જણાવ્યુ હતુ.

મળતી માહિતી મુજબ ગઈકાલે જેલના કેદીઓ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ, ડીસ્ટ્રીકટ જજશ્રી ઉત્કર્ષ દેસાઈ, જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા, ડીસીપી ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યુ હતું. મહેમાનો અને કેદીઓ સહિત ૧૦૦ જેટલા લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જેલવાસ ભોગવતા - ભોગવતા અંદર પડેલા કલાકાર જીવને જગાવનાર કેદીઓએ પોતાની અદાકારી સ્ટેજ પર પાથરી હતી. આ જોઈને સૌ ઉચ્ચ અધિકારીઓ અચંબીત થવા સાથે ગૌરવાંકીત બન્યા હતા.

આ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા પૂર્વે જેલમાં ૧૪ વર્ષની સજા પૂરી કરી ચૂકેલા ૨૪ આજીવન કેદીઓને જેલમુકત કરવા કમિટી દ્વારા નિર્ણય જાહેર કરતા ઉપસ્થિત કેદીઓ અને કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રવર્તી હતી. જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા, ડીસ્ટ્રીકટ જજ અને જેલવડા તેમજ ડીસીપી ઝોન-૨ની બનેલી આ કમિટીએ કેદીઓને છોડવા માટેનો પ્રાથમિક નિર્ણય લીધો હતો. જેને મંજુરી માટે ગૃહ વિભાગમાં મોકલાયો હતો. વર્તણૂંક સહિતના અનેક પેરામીટર્સમાંથી પસાર થયેલા ૧૭૦૦ કેદીઓ પૈકી ૨૪ની કેદમાંથી મુકત કરવાનો નિર્ણય કમિટી દ્વારા લેવાયો હતો. આ વખતે તમામ કેદીઓને વન-ટુ-વન મળી કમિટીના સભ્યોએ તેમના નામો સામે મંજુરીની મ્હોર મારી હતી.

આ ઉપરાંત દર દિવાળી ઉપર સારી વર્તણૂંક ધરાવતા કેદીઓ માટે ૧૪ દિવસની સ્પેશ્યલ પેરોલ મંજુર કરવામાં આવતી હોય છે. જેમાં ૪૮ લોકોને પેરોલ પર છોડાયા હતા.

ઉપસ્થિત અધિકારીશ્રીઓએ પ્રિઝન રેડીયોની પણ મુલાકાત લીધી હતી. કંઠ અને વાદ્યો દ્વારા કલાના કામણ પાથરતા કેદી કલાકારોની પ્રસ્તુતિ સાંભળી - જોઈ સૌ મંત્રમુગ્ધ બન્યા હતા.

(4:06 pm IST)